Hindu Security Crisis: હિંદુઓની અસુરક્ષા ડેમોગ્રાફિક નહીં, પણ ખોટી રાજનીતિનો મામલો
. અખંડ ભારતનું સપનું, પણ પાકિસ્તાન-બાંગ્લાદેશમાં હિંદુ (Hindu) ઓ પર અત્યાચાર મુદ્દે મૌન
. કાશ્મીર, પ. બંગાળ, આસામ જેવા રાજ્યોમાં ચોક્કસ વિસ્તારોમાં હિંદુઓ માટે પડકારરૂપ સ્થિતિ
. સ્વાભિમાની રાજનીતિ સ્વતંત્ર, સાર્વભૌમ અને સૌને સુરક્ષા પુરી પાડનારી
. રાજનીતિ કોઈ એક કે બે પક્ષની નહીં, પણ અસરકર્તા તમામ પરિબળોની જવાબદારી
આનંદ શુક્લ: છેલ્લા કેટલાક સમયથી હિંદુ (Hindu) ઓ સુરક્ષિત નથીની બૂમાબૂમ 78 ટકાથી 79 ટકા વસ્તી ધરાવતા ભારતમાં સંભળાય છે. પાકિસ્તાન (Pakistan) માં હિંદુઓની સંખ્યા 1 ટકાની આસપાસ છે અને આ દર્શાવે છે કે તેમનું પાડોશી દેશમાં નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશ (Bangladesh) કે જ્યાં હિંદુઓની સંખ્યા 8 ટકા જેટલી છે, ત્યાં પણ કોઈ અરાજકતાની સ્થિતિ હોય, તો નિશાન હિંદુઓને જ બનાવવામાં આવે છે. ભારતના વિભાજનના 100 વર્ષ પહેલાથી ચાલી આવતી રાજનીતિને આના માટે જવાબદાર ગણવાના સ્થાને હિંદુઓની તથાકથિત અજાગૃતિને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. પણ ખોટી દિશામાં ચાલેલી રાજનીતિ પર ચિંતન-મનન કરવાના સ્થાને સ્વતંત્રતા અને વિભાજનના 78 વર્ષ બાદ પણ લગભગ તેવી જ રાજનીતિ હજીપણ ચાલુ રાખવામાં આવી છે. જ્યારે રાજનીતિની વાત કરીએ, ત્યારે તેમાં કોઈ એક કે બે પક્ષોની આ જવાબદારી નથી. જેટલા પણ રાજનીતિને પરોક્ષ કે પ્રત્યક્ષપણે અસર કરે છે, તેવા તમામ પરિબળો આના માટે જવાબદાર છે.
પણ અહીં સવાલ એ છે કે માત્ર ડેમોગ્રાફી (Demography) જ હિંદુઓની અસુરક્ષા માટે જવાબદાર છે કે આ આખો ખોટી રાજનીતિનો મામલો છે. અમેરિકામાં 1 ટકા કે તેનાથી થોડાક વધારે હિંદુઓ છે, પણ હજી સુધી તો ત્યાં તેઓ સુરક્ષિત છે. (આગળ ખોટી દિશામાં ત્યાંની રાજનીતિ ચાલે, તો પરિસ્થિતિ બદલાય પણ શકે છે) બાંગ્લાદેશમાં 8 ટકા હિંદુઓ પણ હવે ભયમાં છે. ભારતના 78થી 79 ટકા હિંદુઓ પણ ચિંતિત છે. જમ્મુ-કાશ્મીર, આસામ, પ.બંગાળ, કેરળ અને આ સિવાયના અન્ય રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં હિંદુઓને તેમના ધર્મના કારણે ભયના ઓથાર હેઠળ આવવું પડે છે. પણ આના માટે ડેમોગ્રાફીને જવાબદાર ઠેરવવી હકીકતે માનસિક દેવાળિયાપણું છે. આમ કહીને રાજનેતાઓ પોતાની જવાબદારીમાંથી છટકવાની કોઈ કોશિશ કરી રહ્યા હોય તેવું પણ લાગવાને કારણ છે.
સ્વાભિમાની, સ્વતંત્ર અને સાર્વભૌમ દેશની રાજનીતિનું પહેલું કામ અન્યાય, ઉત્પીડન અને હિંસાને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર રોકવાનું છે. આમા કોઈ If કે But હોતા નથી. કોઈ ઉપદેશ નહીં, કોઈ શેખી નહીં, કોઈ પરનિંદા નહીં, ખુરશી સાચવવાની કોઈ કવાયત આમા હોવી જોઈએ નહીં.
