હર્ષ ઉપાધ્યાયે તૈયાર કરેલી 'મા' ફિલ્મનું ટાઇટલ ટ્રેક “કાલી શક્તિ” લોકોને ખૂબ ગમ્યું
કાજોલ દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ “મા” નું Title Song “કાલી શક્તિ” Harsh Upadhyay એ કમ્પોઝ કર્યું છે, જેમાં લેજેન્ડરી ગાયિકા ઉષા ઉથુપે (Usha Uthup) પોતાનો જાદુઈ અવાજ આપ્યો છે. આ ગીત ફિલ્મના ક્લાઇમેક્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે એક નિર્ણાયક ટર્નિંગ પોઇન્ટને રજૂ કરે છે. આ ગીત દ્વારા ફિલ્મમાં કાજોલના પાત્રની ભાવનાત્મક સફર દર્શાવવામાં આવી છે, જેમાં તે એક માતા તરીકે પોતાના બાળકને બચાવવા માટે મા કાલીની શક્તિ મેળવે છે.
ટાઇટલ ટ્રેક તૈયાર કરવાની સૂચના
મળતી માહિતી અનુસાર, આ ગીતની રચના દરમિયાન અજય દેવગને Harsh Upadhyay ને ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો બતાવ્યા હતા અને ફિલ્મની પરિસ્થિતિને અનુરૂપ એક શક્તિશાળી ટાઇટલ ટ્રેક તૈયાર કરવાની સૂચના આપી હતી. Harsh Upadhyay એ આ ગીતની ધૂન એવી રીતે રચી કે તે ફિલ્મની ભાવનાત્મક ઊંડાઈ અને નાટકીય ક્ષણોને પ્રતિબિંબિત કરે. અજય દેવગનને આ ગીત અને તેની ધૂન એટલી પસંદ આવી કે તેમણે તેને ફિલ્મના પ્રોમો અને ટ્રેલર માટે સિગ્નેચર ટ્રેક તરીકે પસંદ કર્યું. આ ગીતનું રેકોર્ડિંગ કોલકાતામાં ઉષા ઉથુપના સ્ટુડિયોમાં થયું હતું, જે એક અલગ જ અનુભવ હતો. Harsh Upadhyay એ કહ્યું કે, ઉષા ઉથુપ જેવી દિગ્ગજ ગાયિકા સાથે કામ કરવાનો અવસર મળવો એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત હતી. તેમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું, અને આ ગીતની રચના દરમિયાન તેમની પ્રેરણાદાયી ઊર્જાએ ગીતને નવો આયામ આપ્યો.
“સન ઓફ સરદાર-2”નું સંગીત: એક ભવ્ય અનુભવ
Harsh Upadhyay એ આગળ કહ્યું કે, “સન ઓફ સરદાર-2” ફિલ્મ માટે મેં બે ગીતોની રચના કરી છે: એક ટાઇટલ ટ્રેક અને બીજું રોમેન્ટિક ગીત. ફિલ્મના ટાઇટલ ટ્રેકનું શૂટિંગ પંજાબમાં એક વિશાળ સેટ પર કરવામાં આવ્યું હતું, જ્યાં 500થી વધુ ડાન્સર્સે આ ગીત પર પરફોર્મ કર્યું. આ ગીતની ભવ્યતા અને ઊર્જા મારા માટે ખૂબ જ ખાસ છે. મેં આ ગીતની મૂળ ઓરિજિનાલિટીને જાળવી રાખતાં મારો વ્યક્તિગત ટચ આપ્યો છે. આ ગીતના 3થી 4 અલગ-અલગ વર્ઝન્સ તૈયાર કર્યા હતા, જેથી ફિલ્મની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ પસંદગી કરી શકાય. Harsh Upadhyay એ કહ્યું કે, ફિલ્મના ડિરેક્ટર વિજય અરોરાએ મને એક દિવસ ફોન કરીને રોમેન્ટિક ગીત કમ્પોઝ કરવા જણાવ્યું. મેં તે ગીત તૈયાર કરીને તેમને આપ્યું, અને તેમને એટલું પસંદ આવ્યું કે તેમણે મને ફિલ્મનું ટાઇટલ ટ્રેક પણ તૈયાર કરવા કહ્યું. આ રીતે, મેં “સન ઓફ સરદાર-2”નું ટાઇટલ ટ્રેક પણ કમ્પોઝ કર્યું. હાલમાં રિલીઝ થયેલા ફિલ્મના ટીઝરમાં મારી રચેલી ધૂન સાંભળવા મળે છે, અને મને આશા છે કે દર્શકોને તે ખૂબ જ પસંદ આવશે.
“મા અને સન ઓફ સરદાર-2: સંગીતની રચના યાદગાર સફર”
Harsh Upadhyay એ કહ્યું, “મા” અને “સન ઓફ સરદાર-2”ના સંગીતની રચના મારા માટે એક યાદગાર અનુભવ રહી છે. ઉષા ઉથુપ જેવા દિગ્ગજ કલાકાર સાથે કામ કરવું અને અજય દેવગન તેમજ વિજય અરોરા જેવા દિગ્દર્શકોની દ્રષ્ટિને સંગીત દ્વારા જીવંત કરવાનો અવસર મળવો એ મારા માટે ગર્વની વાત છે. આ બંને ફિલ્મોના ગીતો દ્વારા મેં ફિલ્મની ભાવનાઓ અને વાર્તાને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને હું આશા રાખું છું કે દર્શકો આ સંગીતને ખૂબ પ્રેમ આપશે.
આ પણ વાંચો : હું મારા કરિયરમાં ક્યારેય Adult ફિલ્મો નહીં કરું, અજયની આ વાત સાંભળી કાજોલ ન રોકી શકી હસી