Bihar Politics After Nitish: નીતિશ કુમાર પછી બિહાર હિંદુત્વ-રાષ્ટ્રવાદની નવી પ્રયોગશાળા બનશે
. Nitish Kumar પછી બિહારની રાજનીતિ પ્રખર હિંદુત્વ અને રાષ્ટ્રવાદના એજન્ડા તરફ વળશે!
. Bihar માં હવે ભાજપ વિરુદ્ધ RJD જેવો સીધો મુકાબલો જોવા મળી શકે છે
. ભાજપ પોતાના સંગઠન અને નવી વ્યૂહરચના દ્વારા સત્તા પર પકડ મજબૂત કરવા મથશે
આનંદ શુક્લ : ઉત્તર ભારત (North India) ના હિંદી ભાષી રાજ્યો (Hindi Belt) માં સૌથી વધુ જટિલ રાજનીતિ (Politcs) કોઈ પ્રાંતની હોય તો તે બિહાર (Bihar) ની છે. બિહારનીરાજનીતિ (Bihar Politics) માં લગભગ ત્રણ દશકથી વધુ સમય સુધી કેન્દ્રમાં રહેવું જેડીયુના સંસ્થાપક અધ્યક્ષ નીતિશ કુમાર (Nitish Kumar) ની એક મોટી ઉપલબ્ધિ છે. પણ હવે બિહારના મુખ્યમંત્રી પદને છોડીને નીતિશ કુમાર (Nitish Kumar) રાજ્યસભા (Rajya Sabha) માં જઈ રહ્યા છે. આગામી સમયમાં બિહારમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલીવાર હશે કે બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બનશે.
બિહારમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને તેની પુરોગામી પાર્ટી ભારતીય જનસંઘે (Bharatiya Jansangh) સમાજવાદી પાર્ટીઓની પાછળ રહીને રાજનીતિ કરી છે અથવા સત્તામાં આવી છે. આની પાછળનું કારણ બિહારનું જટિલ જાતિવાદી ગણિતવાળું રાજકારણ છે.
ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ના જમાનામાં કર્પૂરી ઠાકુર (Karpuri Thakur) , રામસુંદર દાસ (Ram Sundar Das) અથવા માહામાયા પ્રસાદ સિંહા (Maha Maya Prashad Sinha) જેવા સમાજવાદી નેતાઓને જનસંઘનું સમર્થન મળતું હતું અને તેમની સરકારમાં તેમના મંત્રી પણ બનતા હતા.
આ પણ વાંચો: "બેસી જા, તું હજુ બાળક છે": જાણો નીતીશ કુમાર ભરી સભામાં તેજસ્વી યાદવ પર કેમ બગડ્યા?
1990થી Bihar નું અલગ રાજકીય પરિદ્રશ્ય
1990ના દશકમાં જ્યારે લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ વખતે બોફોર્સ કાંડ (Boforce Scam) ના રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ (Congress) અને રાજીવ ગાંધી (Rajiv Gandhi) ને સત્તામાંથી હટાવવાનું અભિયાન પૂર્વ કૉંગ્રેસી વી.પી. સિંહ (V. P. Singh) ના નેતૃત્વમાં શરૂ થયું હતું, તો તે સમયે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) અને ડાબેરી પક્ષો પણ તેમની સાથે હતા. બિહારમાં 1990ના દશકની શરૂઆતમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prashad Yadav) નું રાજ થયું અને તેને ભાજપ (BJP) નું થોડો સમય માટે સમર્થન પણ હતું. ત્યારે 324 વિધાનસભ્યોવાળી વિધાનસભામાં વી. પી. સિંહના નેતૃત્વવાળા જનતાદળ (Janta Dal) ને પૂર્ણ બહુમતી મળી ન હતી. કેન્દ્રમાં વી. પી. સિંહ (V. P. Singh) ની સરકાર ભાજપ (BJP) અને લેફ્ટ (Left) ના ટેકાથી બની હતી અને તેવી જ રીતે બિહારમાં પણ આ બંનેના ટેકાથી સરકાર બની હતી.
Bihar પર નીતિશ કુમારની મજબૂત પકડ
જો કે ભાજપે થોડાક જ દિવસોમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) નો સાથ છોડી દીધો. બિહારમાં રાજકીય રીતે અર્થપૂર્ણતા જાળવી રાખવા માટે ભાજપને હવે એક સાથીદારની જરૂરહતી. 1994માં નીતિશ કુમારે જનતાદળથી અલગ થઈને પોતાની સમતા પાર્ટી (Samta Party) બનાવી અને તેમનું ભાજપની સાથે ગઠબંધન થઈ ગયું. આ ગઠબંધન એકાદ-બે અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતા હજી સુધી યથાવત છે.
નીતિશ કુમારે બે વખત લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ (Rashtriya Janta Dal) એટલે કે આરજેડી (RJD) સાથે સરકાર બનાવી હતી. પણ આ ગઠબંધન સરકાર ખૂબ ઓછો સમય ચાલી હતી.
