Cyber Crime ના નામે 1.44 કરોડના બેલેન્સવાળું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી વેપારીનો લાખોનો તોડ કરવા નીકળેલી ટોળકી ઝડપાઈ
Cyber Crime થયાની એક અરજી કે ફોન માત્રથી પોલીસ ભોગ બનનારના નાણા બચાવવા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દે છે. ફરિયાદીના હીતમાં લેવાતા આ પગલાનો ગેરલાભ લઈ કેટલાંક ગઠીયાઓ અધિકારી/કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોથી મોટા બેંક બેલેન્સ ધારવતા લોકોનો તોડ કરી રહ્યાં છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક શહેર/જિલ્લાઓમાં બની ચૂકી છે. સૌરાષ્ટ્રની જામનગર પોલીસે વેપારીની ફરિયાદ આધારે Cyber Crime ના નામે તોડ કરવા નીકળેલી ટોળકીને તાજેતરમાં પકડી ઘટનાના મૂળ સુધી જવા પ્રયાસ આરંભ્યો છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલ...
Cyber Crime ના નામે ચાલતા રેકેટ
Gujarat Police હોય કે, દેશના અન્ય રાજ્યોની પોલીસ. Cyber Crime ના નામે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા હંમેશા તત્પર રહે છે. અમદાવાદ શહેર, જુનાગઢ અને નર્મદા જિલ્લામાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ કરેલા કાંડ બાદ રાજ્યમાં એકાઉન્ટ ફ્રીઝ/અનફ્રીઝ કરવાના ખોટા ધંધામાં બ્રેક વાગી છે. બેંક સ્ટાફ અને ભાડાના બેંક એકાઉન્ટનો ધંધો કરતા શખસો પાસેથી કરોડોની રકમના એકાઉન્ટની માહિતી મેળવી તેમાં નજીવી રકમ જમા કરાવી તે ખાતાને સ્થગિત કરવાનો અને પછી મોટી રકમનો તોડ કરી તેને ખોલાવી આપવાનો ધંધો આજે પણ અનેક રાજ્યોમાં ચાલે છે.
વિકાસ સહાયે આ મામલે પરિપત્ર કર્યો હતો
સાયબર નાણાકીય ફ્રોડના કિસ્સાઓમાં પોલીસ સામાન્ય રીતે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રક્રિયા કરતી હતી. જો કે, પાંચ લાખથી ઓછી રકમ હોય અને ફ્રોડના પ્રથમ ત્રણ લેયર સિવાયના બેન્ક એકાઉન્ટ હોય તે ફ્રીઝ ન કરતાં તેમાં લીયન એમાઉન્ટ એટલે કે ફ્રોડની જમા થઈ હોય તેટલી જ રકમ ફ્રીઝ કરવી તેવો આદેશ રાજ્યના પોલીસ વડા Vikas Sahay એ વર્ષ અગાઉ કર્યો હતો.
મુંબઈની બેંકનું ખાતું બંધ કરાવવા વેપારીએ કહ્યું...
જામનગરની દરેડ જીઆઈડીસીમાં બ્રાસ પાર્ટનો ધંધો કરતા ચેતનભાઈ કપુરીયા/પટેલે થોડાક મહિનાઓ અગાઉ મુંબઈમાં ધંધો શરૂ કર્યો હતો. પારિવારીક કારણોસર તેમણે આ ધંધો મુંબઈથી આટોપી લીધો હતો અને Axis Bank Mumbai નાલાસોપાર પશ્ચિમ બ્રાંચમાં એકાઉન્ટ બંધ કરવા જાણ કરી હતી. આ સમયે ચેતનભાઈની કંપનીના એકાઉન્ટમાં 1.44 કરોડ રૂપિયા જમા હતા. બેંક એકાઉન્ટ બંધ થાય તે પહેલાં તેમના ખાતામાં 3 હજાર રૂપિયા કોઈ જમા કરાવે છે અને Cyber Crime થયાની ઑનલાઈન ફરિયાદ 1930 નંબર પર કરતા મામલો નાલાસોપારા પોલીસ સ્ટેશન (Nalasopara Police Station) માં જાય છે. પોલીસ ફરિયાદ/અરજીના નામે પોલીસ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દે છે. આ દરમિયાનમાં જામનગર શહેરમાં રહેતો એક શખસ ચેતનભાઈ કપુરીયા (Chetan Kapuriya) ના પિતરાઈનો વર્ચ્યુઅલ નંબરથી ફોન પર સંપર્ક કરે છે અને એકાઉન્ટ ખોલાવી આપવા વાત કરે છે. બેંક એકાઉન્ટ ખોલાવવા પોલીસ અને બેંકના સાહેબોને વ્યવહાર કરવો પડશે તેમ કહીને લાખો રૂપિયા માગે છે. આ મામલે ચેતનભાઈ કપુરીયા જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Jamnagar Cyber Crime Police Station) માં સંપર્ક કરે છે અને ફરિયાદ પણ આપે છે.
છટકું ગોઠવીને પોલીસે ટોળકીને ઝડપી
જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ઘાસુરા (PI I A Ghasura) આરોપીઓને પકડવા માટે વેપારીને તૈયાર કરીને એક છટકું ગોઠવે છે. લાખો રૂપિયા મેળવવાની લાલચમાં દર્શિત કિશોરભાઈ કાગદડા (રહે. જામનગર) નામનો એક શખસ વેપારીને મળવા આવતાં પોલીસે તેને ઝડપી લે છે. દર્શિતની પૂછપરછમાં જાણવા મળે છે કે, અમદાવાદમાં રહેતા દુર્ગેશ દેવેન્દ્રકુમાર પંડ્યા (રહે. ઘોડાસર) અને યોગેશ શાંતિલાલ જોષી (રહે. ઘાટલોડીયા) એ તેને આ કામ સોંપ્યું હતું. Jamnagar Police ને આ માહિતી મળતા દુર્ગેશ અને યોગેશને પકડી પાડવામાં આવે છે. બંને આરોપીની પૂછપરછમાં તેમને આ કામ ફોન પર દિલ્હીના એક શખસે સોંપ્યું હોવાની વિગતો સામે આવતા તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે. બીજી તરફ 3 હજારની મામૂલી રકમમાં 1.44 કરોડના બેલેન્સવાળુ એકાઉન્ટ ફ્રીઝ કરાવનાર Mumbai Police પાસેથી 3 હજાર ડિપોઝીટ કરાવનારા શખસની માહિતી મેળવવામાં આવી રહી છે. આ રેકેટમાં એક્સિસ બેંકના અધિકારીની સંડોવણીને નકારી શકાય તેમ નથી.