ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Music Day : “સંગીત” એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા

21 જૂન.. તાનસેન અને કાનસેન માટે મહાપર્વ- 'વિશ્વ સંગીત દિવસ .
11:30 AM Jun 21, 2025 IST | Kanu Jani
21 જૂન.. તાનસેન અને કાનસેન માટે મહાપર્વ- 'વિશ્વ સંગીત દિવસ .

'

World Music Day  : 21 જૂન.. તાનસેન અને કાનસેન માટે મહાપર્વ- 'વિશ્વ સંગીત દિવસ .

સંગીત ક્યાં નથી ? આમ જુવો તો જગતના અણુ એ અણુ માં સંગીતનો વાસ છે . વરસાદના છાંટામાં, દરિયાના ઘુઘવાટમાં, પવનની લહેરખીઓમાં, પંખીઓના કલરવમાં, ઝરણાંના કલકલાટમાં થી લઈને જ્યાં જ્યાં નજર મારી પડે ની જેમ હર જગહ સંગીત હી સંગીત હૈ …!! અને સંગીત અને માનવજીવને જબરો સંબંધ પણ છે . બોલતા ના શીખ્યું હોય ત્યાં રડવાનું સંગીત સંભળાવા માંડે . ગમ હોય કે ખુશી સંગીત હરેક મોડ પર – હરેક પ્રસંગે આપણો સાથ આપે છે . ફ્રાન્સના ગીતકાર વિક્ટર હ્યુગો એ કહેલું કે ' જે આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકીએ નહિ તે સંગીત દ્વારા વ્યક્ત કરી શકાય છે '.

વિકટરભાઈની વાત ખોટી નથી જ . આજે ઇઝીલી અવેલેબલ અને અફાટ ઇન્ટરનેટ ની દુનિયામાં વિશ્વભરનું શ્રેષ્ઠ મ્યુઝીક દુનિયાના ખૂણે ખૂણે આસાનીથી પહોચી પણ જાય છે અને ભાષા ના અજ્ઞાન ની સીમા હોવા છતાં વખણાય છે – સંભળાય છે – એન્જોય કરાય છે . આ જ તો છે સંગીત ની સફળતા અને એની વેલ્યુ ...!!

સંગીતની અસર કોઈ એક ક્ષેત્ર પુરતી નહિ પણ વૈશ્વિક

હવે તો ડીજીટલ જમાનો છે, હવે ક્યા ૬ કે ૧૦ ગીતોની લોંગપ્લે રેકોર્ડ કે ૧૦-૧૨ ગીતોની કેસેટ સંઘરવી પડે એમ છે ?  જગતભરનું મ્યુઝીક મોબાઈલ કે લેપ્પીના કી-બોર્ડના ટેરવે છે . ૪ કે ૮ જીબી ની પેનડ્રાઈવમાં તો અમેરિકન-યુરોપીયન-અરબી કે ઇન્ડિયન મ્યુઝીક ના અધધધ આલ્બમો સમાઈ જાય છે, ૧૨૮ જીબી ના મોબાઈલમાં દુનિયાભરનું મ્યુઝીક ડાઉનલોડ કરી શકાય છે, યુટ્યુબ તો હાજરાહજૂર.

દુનિયાભરના સંગીતનો રસાસ્વાદ કરાવવા તો અનેકો ગાના,સાવન જેવી અનેકો મ્યુઝીક એપ્સ તમારા દિલોદિમાગને તરબતર કરવા સતત તત્પર છે, એવામાં સારા સંગીત ની અસર કોઈ એક ક્ષેત્ર પુરતી નહિ પણ વૈશ્વિક બની ગઈ છે .

ભારતમાં હિન્દી ફિલ્મોએ સંગીતને છેક છેવાડાના માણસ સુધી પહોંચાડ્યું. દરબારી સંગીત. મહેફિલોનું સંગીત હવે ઝૂંપડાં સુધી પહોંચી ગયું એમાં હિન્દી ફિલ્મોનો મહત્વનો ફાળો. 

સંગીતમાં ગુજરાતનો ફાળો અમૂલ્ય છે. પંડિત ઓમકારનાથ ઠાકુરથી લઈ અનેક સંગીતના ખેરખાં ગુજરાતે આપ્યા છે. પ્રકૃતીએ વેપારી પ્રજા ગુજરાતીઓએ શાસ્ત્રીય,સુગમ અને ફિલ્મી ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું છે.