1995 પછીના બે અપવાદોને બાદ કરીએ તો દરેક વખતે ભાજપ (BJP) અને નીતિશ કુમાર (Nitish Kumar) ની પાર્ટીઓએ એકસાથે ચૂંટણી લડી છે. દરેક વખતે ભાજપ નીતિશ કુમારની પાછળ રહ્યું. નીતિશ કુમારના ચહેરા પર બિહારમાં એનડીએએ ચૂંટણીઓ લડીને મુખ્યમંત્રી પણ તેઓ જ બન્યા.
આ પણ વાંચો: બિહારમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર બનશે નાયબ મુખ્યમંત્રી?
Nitish Kumar પછી બિહાર Hindutva ની પ્રયોગશાળા બનશે!
હવે નીતિશ કુમારના રાજ્યસભામાં જતાની સાથે જ મંડલ રાજનીતિની શરૂઆત કરનારા આખરી નેતા નીતિશ કુમાર (Nitish Kumar) ની બિહારની પ્રાંતીય સક્રિય રાજનીતિમાંથી વિદાય થઈ રહી છે અને ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. આ બંને મૂળભૂત બાબતો બિહારના રાજકારણને બદલનારી છે.
હવે બિહારમાં જે રાજનીતિ ચાલશે, તે ભાજપને કેન્દ્રમાં રાખીને ચાલવાની છે. ભાજપ સામાજીક સમીકરણના આધારે થનારી રાજનીતિને વ્યાપક હિંદુત્વ (Hindutva) ની રાજનીતિમાં બદલવાની બિલ્કુલ કોશિશ કરવાની છે. તેની શરૂઆત પણ થઈ ચુકી છે.
ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ બિહારમાં ધર્માંતરણ (Conversion) વિરોધી કાયદાની ચર્ચા શરૂ કરી દીધી છે. બિહારના ઘણાં નેતાઓએ લવજેહાદ (Love Jihad) ને રોકવા માટે ધર્માંતરણ વિરોધી કાયદાની માગણી કરી છે, તો ભાજપના કદ્દાવર નેતા અને વિધાનસભાના સ્પીકર પ્રેમ કુમારે (Prem Kumar) કહ્યુ છે કે અન્ય રાજ્યોના ધર્માંતરણ વિરોધી કાયદાઓનો અભ્યાસ કરવામાં આવશે અને જરૂરત પડશે તો બિહારમાં તેને લાગુ પણ કરવામાં આવશે.
ભાજપના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha) એ ખુલ્લેઆમ વેચાતા માંસ, માછલીના વેચાણનો વિરોધ કરીને તેના પર રોક લગાવવાની ઘોષણા પણ કરી છે. આ બંને બાબતો બિહારમાં 35 વર્ષથી ચાલતી નીતિશ કુમારની રાજનીતિથી બિલકુલ વિરોધાભાસી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prashad Yadav) હોય કે નીતિશ કુમાર હોય કે રામવિલાસ પાસવાન હોય, આ ત્રણેય મુખ્ય ચહેરાઓની રાજનીતિ ભાજપના નેતાઓના પ્રવર્તમાન વલણ કરતા અલગ હતી.
આ સિવાય સેનાની પૃષ્ઠભૂમિ ધરાવતા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સૈયદ અતા હસનૈનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને આ અચાનક લેવાયેલો નિર્ણય તો નથી જ. બિહારમાં 18 ટકા મુસ્લિમ વસ્તી છે અને બાંગ્લાદેશની સીમા પણ નજીક છે. આવા સંજોગોમાં જ્યારે સીમાંચલની રાજનીતિ એક અલગ દિશા પકડી ચુકી છે અને તેની રિલિજિયસ ડેમોગ્રાફી ઘણીવાર ચર્ચાનું કારણ બની છે. ત્યારે થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સીમાંચલના પૂર્ણિયામાં ત્રણ દિવસ રોકાયા હતા.
એક તરફ જ્યારે બિહારના પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે એવી અફવા પણ ઉડી કે ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બિહારના કેટલાક મુસ્લિમ (MUslim) બહુલ જિલ્લાઓને પશ્ચિમ બંગાળના આવા જિલ્લાઓ સાથે ભેળવીને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે તેવી ચર્ચા છે. જો કે બાદમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આવી અફવા અને ચર્ચા બંનેનું ખંડન કર્યું છે. તેની સાથે હવે બિહારની રાજનીતિના જાણકારો માની રહ્યા છે કે રાજ્યમાં હિંદુત્વ (Hindutva) ની સાથે રાષ્ટ્રવાદ (Nationalism) ના પણ ઘણાં રાજકીય પ્રયોગો આગામી દિવસોમાં બિહાર ખાતે જોવા મળશે.
