જીવલેણ ચાઈના દોરીનો મામલો High Court માં આવતા પોલીસને વધુ કેસો કરવા આદેશ છૂટ્યો
High Court : એક એવો તહેવાર જેની તૈયારી ગુજરાતમાં પતંગ રસિકો દિવસો અગાઉથી શરૂ કરી દે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ તહેવારના દિવસો અગાઉ ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ જાય છે. પ્રતિબંધ હોવા છતાં અતિ ઘાતક એવી ચાઇના દોરી (Chinese Manja) ગુજરાતના ગામે ગામ કેવી રીતે પહોંચે છે અને વેચાય છે ? તેના મૂળ સુધી જવાના બદલે Gujarat Police માત્ર ચોપડે કેસોની સંખ્યા બતાવી સંતોષ માને છે. દર વર્ષે હજારો પક્ષીઓ અને અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારી આ ચાઇના દોરી - નાયલોન દોરીનો મામલો આ વર્ષે હાઇકોર્ટ (High Court Gujarat) માં આવતા ગુજરાત પોલીસમાં વધુ કેસ કરવા આદેશ છૂટયા છે. ચાઇના દોરીનો સમગ્ર મામલો જાણવા વાંચો આ અહેવાલ...
ચાઈના દોરીને China સાથે શું છે કનેકશન ?
ચાઈના દોરી કેટલાંક વર્ષોથી ઉત્તરાયણના તહેવાર અગાઉ સમાચારોમાં ચમકતી રહે છે. અતિ ઘાતક એવી આ નાયલોનની દોરીને ચાઇના દોરી (Chinese Lace) નામ કોણે અને કેવી રીતે આપ્યું તે કોઈને જાણકારી નથી. જોખમી પદાર્થો સાથેની કોટેડ કૃત્રિમ નાયલોનની પતંગની દોરી, જાહેર સલામતી, વન્યજીવન અને પર્યાવરણ માટેના નોંધપાત્ર જોખમને કારણે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પ્રતિબંધિત છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મળતી આ પ્રતિબંધિત દોરી ચાઇનાથી આયાત થતી નથી. આ ઔધોગિક દોરો (Industrial Thread) ભારતના વિવિધ રાજ્યોમાં બને છે અને તેનો ઉપયોગ માળા, બ્રેસલેટ, જરી-કસબ સહિત અનેક વસ્તુઓ બનાવવામાં ઉપયોગ થાય છે. ઔધોગિક દોરો મજબૂત (નોન-બાયોડિગ્રેડેબલ) હોવાથી તે તૂટતો નથી અને એટલે જ કેટલાંક મૂર્ખ પતંગ રસિકો ઉત્તરાયણના તહેવારમાં પોતાનું કૌશલ બતાવવા તેનો વપરાશ કરી રહ્યાં છે.
મામલો HCમાં છે, વધુ કેસો કરો તેવો આદેશ છૂટ્યો
નાયલોનથી બનતી ચાઇનીઝ દોરી-તુક્કલ અને અન્ય કાચ પાયેલી દોરી-માંજા માનવ જીવન માટે જોખમી હોવાથી તેના ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ વર્ષ 2020માં Gujarat High Court એ કર્યો હતો. પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ફરી એક વખત નિષ્ઠુર તંત્ર ઠોસ કાર્યવાહી કરવાના બદલે આંકડાઓની માયાજાળ રચવામાં લાગ્યું છે. High Court માં જીવલેણ દોરીનો મામલો પહોંચતાની સાથે જ સરકારમાંથી પોલીસને આદેશ છૂટ્યા છે. જેના પગલે અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ હવે ચાઇના દોરી વેચતા શખ્સોને શોધી કેસ કરવામાં લાગી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વધુ કેસ કરવા, મામલો હાઇકોર્ટમાં છે અને ગુજરાત સરકાર (Gujarat Government) ને એફિડેવિટ કરવાની છે તેવો આદેશ છૂટ્યો છે. આજે 8 જાન્યુઆરીના રોજ આદેશ મળતાની સાથે જ રાજ્યભરની પોલીસ આંકડાની માયાજાળ રચવામાં લાગી ગઈ છે.
પોલીસને કેસમાં જ રસ, મૂળ સુધી જવામાં નિરસ
ચાઇના દોરી - નાયલાન દોરીને લઈને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી જ નથી. સંવેદનશીલ ગુજરાત સરકાર પણ આ મામલે સંવેદના દર્શાવતી નથી અને એટલે જ, પોલીસ દર વર્ષે કેસોની સંખ્યા બતાવવામાં લાગી જાય છે. અતિ ઘાતક એવી આ દોરી વેચાણ કરનારા શખ્સો કોની પાસેથી લાવે છે અને તે કયા ઉત્પાદક પાસેથી બજારમાં પહોંચે છે તેવો એક પણ નોંધપાત્ર કેસ Gujarat Police ના ચોપડે નોંધાયો નથી. વરલી મટકાના કેસોની જેમ ગુજરાત પોલીસ ગુનાઓ નોંધી માત્ર સંતોષ માણે છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી સરખેજ પોલીસે (Sarkhej Police) ડિસેમ્બર-2022માં અને જાન્યુઆરી-2023માં બાલાસિનોર GIDCમાંથી બાલાસિનોર પોલીસે (Balasinor Police) ચાઇના દોરીના ગોડાઉન શોધી કાઢી લાખો રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો હતો. જો કે, બાદમાં બંને મામલાઓ પર પોલીસે ઠંડુ પાણી રેડી દઈ કાગળ પર તપાસ પૂરી કરી દીધી.
આ પણ વાંચો : હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?