World Music Day જ્યારે ઉજવાઇ રહ્યો છે ત્યારે બોલિવૂડને માત્ર અને માત્ર નઆધુર ગીતો આપનાર ગુજરાતી સંગીત બેલડી કલ્યાણજી આણંદજી ને યાદ કરવા જ પડે. 

એક ગુજરાતી વાણીયાએ ૧૯૪૬માં ફિલ્મ નાગીનમાં બિન(પૂંગી) વગાડી જેના પર નાગીન ડાંસ વિના આજે પણ લગ્નનો કોઈ પણ વરઘોડો અધૂરો છે.
કલ્યાણજી આણંદજી-સદીના સૂરીલા સંગીતકાર. આણંદજી વીરજી શાહ તે કલ્યાણજી વીરજી શાહના નાના ભાઈ.
મૂળરહેવાસી-કુન્દ્રોલી,કચ્છ-ગુજરાત.મૂળે તળ મુંબઈમાં કરીયાણાના વેપારી.ગીરગામમાં એમની દૂકાન.તોલી તોલીને-જોખી જોખીને માલ આપવો એમના લોહીમાં.એવું જ સંગીતક્ષેત્રે પણ એમનું પ્રદાન.

બોલીવુડમાં સૌથી પહેલાં કીબોર્ડ-ક્લે વાયોલીન લાવનાર કલ્યાણજીભાઇ

બોલીવુડ-Bollywood માં સૌથી પહેલાં કીબોર્ડ-ક્લે વાયોલીન-Keyboard-clay violin લાવનાર કલ્યાણજીભાઇ. સૌથી પહેલાં સંગીતકાર ચિત્રગુપ્તએ ‘નાગપંચમી’ ફિલ્મમાં વગવડાવ્યું.એમાં મદારીની મોરલીની ધૂન હતી જે લોકપ્રિય થયેલી.પછી ફિલ્મ ‘નાગીન’માં કલ્યાણજીભાઈએ વગાડેલી જે અમર થઇ ગઈ. નાગીનના સંગીતકાર હતા-હેમંતકુમાર.બિનાકા ગીતમાલામાં એક સાથે છ થી સાત ગીતો આ બેલડીનાં રહેતાં.
મનમોહન દેસાઈની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ ‘છલીયા’માં કલ્યાણજી આણંદજી - Kalyanji–Anandji બેલડીએ સંગીત આપ્યું.એ પહેલાં ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વરસમાં છ ફિલ્મમાં કલ્યાણજી વીરજી શાહના નામે સંગીત આપેલું. એમાં પોસ્ટબોક્ષ-૯૯૯ અને ‘બે દર્દ જમાના ક્યાં જાને’ નાં ગીતો હજી ય લોકજીભે છે.

મજાની વાત તો એ છે કે આ બે વણિકબંધુઓએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી નહોતી.
કલ્યાણજી કદ કાઠીમાં ઊંચા જ્યારે આણંદજી થોડા ઠીંગણા.ઊંચાઈ વધારવા એ સાયકલ ચલાવે..એમની ઉંચાઈ તો ન વધી પણ ‘ઊંચાઈ’ જરૂર વધી.

મર્યાદાઓનો ય આ બેલડીએ બખૂબી ઉપયોગ કર્યો

એ જમાનામાં સાઉન્ડ રેકોર્ડીંગ Sound recording માં ઘણી મર્યાદાઓ...પણ એ મર્યાદાઓનો ય આ બેલડીએ બખૂબી ઉપયોગ કર્યો.ફિલ્મ ‘સફર’નું ગીત ‘જીંદગી કા સફર હૈ એ કૈસા સફર’ રેકોર્ડ કરતી વખતે કોણ જાણે આ માડુઓને શું સૂઝ્યું કે કિશોરકુમારને માઈકથી દૂર રહી ગાવાનું કહ્યું.પરિણામ આપણી સામે છે.ગીતનું રેકોર્ડીંગ સાંભળી કિશોરકુમાર એટલા તો ખુશ થયા કે બંને ભાઈઓને એમણે કિસ કરી લીધી,એમના ગાલ ખેંચ્યા..

