લોકશાહી અંધારામાં નહીં અજવાળામાં મરે તેવા યુગના સંકેત! અવાજ ઉંચા-સવાલ ઓછાં
. Washington Post માં 300 પત્રકારોની છટણી માત્ર વ્યાપારીક મજબૂરી?
. મીડિયા લોકશાહીના રાહબર તરીકે યથાવત રહેવા કરી રહ્યું છે સંઘર્ષ?
. વિશ્વમાં મીડિયા માટે કઠિન પરિસ્થિતિ પાછળ કારણભૂત કોણ?
આનંદ શુક્લ : અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે (Washington Post) 1970ના દશકમાં વૉટરગેટ કાંડ (watergate scandal) ઉજાગર કરીને મોટા ભ્રષ્ટાચારનો ભંડાફોડ કર્યો હતો અને તેમાં વિશ્વના શક્તિશાળી દેશના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સન (Richard Nixon) ને પોતાનું પદ ગુમાવવું પડયું. પણ લગભગ 150 વર્ષના ઈતિહાસમાં પોતાના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ (Investigative Journalism) ને કારણે પત્રકાર જગતમાં મોટી ઓળખ બનાવનારા વૉશિંગ્ટન પોસ્ટ (Washington Post) અખબારે નાણાંકીય ખાદ્યના કારણે 300 પત્રકારો અને કર્મચારીની છટણી કરી. આને વ્યાપારિક મજબૂરી ગણાવવામાં આવી.
Washington Post ને ખોટની વાત
મીડિયા અહેવાલો મુજબ, વોશિંગ્ટન પોસ્ટને 2023માં 7 કરોડ ડોલર અને 2024માં 10 કરોડ ડોલરનું નુકશાન થયું. 2025માં અખબારની દૈનિક પ્રિન્ટનું સર્કુલેશન એક લાખ પ્રતિઓ સુધી ગગડી ગયું. ગત પાંચ વર્ષમાં તેના સર્કુલેશનમાં 60 ટકાનો ઘટાડો થયો. આનાથી પણ મોટી વાત રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં કોઈ ઉમેદવારનું સમર્થન નહીં કરવાના નિર્ણય બાદ ડિજિટલ સેક્શનના સબ્સક્રાઈબર્સમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો.
જેફ બેજોસ (Jeff Bezos) 2013થી માલિક
અમેરિકાનું આ અગ્રણી અખબાર 2013માં 5મી ઓગસ્ટે જેફ બેજોસે (Jeff Bezos) વોશિંગ્ટન પોસ્ટને પોતાના મિત્ર ડોન ગ્રેહામના સૂચન મુજબ 250 મિલિયન ડોલર રોકડાંમાં ખરીદી લીધું હતું. અમઝોનના સીઈઓ જેફ બેજોસ 2017થી 2021 દરમિયાન દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ રહ્યા છે અને હાલ ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ, 221.3 અબજ ડોલર સાથે જેફ બેજોસ વિશ્વના પાંચમા સૌથી વધુ ધનિક વ્યક્તિ છે.
વૉશિંગ્ટન પોસ્ટમાં મોટી છટણી
પણ વોશિંગ્ટન પોસ્ટમાંથી 300 પત્રકારો અને કર્મચારીઓની છટણી સંસ્થાની બદલાતી જરૂરિયાતો મુજબ કરવામાં આવેલી કાર્યવાહી છે. સ્થાનિક, આંતરરાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ફોટો જેવા આખા રિપોર્ટિંગ વિભાગોને સમાપ્ત કરવામાં આવ્યા કે તેમને બેહદ નાના આકારમાં ફેરવી નાખવામાં આવ્યા. યુક્રેન યુદ્ધને કવર કરનારા એક પત્રકારને તેની યુદ્ધક્ષેત્રના રિપોર્ટિંગની ફરજ પર તેનાતી દરમિયાન જ છટણીની કાર્યવાહીમાં હાંકી કાઢવામાં આવ્યા. દિલ્હીમાં તેનાત અખબારના પત્રકારોની પણ હકાલપટ્ટી કરવામાં આવી. કૉંગ્રેસના સાંસદ શશી થરુરના પુત્ર ઈશાન થરુર 12 વર્ષથી આ અખબાર સાથે આંતરરાષ્ટ્રીય મામલાના કોલમિસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા . તેમણે પોતાની છટણી પર દિલ તૂટી ગયાનું ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી.
