The Maverick Maestro : સુરમય સવ્યસાચી-કિશોરકુમાર
The Maverick Maestro : કિશોરકુમારના અતરંગી સ્વભાવ પાછળ છુપાયેલી એકલતા અને લીના ચંદાવરકર સાથેના તેમના અતૂટ પ્રેમની સંવેદનશીલ કથા જાણવા જેવી છે . પ્રૌઢ વયે એક અલગારી કલાકારને લીનાના રૂપમાં મળ્યું સાચું 'ઘર' અને કેવું હતું તેમનું અંગત જીવન
The Maverick Maestro : ભારતીય સિનેમાના ઇતિહાસમાં જો કોઈ સૌથી વધુ 'અનપ્રેડિક્ટેબલ' અને રહસ્યમય વ્યક્તિત્વ હોય, તો તે હતા કિશોરકુમાર. દુનિયા તેમને એક અજોડ ગાયક અને અભિનેતા તરીકે ઓળખતી, પણ તેમની ભીતર એક એવો 'ધૂણી' જીવ વસતો હતો જે દુનિયાના લૌકિક નિયમોથી પર હતો. ક્યારેક બંગલાની બહાર 'Beware of Kishore' પાટિયું મારી દેવું, તો ક્યારેક આખા સ્ટુડિયોને રડાવ્યા પછી મજાકમાં હસી પડવું – આ બધું જ તેમના અલગારી સ્વભાવનો હિસ્સો હતું.
લોકો જેને 'તરંગી' કહેતા, એ વાસ્તવમાં કિશોરદાની પોતાની દુનિયા હતી, જ્યાં તેઓ ભીડમાં રહીને પણ એકાંત માણતા. એક એવો કલાકાર જેણે સફળતાના તમામ શિખરો સર કર્યા હતા, છતાં જેનું મન હંમેશાં ખંડવાના વતનની ધૂળ અને શુદ્ધ પ્રેમ માટે તરસતું હતું. જ્યારે આ 'મનમોજી મલંગ'ના જીવનમાં લીના ચંદાવરકરનું આગમન થયું, ત્યારે એ તરંગી સ્વભાવને પ્રેમના મૃદુ સ્પર્શની શીતળતા મળી.
The Maverick Maestro : ત્રણ નિષ્ફળ લગ્નોનો આઘાત અને મનમાં ઘૂઘવતા અજંપાનો મહાસાગર
કહેવાય છે કે જ્યારે બે આત્માઓ એકબીજાના પૂરક બનવાનું નક્કી કરે છે, ત્યારે ઉંમરના આંકડા ગૌણ બની જાય છે. સુર સમ્રાટ કિશોરકુમાર અને લીના ચંદાવરકર(Leena Chandavarkar)નું લગ્નજીવન આ વાતની જીવંત સાક્ષી હતું. ત્રણ નિષ્ફળ લગ્નોના આઘાત અને મનમાં ઘૂઘવતા અજંપાના મહાસાગર વચ્ચે લીનાનું કિશોરકુમારના જીવનમાં આવવું એ કોઈ આશીર્વાદથી ઓછું નહોતું.
એક ઘરની તલાશ: જ્યાં કશાય કારણ વિના જઈ શકાય
દુનિયા માટે કિશોરકુમાર એક અતરંગી અને ખુશમિજાજ કલાકાર હતા, પણ ભીતરથી તેઓ એક એવા 'ઘર'ની શોધમાં હતા જ્યાં કોઈ તેમની રાહ જોતું હોય. કિશોરકુમાર હંમેશા કહેતા કે તેમને ખંડવાના એ જૂના ઘર જેવી ચહલપહલ જોઈતી હતી, જ્યાં સ્વજનોનો મેળાવડો હોય અને માનો હસતો ચેહરો બધી થાક ઉતારી દે. લીનાએ તેમના બંગલા 'ગૌરી કુંજ'-Gauri Kunjને ખરેખર એક ઘર બનાવ્યું. ખાણી-પીણીના શોખીન કિશોરદા માટે લીના પોતાના હાથે વાનગીઓ બનાવતી અને આ પ્રેમ જોઈને જ કિશોરકુમારના જીવનમાં સ્થિરતા આવી.