કલ્યાણજી આણંદજી-બંને ભાઈઓ સ્વભાવે રમુજી.એ હોય ત્યાં વાતાવરણ હસતું જ હોય. બોલીવુડમાં ગળાકાપ સ્પર્ધા હતી અને રહેવાની...સામાન્ય રીતે એક સંગીતકારનું રેકોર્ડીંગ ચાલતું હોય ત્યાં બીજો કોઈ સંગીતકાર હાજર ન રહે પણ આ કચ્છીમાડુઓના રેકોર્ડીંગમાં એકાદ સંગીતકાર હાજર હોય જ અને આ માડુઓ બીજાના રેકોર્ડીંગમાં પહોંચી ય જાય. જે સમયે એસ.ડી.બર્મન,હેમંતકુમાર,મદન મોહન,નૌશાદ,શંકરજયકિશન,ઓ.પી.નય્યર જેવા ખાં સાહેબો બોલીવુડમાં રાજ કરતાં હતા ત્યાં આ નવી સંગીત બેલડીએ પગ જમાવવો અઘરૂં જ નહી અશક્ય જેવું હતું...પણ આ ભાઈઓ પાસે સુર હતો...સૂઝ હતી.

એ ફૂલ નહિ ઇસ કા દિલ હૈ

માડુઓમાં આણંદજી થોડા રંગીન મિજાજના.મૂળ વાણીયા એટલે બોલીવુડમાં કોઈ લફરું ન કર્યું....પણ ક્યાંક આ માડુ લાપટાયેલા.એકવાર આણંદજીને એક પ્રેમિકાએ પત્ર મોકલ્યો જે સ્ટુડીઓમાં રેકોર્ડીંગ કરતા હતા ત્યાં હાથોહાથ કોઈ આપી ગયું. છોટે ભાઈ તો ફસાયા.સંકોચ સાથે એમણે એકાંતમાં જઈ અત્તર છાંટેલ પરબીડિયું ખોલ્યું. ગીતકાર ઇન્દીવર સંતાઈને એમની પાછળ ગયેલ.

કવરમાંથી એક કાગળ અને એક ફૂલ નીકળ્યું.કાગળમાં કંઈ લખેલું નહોતું.માત્ર લીપસ્ટીકથી કરેલું હોઠનું નિશાન જ હતું.ઇન્દીવર હસી પડ્યા “અરે,બનિયા ઔર પ્રેમપત્ર??” આણંદજી પણ ગાંજ્યા જાય એવા નહોતા એમણે તુરંત જવાબ આપ્યો “ એ ફૂલ નહિ ઇસ કા દિલ હૈ”.......અને આપણને સદાબહાર ગીત “ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મૈ” મળ્યું.
ઇન્દીવર અને આણંદજી અને કલ્યાણજી વચ્ચે મિત્રતા.આમે ય આ ભાઈઓ દરેક કલાકાર કસબીઓ સાથે માત્ર પ્રોફેશનલ નહિ પણ લાગણીથી જોડાયેલ રહેતા...મૂળે કરિયાણાનો...ભૂલેશ્વરમાં કરિયાણાની દૂકાન.
બર્મનદાદા તો એમની પાસે પાપડ અને અથાણાં ય મંગાવતા.
ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નાં ગીતોનું રેકોર્ડીંગ પૂરું થયેલું.એ હળવાશ લઇ કોઈ કામ મશે આણંદજીભાઈ ઇન્દીવરના ઘેર ગયેલ.કવિરાજ બાથરૂમમાં હતા. આણંદજી શાંતિથી બેઠકરૂમમાં બેઠા. રાહ જોતો બેઠેલો માણસ પાસે પડેલા મેગેઝીન કે છાપાં ફેંદે...બસ, આ વૃત્તિએ જ ખૂણામાં પડેલી એક ડાયરી હાથમાં લીધી. આણંદજી એ ફેંદતા હતા.એક પાને અટક્યા.કોઈ જોતું નથી એની ખાત્રી કરી એક પાનું ફાડી ખિસ્સામાં સરકાવી દીધું. ઇન્દીવરની એ અંગત ડાયરી હતી.નોકરને મેસેજ આપી એ નીકળી ગયા.સીધા કલ્યાણજીભાઈને ફોન કરી ઘેરથી ફેમસ સ્ટુડીઓ પર બોલાવી લીધા.કારણ કે હજી બે દિવસ સ્ટુડીઓનું બુકિંગ હતું.

ગીત વાંચ્યું...બાપ રે???? છલોછલ વેદના.