આ પણ વાંચો: Bjp એ રાજ્યસભાના ઉમેદાવારનો નામ કર્યા જાહેર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિતના દિગ્ગજોને મેદાને ઉતાર્યા
Bihar નું ભવિષ્ય દ્વિપક્ષીય રાજનીતિ
દેશના અન્ય રાજ્યોની જેમ બિહારમાં પણ રાજકીય વ્યવસ્થા દ્વિદળીય રાજનીતિ તરફ આગળ વધવા જઈ રહી છે. ભલે ભાજપ અને આરજેડી ગઠબંધનમાં અન્ય પાર્ટીઓ સાથે જોડાયેલા હોય. પણ બિહારમાં ભાજપ સૌથી મજબૂત બનેઅને તેવી સ્થિતિમાં લાલુપ્રસાદ યાદવની આરજેડી બીજી શક્તિ તરીકે બિહારની રાજનીતિમાં સ્થાપિત રહેશે. હાલ બિહારની રાજનીતિ દ્વિદળીય નથી. ભાજપ અને કૉંગ્રેસ સિવાય આરજેડી, જેડીયુ, લોકજનશક્તિ પાર્ટી જેવી પાર્ટીઓ મજબૂત રાજકીય હાજરી ધરાવે છે.
હવે નીતિશ કુમારને બિહારના રાજકીય પટલ પરથી હટાવ્યા બાદ ભાજપનો પ્રયાસ હશે કે જેડીયુના વોટ તેમની તરફ શિફ્ટ થઈ જાય. જો કે આવી પણ એક સંભાવના છે કે નીતિશ કુમારના નામ સાથે જોડાયેલા બિનયાદવ ઓબીસી અને અતિ પછાત વર્ગના વોટનો એક હિસ્સો આરજેડી પાસે પાછો ફરી શકે છે. આવા સંજોગોમાં હિંદુત્વની રાજનીતિને ભાજપ લાગુ કરવાની કોશિશ કરશે તો જાતિવાદી રાજકીય તોડફોડ પણ સંભવિત બની શકે છે. જો કે તેને સંતુલિત વોટ સમીકરણમાં બદલવા માટે સોશયલ એન્જિનિયરિંગની વ્યૂહરચના પર ભાજપના વ્યૂહરચનાકારોએ આગોતરી કામગીરી શરૂ પણ કી દીધી છે. આવી સ્થિતિમાં ભાજપ ઈચ્છશે કે ઉત્તર પ્રદેશમાં જેવી રીતે ભાજપ વિરુદ્ધ સમાજવાદી પાર્ટી અથવા પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કૉંગ્રેસ(TMC) કે ઓડિશામાં ભાજપ વિરુદ્ધ બીજૂ જનતા દળ (BJD) અથવા ઝારખંડમાં ભાજપ વિરુદ્ધ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ની લડાઈ છે, તેવી જ રીતે બિહારમાં પણ ભાજપ વિરુદ્ધ આરજેડીની રાજકીય લડાઈ થાય અને બાકીની પાર્ટીઓ હાંસિયામાં પહોંચી જાય.
આ પણ વાંચો: JDUમાંથી કે. સી. ત્યાગીની હકાલપટ્ટી! નિવેદનબાજીથી પક્ષમાં હતી નારાજગી
JDU ની રાજનીતિ જીવંત રાખવાની Nitish ની કોશિશ
નીતિશ કુમારની બિહારની પ્રાંતીય રાજનીતિમાંથી એક્ઝિટથી સૌથી વધુ વ્યાકુળતા જેડીયુના નેતાઓને છે. તેઓ પોતાની રાજનીતિ બચાવવાની કોશિશમાં લાગેલા છે. તેથી જ નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર કે જેઓ રાજકારણથી ઘણાં દૂર હતા તેમને જનતાદળ-યૂનાઈટેડમાં સામેલ કરીને તેમને બિહારના ભવિષ્ય તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
જેડીયુમાં સામેલ થયા બાદ નિશાંત કુમાર (Nishant Kumar) એક મજાર પર માથું ટેકવવા ગયા અને આને ભાજપની આગામી રાજનીતિ માટે એક રાજકીય સંદેશ પણ માનવામાં આવે છે. તો નીતિશ કુમાર 10 માર્ચથી સમૃદ્ધિ યાત્રા પર નીકળ્યા અને મુસ્લિમ બહુલ સીમાંચલ પહોંચી રહ્યા છે. જનતાદળ યૂનાઈટેડની કોશિશ હશે કે કોઈરી, કુર્મી અને ધાનુક વોટર્સની સાથે મહાદલિત અને કેટલાક અતિ પછાત વર્ગના વોટને સાધીને પસમાંદા મુસ્લિમોને ભરોસો અપાવીને જેડીયુ સાથે રાખવાની કોશિશ કરવામાં આવે અને કહેવામાં આવે કે નીતિશ કુમારના રાજ્યસભામાં જવાથી તેમના માટે જેડીયુના વલણમાં કોઈ ફેરફાર થવાનો નથી. લાલુપ્રસાદ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને શકુનિ ચૌધરી એમ ચારેય નેતાઓના પુત્રો હાલ બિહારની રાજનીતિ સંભાળી રહ્યા છે. પણ પિતાના પેંગડામાં પગ નાખવાની તેમની રાજકીય યોગ્યતા પર ઘણીવાર પ્રશ્નો ઉઠી ચુક્યા છે. આવા સંજોગોમાં બિહારમાં ભાજપની રાજનીતિને વધુ મજબૂતાઈ મળે તેવી સંભાવનાઓ પણ બંધાય રહી છે.


