‘ગદર 2’ બાદ વધી ગઈ હતી દર્શકોની અપેક્ષા
સની દેઓલની કારકિર્દીમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે ‘ગદર 2’ની જબરદસ્ત સફળતાએ તેમને ફરી બોક્સ ઓફિસ પર મજબૂત સ્થિતિમાં લાવી દીધા. આ સફળતા બાદ દર્શકોને તેમની પાસેથી ફરી એ જ પ્રકારની દેશભક્તિ અને એક્શનની અપેક્ષા હતી. ખાસ કરીને પાકિસ્તાન સામે આક્રમક વલણ અને દમદાર સંવાદો ધરાવતી ભૂમિકામાં દર્શકો તેમને વધુ પસંદ કરતા આવ્યા છે. આ જ અપેક્ષા ‘બંટવારા 1947’ માટે પડકાર બની હોવાનું માનવામાં આવે છે.
પાકિસ્તાની પાત્રમાં સની દેઓલને જોવું દર્શકો માટે મુશ્કેલ બન્યું?
‘બંટવારા 1947’માં સની દેઓલ એક પાકિસ્તાની વ્યક્તિની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં તેમનું પાત્ર એક હિન્દુ મહિલાની મદદ કરે છે અને તેને બચાવવાનો પ્રયાસ કરે છે. આ પાત્ર ધર્મ કરતાં માનવતાને મહત્ત્વ આપે છે અને સંદેશ આપે છે કે ધર્મ ખરાબ નથી હોતો, પરંતુ ખરાબ લોકો કોઈપણ ધર્મમાં હોઈ શકે છે.
ફિલ્મનો સંદેશ માનવતા અને સાંપ્રદાયિક સૌહાર્દ પર આધારિત છે. જોકે સની દેઓલની અત્યાર સુધીની પડદા પરની છબીની સરખામણીમાં આ પાત્ર તદ્દન અલગ છે. લાંબા સમયથી દર્શકો તેમને પાકિસ્તાન વિરોધી અને દેશભક્ત ભૂમિકાઓમાં જોતા આવ્યા છે. તેથી એક મોટા વર્ગ માટે સની દેઓલને પાકિસ્તાની પાત્રમાં સ્વીકારવું સરળ રહ્યું નહીં હોય.
બદલાયેલા માહોલની પણ થઈ અસર
ફિલ્મની મુશ્કેલી માત્ર કાસ્ટિંગ પૂરતી સીમિત નથી. ભારત-પાકિસ્તાન સંબંધો અને છેલ્લા કેટલાક સમયની વિવિધ ઘટનાઓને કારણે દેશમાં પાકિસ્તાનને લઈને લોકોના એક વર્ગમાં નારાજગી જોવા મળે છે. આવા માહોલમાં સની દેઓલ જેવા અભિનેતા, જેમની ઓળખ જ આક્રમક દેશભક્ત નાયક તરીકે બની છે, જો કે આ વખતે મુસ્લીમ કિરદારમાં જોવાનો અનુભવ દર્શકો માટે અલગ રહ્યો. ‘ગદર’ અને ‘ગદર 2’માં સની દેઓલની આ જ છબી ફિલ્મની સૌથી મોટી તાકાત બની હતી. પરંતુ ‘બંટવારા 1947’માં કદાચ એ જ છબી ફિલ્મ માટે પડકાર બની ગઈ.
મજબૂત વાર્તાને સ્ક્રીનપ્લેનો સાથ ન મળ્યો?
‘બંટવારા 1947’ જાણીતા નાટક ‘જિસ લહૌર નહીં વેખ્યા ઔ જમ્યા નહીં’ થી પ્રેરિત છે. મૂળ વાર્તાની પોતાની મજબૂત ભાવનાત્મક પૃષ્ઠભૂમિ છે. જોકે તેને ફિલ્મના સ્વરૂપમાં રજૂ કરતી વખતે સ્ક્રીનપ્લે પર વધુ ઊંડાણથી કામ કરવાની જરૂર હતી એવું ફિલ્મના પ્રારંભિક પ્રતિસાદ પરથી લાગી રહ્યું છે. ખાસ કરીને ફિલ્મના પહેલા ભાગમાં કહાનીની લાગણીઓ દર્શકો સુધી એટલી અસરકારક રીતે પહોંચી શકતી નથી. પરિણામે શરૂઆતમાં દર્શકોનો વાર્તા સાથે ભાવનાત્મક જોડાણ બનવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં ફિલ્મનો મુખ્ય સંદેશ પણ અપેક્ષા મુજબની અસર ઊભી કરી શકતો નથી.
બોક્સ ઓફિસ પર પણ અપેક્ષા પ્રમાણે શરૂઆત નહીં
‘બંટવારા 1947’ સિનેમાઘરોમાં ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. સોમવાર સુધી ફિલ્મે કુલ અંદાજે 28.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હોવાનું જણાવાયું છે. શરૂઆતના આંકડા જોતા ફિલ્મ માટે પોતાની કિંમત વસૂલ કરવી પણ પડકારરૂપ બની શકે છે.
આ પણ વાંચોઃ Batwara 1947 Trailer Release : ભાગલાનું દર્દ અને નફરતની આગ... સની દેઓલની 'બંટવારા 1947'નું ટ્રેલર જોઈને આંખમાં આંસુ આવી જશે