અમેરિકા પોતાને આધુનિક વિશ્વનું સૌથી જૂનું લોકતંત્ર કહે છે. પરંતુ હકીકતમાં અમેરિકા આની સાથે વિશ્વનું સૌથી અમીર લોકતંત્ર પણ છે. આ અમીર લોકશાહીમાં વોશિંગ્ટન પોસ્ટ જેવી લોકતંત્રના ચોથા સ્તંભ જેવી સંસ્થાનું આવી રીતે નબળું પડવું ખરેખર એક મોટો આંચકો હતો.
વોશિંગ્ટન પોસ્ટ દ્વારા છટણીની કાર્યવાહી એવી નથી કે જે પહેલા ક્યારેય નથી થઈ અને ન તો તે લોકશાહીના માપદંડોની વિરુદ્ધ છે. આ બિલકુલ એવા નવા નિયમો મુજબ થયું કે જેને લોકશાહી દ્વારા જનાદેશથી સત્તામાં બેઠેલા લોકો હવે નક્કી કરી રહ્યા છે. કોર્પોરેટ ભાષામાં કાર્યક્ષમતા અને અનિવાર્યતાના નામે લેવામાં આવેલો નિર્ણય કાયદેસરનો છે. તેને કોઈ કોટકટીના આદેશ કે ખુલ્લા દમનને કારણે લેવામાં આવ્યો નથી. આ યુગની સૌથી બેચેન કરનારી સચ્ચાઈ છે કે લોકશાહી આજે તૂટી રહી નથી. લોકશાહી નબળી પડવાની પાછળ દૈનિક નિર્ણયો, વહીવટીય પ્રાથમિકતાઓ અને વ્યવહારિક મજબૂરીઓના નામે કરવી પડેલી સમજૂતીઓ જવાબદાર છે. મીડિયા બોલે જરૂર છે, પણ એ મર્યાદામાં જેને તેણે પોતાના માટે સુરક્ષિત માની છે. આમ લોકશાહીનો ચોથો સ્તંભ ઘોંઘાટમાં નહીં પણ સામાન્ય સ્થિતિમાં મરી રહ્યો છે.
આ પણ વાંચો: Trump’s Announcements: ટ્રમ્પ દ્વારા ભારતની નીતિગત ઘોષણાઓ કૂટનીતિક સ્વાયત્તતા પર સંકટ?
જનમત ઘડવામાં લોકશાહી (Democracy) ના ચોથા સ્તંભની ભૂમિકા
જનમત લોકશાહીને ચલાવે છે. જનમત લોકશાહીના ચોથા સ્તંભમાં આવતા માધ્યમો ઘડે છે, તેને બદલે છે કે તેને કોઈ દિશામાં વાળી શકે છે. માટે લોકશાહીને બહારથી મારવાની જરૂર હોતી નથી. તે અંદર જ પૂર્ણ પ્રકાશમાં સૌની આંખોની સામે દમ તોડ છે. આને સમજવા માટે મોટા થોથાં કે કોર્ટના જજમેન્ટ્સ પલટવાની જરૂર નથી. અમેરિકામાં બંધારણ રદ્દ થવાથી કે ચૂંટણીના ટળવાથી કે સૈન્ય આક્રમણથી લોકશાહી નબળી નથી પડી રહી, પણ બંધારણીય વ્યવસ્થાની અંદર જ દમ તોડી રહી છે.
