ફટાકડા ફોડતા છોકરાઓને ઈંટો મારી, સિક્યુરિટી કેબિનમાં તોડફોડ કરનારા કરોડપતિ બંગલા માલિકને Ahmedabad Police એ લૉકઅપમાં નાંખી દીધો
Ahmedabad Police : દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ શહેરમાં નાની મોટી અનેક ઘટનાઓ ઘટી છે. પશ્ચિમ અમદાવાદમાં પણ કાળી ચૌદશની રાતે એક બંગલા માલિકે કરેલા કૃત્યના કારણે તેના પરિવારજનો, પાડોશના એપાર્ટમેન્ટના રહિશો અને Ahmedabad Police ને 24 કલાક પરેશાન થવું પડ્યું હતું. બિઝનેસમેનની ઓળખ ધરાવતા શખસે એપાર્ટમેન્ટની સિક્યુરિટી કેબિનમાં કેમેરા, ઈન્ટરકોમ સિસ્ટમ તેમજ બેરિકેડ અને મિરરને તોડી નાંખી દોઢેક લાખનું નુકસાન કર્યું હતું. આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા દિવાળીની સાંજે આક્ષેપિતની સામે અમદાવાદ પોલીસે અટકાયતી પગલાં લઈ લૉકઅપમાં ધકેલી દીધો હતો. શું છે સમગ્ર મામલો અને છેલ્લે શું થયું ? વાંચો આ અહેવાલમાં...
Ahmedabad Police ને કેમ અરજી અપાઈ ?
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક લકઝુરિયસ એપાર્ટમેન્ટમાં કાળી ચૌદશની રાતે કેટલાંક બાળકો અને કિશોર ફટાકડા ફોડી રહ્યાં હતાં. આ સમયે પાડોશમાં આવેલી સોસાયટીના બંગલામાં રહેતા બિઝનેસમેન અચાનક ગુસ્સે થઈ ગયા હતા. બંગલાના ધાબે ચઢીને ફટાકડા ફોડતા બાળકોને ભગાડવા ઈંટોના ટુકડા ફેંક્યા અને પછી પાઈપ વડે પાણીનો મારો ચલાવ્યો. કેટલાંક બાળક/કિશોર ડરી જઈને તેમના વાલી પાસે પહોંચ્યા અને ઘટનાની જાણ કરી. દરમિયાનમાં 10 કરોડના બંગલાનો માલિક એપાર્ટમેન્ટમાં ધસી આવ્યો અને સિક્યુરિટીની ખુરશી લઈને કેબિનમાં CCTV Camera અને ઈન્ટરકોમ સિસ્ટમ તેમજ બેરિકેડ અને મિરરની તોડફોડ કરી ઘરે ભાગી ગયો. એપાર્ટમેન્ટના રહિશો એકઠાં થઈને તેના બંગલે ઠપકો આપવા પહોંચ્યા તો માફી માગવાના બદલે શખસ રૂઆબ બતાવવા લાગ્યો. "મારા AQI Machine / AQI Monitor માં પ્રદૂષણની માત્રા ખરાબ બતાવે છે અને ઘરમાં શ્વાસ નથી લઈ શકાતો" તેમ કહીને તોફાન મચાવનાર બિઝનેસમેન ઘરમાં ચાલ્યો ગયો. આથી એપાર્ટમેન્ટના રહિશોએ પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર ડાયલ કરીને સ્થાનિક પોલીસને જાણ કરી. મધ્યરાત્રિ બાદ એપાર્ટમેન્ટના રહિશો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે રજૂઆત કરતા પોલીસે ફરિયાદ/અરજી લેવા સંમતિ દર્શાવી. પોલીસ ફરિયાદ થાય તો કલમો અનુસાર આરોપી જામીન મેળવી લે તો ધરપકડ કરી ના શકાય. ભય ફેલાવનારા બિઝનેસમેનને સબક શિખવાડવા એપાર્ટમેન્ટના રહિશોએ પોલીસને અરજી આપતા Ahmedabad Police એ દિવાળીની સાંજે અટકાયતી પગલાંના ભાગરૂપે તોફાની શખસને લૉકઅપમાં ધકેલી દીધો.
અરજદારે માફી આપતા Ahmedabad Police એ જામીન કરાવ્યા
દિવાળીની સાંજે છએક વાગે બિઝનેસમેનને લૉકઅપ ધકેલી દેવાતાં (Businessman in Police Lock-up) ખબર પડી કે, હવે 24 કલાક લૉકઅપમાં રહેવાનો વારો આવ્યો છે. આથી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવેલા પરિવારે પોતાના સંપર્કો થકી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના પરિચિતોને ફોન કરવાના શરૂ કર્યા. પોલીસ સ્ટેશન ખાતે હાજર અરજદાર સહિતના એપાર્ટમેન્ટના રહિશો પાસે બિઝનેસમેનના પરિવારજનો નુકસાનની ભરપાઈ કરવા તૈયાર થયા અને માફી માગવા લાગ્યા. મોટા મનના લોકો આખરે માફી આપવા સમંત થયા અને પોલીસ ઈન્સ્પેક્ટરને વાતની જાણ કરી. પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફે જણાવ્યું કે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે જામીન (Bail with Executive Magistrate) લેવા પડશે, વકીલને બોલાવો. અનેક લોકોને વકીલ માટે ફોન કર્યા પણ મેળ પડ્યો નહીં. આખરે રાતે બારેક વાગે વકીલનો મેળ પડ્યો અને નરોડા ખાતે રહેતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે પોલીસે અટકમાં લીધેલાં શખસને રજૂ કર્યો અને રાતે એક વાગે બિઝનેસમેનનો છુટકારો થયો.


