“અમે વગડાના વાસી” ગીતથી ચારણ કન્યા સોશિયલ મીડિયામાં વાયરલ! ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
- ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું એ દીકરીના ઘરે
- જે દીકરી સોશિયલ મીડિયામાં છે ખૂબ વાયરલ
- વાયરલ દીકરીના પરિવાર સાથે સીધી વાત
- "સ્વપ્ન મોટા થઈને કલાકાર બનવાનું છે"
- ચારણ કન્યાનો મધૂર અવાજ
Charan girl Jana Gadhvi : ગુજરાતના ગીર જંગલના વગડામાં રહેતી એક ચારણ દીકરીએ પોતાના મધૂર અવાજથી ન માત્ર સ્થાનિક લોકોના દિલ જીત્યા, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ છે. આ દીકરી છે જાના ગઢવી, જેણે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન સાંસદ રાજેશ ચૂડાસમાના પ્રચારમાં ગાયેલા ગીત “અમે વગડાના વાસી”થી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો, અને જાના એકાએક ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. ગુજરાત ફર્સ્ટની ટીમ તેના ઘરે પહોંચી અને જાના તથા તેના પિતા દેવરાજભાઈ સાથે ખાસ મુલાકાત કરી, જેમાં તેના સપના અને જીવનની કહાણી સામે આવી.
જાના ગઢવીનો સૂરીલો કંઠ
જાના ગઢવી, ગીરના નેહડા ગામમાં રહેતી એક સાદગીભરી ચારણ દીકરી, જે નાનપણથી જ ગીતો ગાવાનો શોખ ધરાવે છે. તેના પિતા દેવરાજભાઈએ જણાવ્યું કે જાના શાળાના કાર્યક્રમોમાં હંમેશા ભાગ લેતી અને ડાયરા સાંભળીને જાતે જ ગાવાનું શીખી. તેનો મધૂર અવાજ અને કુદરતી વૈભવનું વર્ણન કરતું ગીત “અમે વગડાના વાસી”એ વિસાવદરમાં સાંસદ રાજેશ ચૂડાસમાના પ્રચાર દરમિયાન બધાનું ધ્યાન ખેંચ્યું. આ ગીતમાં ગીરની સુંદરતા અને ચારણ સંસ્કૃતિનો ગર્વ છલકાય છે, જે જાનાએ પોતાના સૂરીલા કંઠથી રજૂ કર્યો. આ ઘટના બાદ જાનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, અને તેની પ્રતિભા દેશભરમાં ચર્ચાઈ.
કલાકાર બનવાની આકાંક્ષા
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જાનાએ જણાવ્યું કે તેનું સપનું એક કલાકાર બનવાનું છે. તેણે ઉત્સાહથી કહ્યું, “હું નાનપણથી ગીતો ગાઉં છું, અને મને લોકોના દિલ સુધી મારો અવાજ પહોંચાડવો છે.” તેના પિતા દેવરાજભાઈ પણ દીકરીની આ પ્રતિભા અને જુસ્સાને જોઈને ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યું કે જ્યાં અગાઉ ઢોર રહેતા હતા, ત્યાં હવે ફોર-વ્હીલર ગાડીઓ આવી રહી છે. જાનાની સાદગી અને તેનો મધૂર અવાજ તેની સૌથી મોટી તાકાત બનીને ઉભર્યો છે, અને લોકોના દિલને સ્પર્શી રહ્યો છે.
ચારણ સંસ્કૃતિનું ગૌરવ
જાનાનું ગીત “અમે વગડાના વાસી” ચારણ સંસ્કૃતિની શૌર્યગાથા અને ગીરના કુદરતી વૈભવને ઉજાગર કરે છે. આ ગીત ઝવેરચંદ મેઘાણીની “ચારણ કન્યા” કવિતા સાથેની બહાદુરી અને સંસ્કૃતિના ગૌરવની યાદ અપાવે છે. જાનાએ આ ગીત દ્વારા ગીરની ધરતી, જંગલો અને ચારણ સમાજની ગાથાઓને નવી પેઢી સુધી પહોંચાડી છે. તેના અવાજમાં રહેલી સાદગી અને ઊર્મિ લોકોને ગીરની ધરતીની નજીક લઈ જાય છે, જેના કારણે તેનો વીડિયો લોકોમાં ખૂબ પસંદ થઇ રહ્યો છે.
સાંસદ રાજેશ ચૂડાસમા થયા મંત્રમુગ્ધ
વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી એક તરફ યોજાઈ રહીં છે, ત્યારે સાંસદ રાજેશ ચૂડાસમા જ્યારે પ્રચાર માટે નેહડા ગામમાં પહોંચ્યા, ત્યારે જાનાના સૂરીલા ગીતે તેમને પણ મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે જાનાની પ્રતિભાની પ્રશંસા કરી અને તેના ગીતને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી. આ ઘટના બાદ જાનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો, અને લોકોએ તેની સાદગી અને પ્રતિભાને ખૂબ વખાણી.
અહેવાલ - રહીમ લાખાણી
આ પણ વાંચો : Visavadar By Election : વિસાવદર પેટાચૂંટણીમાં BJP નો જોરશોરથી પ્રચાર