આ પણ વાંચો: Donald Trump greenland Demand : ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ: 'મને નોબેલ ના આપ્યું, હવે ગ્રીનલેન્ડ જોઈએ છે'
પત્રકારત્વ માટે કઠિન સ્થિતિ
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નેતૃત્વમાં અમેરિકા એવા ત્રિભેટે છે કે જ્યાં વૈશ્વિક કૂટનીતિથી માંડીને યૂનિવર્સિટીઓના નીતિ-નિયમોમાં હર સમય સુનિયોજિત દબાણ બનાવવાની પ્રક્રિયા જોવા મળી રહી છે. ટ્રમ્પ માટે સત્તાને મહાન બનાવવા માટે મીડિયાને ઝુકાવવાની એક શરત સ્પષ્ટ છે. વોશિંગ્ટન પોસ્ટમાં જે ગુમાવાયું છે, તેને જોઈએ તો પત્રકાર જગતની હાલની સ્થિતિને પણ સમજવા જેવી છે. અમુક અપવાદોને બાદ કરતા રિપોર્ટિંગ જમીનથી નહીં, સ્ટૂડિયો અને ઓફિસોમાંથી થાય છે. સમાચાર સત્તાવાર બ્રીફિંગ અને સોશયલ મીડિયા પોસ્ટ્સથી બને છે. સત્તાના હાંસિયામાંથી સત્ય કાઢવાની મહેનત ઓછી અને કેમેરા પર અવાજ ઉંચા થતા જાય છે અને સવાલો ઘટી રહ્યા છે. આખી દુનિયામાં મીડિયાની સ્વતંત્રતા, સમજ અને સારોકારને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આજની લોકશાહીમાં અસહજ કરનારા સવાલોની અણસુની તેની લાક્ષણિકતા બની રહી છે. વિશ્વના અડધાથી વધુ દેશોમાં પત્રકારત્વની સ્થિતિ વધુ ગંભીર અને કઠિન થઈ ચુકી છે.
આ પણ વાંચો: Gangster Imperialism: ટ્રમ્પ અમેરિકાના 'કિમ જોંગ ઉન'? ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા!
લોકશાહીને મજબૂત રાખવામાં મીડિયાની ભૂમિકા
ભારતમાં લોકશાહી મજબૂત છે. તેની પાછળનું કારણ વ્યાજબી અભિવ્યક્તિને દેશમાંથી સમર્થન કોઈપણ કટોકટીમાં મળે છે. 1975-77ની કટોકટી વખતે ઈન્દિરા ગાંધીની નિરંકુશતાના સમયે પણ અખબારો તંત્રીલેખના સ્થાનને ખાલી રાખીને, નાના અખબારો-સામાયિકોએ સત્તાવાદ વિરુદ્ધના ગણગણાટને જાળવી રાખ્યો અને તેને એક જનમતમાં તબ્દીલ થવા દીધો. જેને કારણે લોકશાહી જ્યારે કટોકટીના અંધારામાં દમ તોડી રહી હતી, ત્યારે લોકચેતના પ્રજ્જવલિત થઈ અને તેના પ્રકાશમાં ભારતની લોકશાહી પણ પરિપકવ થતી ગઈ છે. આમા લોકશાહીના ચોથા સ્તંભની પરિપકવ જવાબદારીની ભૂમિકા ઘણી મોટી છે. પણ વોશિંગ્ટન પોસ્ટની સંસ્થાની બદલાતી જરૂરિયાતો મુજબની છટણી એક તમાશા તરીકે લેવી ન જોઈએ. ત્યારે પ્રશ્ન એ પણ થાય કે આ બધાંની પાછળ એક પ્રતિષ્ઠિત અમેરિકન અખબારને ત્યાંના અજવાળાંમાં દમ તોડી રહેલા લોકતંત્રની વ્યવસ્થાએ બતાવેલી ઓકાત તો નથી ને? કારણ કે આ અખબારને દુનિયના ટોપ-5માં સામેલ ધનિક વ્યક્તિ ચલાવી રહ્યા છે અને અબજો ડોલરની મિલ્કત ધરાવનાર માલિક અમુક કરોડ ડોલરમાં આટલી મોટી છટણી કરે, તે ગળે ઉતરે તેવી વાત પણ નથી.
આ પણ વાંચો: Washington Post: વોશિંગ્ટન પોસ્ટમાં મોટી છટણી, શશિ થરૂરના પુત્ર ઇશાને પણ નોકરી ગુમાવી