The Maverick Maestro : કિશોરદાનો તરંગી પણ માસૂમ સ્વભાવ
કિશોરકુમાર સ્વભાવે એક બાળકની જેમ નિર્દોષ અને ક્યારેક જિદ્દી હતા. લીના યાદ કરે છે કે ડૉક્ટરની મનાઈ છતાં તેઓ અડધી રાત્રે ચોરીછૂપીથી ફ્રિજમાં મીઠાઈ શોધતા પકડાઈ જતાં! જ્યારે લીના તેમને પકડી લેતી, ત્યારે તેઓ માસૂમિયતથી બહાનું કાઢતા કે "હું તો પાણીનો રંગ ચેક કરવા આવ્યો હતો!"
ક્યારેક અચાનક રેકોર્ડિંગ કેન્સલ કરીને ઘરે આવી કહેતા, "આજ કામ કરને કા મૂડ નહીં હૈ, ચલો સુમિત કો લેકર કહીં ઘૂમને ચલતે હૈ." તેમના આ મૂડના ઉતાર-ચડાવને લીનાએ ખૂબ ધીરજ અને પ્રેમથી સંભાળ્યા હતા.
ભાવુક પિતા અને જુદાઈનો ડર
કિશોરકુમાર માત્ર એક મહાન ગાયક જ નહીં, પણ અત્યંત સંવેદનશીલ પિતા પણ હતા. અમિતકુમાર(Amit Kumar) જ્યારે વેકેશન પૂરું કરીને કલકત્તા પાછા જતા, ત્યારે કિશોરદાની આંખો છલકાઈ જતી. જુદાઈની એ પળો તેમને અસહ્ય લાગતી. સુમિતના જન્મ બાદ તેમની ખુશીનો પાર નહોતો, કારણ કે તેમને હંમેશા વસવસો હતો કે તેઓ અમિતને પૂરતો સમય આપી શક્યા નહોતા.
સાંજની ઉદાસી અને ફિલોસોફી
80ના દાયકામાં જ્યારે કિશોરકુમારની કારકિર્દી સુવર્ણકાળ પર હતી, ત્યારે પણ સાંજ પડતા જ તેમના પર એક અજીબ ઉદાસી છવાઈ જતી. તેઓ કહેતા, "મૈં લિઓ (Leo) હૂં, સૂરજ ઢલને કે બાદ મુઝે કુછ અચ્છા નહીં લગતા." ક્યારેક તેઓ મજાકમાં લીનાને કહેતા કે "તુમ્હારી સરનેમ ચંદાવરકર નહીં, બડબડકર હોની ચાહિયે!" પણ આ મજાક પાછળ એક એવો માણસ હતો જે પરિવારના સાથ માટે ઝંખતો હતો.
કિશોરકુમારના જીવનના આ અજંપા, એકલતા અને પ્રેમની શોધને તેમનું જ ગાયેલું આ ગીત આબેહૂબ રીતે વ્યક્ત કરે છે:
ऐसे जीवन भी हैं जो जिये ही नहीं
जिनको जीने से पहले ही मौत आ गयी
फूल ऐसे भी हैं जो खिले ही नहीं
जिनको खिलने से पहले फ़िज़ा खा गई
है परेशां नज़र थक गये चाराग़र
कोई समझा नहीं कोई जाना नहींઆ ગીત જાણે કિશોરકુમારના ભીતરના ખાલીપાનો પડઘો છે. લીના ચંદાવરકરના રૂપમાં તેમને એ 'ચેન' મળ્યું ખરું, પણ વિધિની વક્રતા જુઓ કે જ્યારે તેમને સાચું સુખ મળ્યું, ત્યારે કુદરતે તેમને વધુ સમય ન આપ્યો. છતાં, કિશોર-લીનાની આ કહાની એ વાતની સાબિતી છે કે સાચો પ્રેમ ઉંમર કે ભૂતકાળ નથી જોતો, તે માત્ર એકબીજાના પૂરક બનવાનું સામર્થ્ય જુએ છે.
આ પણ વાંચો : Samay Raina ના શો ને લઇને Mukesh Khanna ના તીખા પ્રહાર, કહ્યું 'આખો દેશ....!'