કલ્યાણજી આવ્યા.બંને એ ગીત વાંચ્યું...બાપ રે???? છલોછલ વેદના....કલ્યાણજીભાઈએ પહેલાં તો આ ગીત રેકોર્ડ કરવાની ના પાડી-કારણ? ઇન્દીવરનો અંગત મામલો હતો પણ આણંદજીએ ‘ફોડી લેવાશે’ કહી એમને સમજાવી દીધા.
‘પૂરબ ઔર પશ્ચિમ’ માટે આ ગીત રેકોર્ડ કરવાનું નક્કી કરી નિર્માતા-નિર્દેશક મનોજકુમારને જાણ કરી.મનોજકુમારને આ માડુઓ પર ભરોસો.એ પણ સ્ટુડીઓ પહોંચ્યા....ત્યાં સુધી હાર્મોનિયમ પર તર્જ બેસાડી દીધેલી.
ગીત હતું: કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે

મનોજકુમાર તો અવાક...રેકોર્ડીંગ પતે નહિ ત્યાં સુધી ઇન્દીવરને જાણ ન કરવી એમ નક્કી કરી લીધું.
ગીતના મૂડ પ્રમાણે ઓછામાં ઓછા વાદ્યો રાખવાનું નક્કી થયું.
ફ્લ્યુટ,ગીટાર અને બિલકુલ હળવી રીધમ જ વાપરવાનું નક્કી થયું.આવા ગીતના ગાયકમાં તો મુકેશ જ હોય એ સ્વાભાવિક છે.

રેકોર્ડિંગમાં સાઉન્ડ રેકોરડીસ્ટ અને ગાયક મુકેશ અસહજ 

નિર્ધારિત સમયે બપોરે ત્રણ વાગ્યે રેકોર્ડીંગ ચાલુ થયું.મુશ્કેલી તો ત્યાં થઇ કે સો દોઢસો વાદ્યો વાળી ઓરકેસ્ટ્રાના રેકોર્ડીંગથી ટેવાયેલ સાઉન્ડ રેકોર્ડીસ્ટ માત્ર ત્રણ વાદ્યો સાથે રેકોર્ડીંગ કરવામાં અસહજ બની ગયેલો.એવું જ ખૂદ સંગીતકાર બેલડી માટે હતું.
મુકેશ તો સાવ અસહજ હતા.ત્રીસેક રીટેક થયા.
આણંદજીભાઈ તો મુકેશ અને મન્ના ડેને ડીઝલ એન્જીન જ કહેતા.ડીઝલ એન્જીન ગરમ થાય પછી વેગ પકડે.એવું જ મુકેશ માટે. થોડા રીટેક થાય પછી જ ગળામાંથી મુકેશ નીકળે.
આખરે,બધાને સંતોષ થાય એવું પરિણામ મળ્યું...ત્યારે પરોઢના ચાર વાગી ગયેલા. રેકોર્ડીંગ ટ્રેક સાંભળવાની તૈયારી નહોતી કારણ તદ્દન નવો પ્રયોગ હતો.બધા ફેમસ સ્ટુડીઓ,તારદેવથી ચર્ચ ગેટ સ્ટેશને ગયા.ત્યાં આવા કટાણે પણ ચાકોફી મળતી.બધા ચા પીને છુટા પડ્યા.બે દિવસ તો બેમાંથી એકે ય ભાઈ સ્ટુડીઓ પર ન ગયા.કાનમાં માત્ર ગીટાર ફ્લ્યુટ જ ગુંજ્યા કરતી...પણ જ્યારે એમણે અનમિક્ષ વર્ઝન સાંભળ્યું કે ઝૂમી ઊઠ્યા...વાહ વાહ થઇ ગયું....આજે ય ‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે’ ગીત એટલું જ તાજું લાગે...

....પણ ઇન્દીવરને ખબર પડી ત્યારે શું થયેલું? કવિ નારાજ થયા.
...પણ મિત્રતામાં રિસામણાં હોય તો હક્ક પણ હોય ને?

આ પણ વાંચો: Sudha Murty એ ફિલ્મ સિતારે જમીન પરનો રીવ્યૂ આપ્યો, જાણો શું કહ્યું દેશની આ અગ્રણી મહિલાએ ?

Tags :
(Kalyanji Anandji)BollywoodKeyboard-clay violinSound recordingWorld Music Day
Next Article