આ પણ વાંચો: હિંદુઓના દુઃખને હવે અવગણી શકાય તેમ નથી શું હિંદુ હોવુ એ ગુનો છે: Morari Bapu
કાશ્મીર (Kashmir) નું ઉદાહરણ
સ્વતંત્ર ભારતમાં 1989-90માં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના વિસ્થાપનના કાળા પ્રકરણને આપણે અને દુનિયાએ જોયું છે. આ એક કલંક હતું કે પોતાના દેશમાં જ નિરાશ્રિત થઈ રહેલા લોકોને કોઈ સુરક્ષા આપી શકાઈ નહીં. આજે આટલા વર્ષે અને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ના હટયા બાદ પણ કાશ્મીરી પંડિતોની કાશ્મીર ખીણમાં તેમના પૈતૃક સ્થાનો ખાતે વાપસી થઈ શકી નથી. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા તો કહી ચુક્યા છે કે કોણ રોકે છે, પાછા આવી જાય. પણ આ આટલું સરળ નથી, તે તેઓ પોતે અને ભારત તથા જમ્મુ-કાશ્મીરનું પ્રશાસન સારી પેઠે જાણે છે.
પાકિસ્તાન પ્રેરીત-પ્રાયોજિત આતંકીઓ કાશ્મીરી પંડિત જેવા સોફ્ટ ટાર્ગેટ મળી જાય તો આતંકવાદને ફરીથી પ્રભાવી બનાવવા મથે છે. તેના કારણે તો કાશ્મીર ખીણના મર્યાદીત ક્ષેત્રમાંથી આતંકવાદને બહાર લાવવા માટે થોડા સમય પહેલા જમ્મુના હિંદુ બહુલ વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. પ. બંગાળમાં સંદેશખાલીની ઘટનાઓ પણ આવી માનસિકતાની કડીરૂપ હતા. હિંદુઓ એક બનો અને શક્તિશાળી બની જાવ, આવું કહેવું સરળ છે. પણ આવું થતું નથી. રાજનીતિની ખોટી દિશાને જોવાના સ્થાને ડેમોગ્રાફી બદલાવાને કારણ ગણાવીને જવાબદારીમાંથી છટકવાની કોશિશ થાય છે.
ત્યારની અને અત્યારની સ્થિતિ
ગુલામી કાળની આઝાદી કાળ સાથે આમ તો સરખામણી કરવી જોઈએ નહીં. પણ એપ્રિલ-1929માં મહાશય રાજપાલની હત્યા કરનારા જેહાદી ઈલમદીને આઠ માસમાં અંગ્રેજી શાસને ફાંસીના માંચડે લટકાવી દીધો હતો. પરંતુ 2007માં ભારતમાં આશ્રય પામેલી બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીન પર ઘાતક હુમલો કરનારા છૂટ્ટા ફરે છે અને મોટા રાષ્ટ્રીય મંચો પર પણ જોવા મળે છે.
આવી નાનીમોટી ઘણી ઘટનાઓ છે, જેની અહીં ચર્ચા કરવી અસ્થાને હશે, આમ તો મુક્ત વિચાર અભિવ્યક્તિ સૌનો અધિકાર છે, પણ આ માત્ર મુઠ્ઠીભર વિચારધારાના લોકોનો હક હોય તેવું લાગવું પણ તો ઠીક નથી અને રાજનીતિને ખુદ આત્મચિંતન માટે પ્રેરે તેવી બાબત છે.
કેટલાક કટાક્ષમાં પણ કહે છે કે હિંદુઓ તો જાગૃત થઈ ચુક્યા છે, પણ તેમની નેતાગીરી જેમના હાથમાં પહોંચે છે તેઓ આવી સ્થિતિમાં ઝોકું ખાઈ જાય છે કે ઉંઘી જાય છે. નજર હટી તો દુર્ઘટના ઘટી, જેવી રોડ અકસ્માતને ટાળવાની ઉક્તિઓ હિંદુઓનું નેતૃત્વ કરનારાને લઈને પણ કહેવાય રહી છે.
કેવા કેવા વિવાદો.. બાંગ્લાદેશના હિંદુઓ પર અત્યાચારના મામલે દેશ-દુનિયા લગભગ મૌન હોય છે. ભારતમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના વિવાદોની ચર્ચા અને તેને ટાળવા વિકાસના ગીતો ગાવાનું શરૂ કરાય છે.
હદ તો ત્યારે થાય છે કે જ્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા જેવા ગણાવીને હિંદુઓને જ એકબીજા સામે ઉભા કરી દેવામાં આવે છે. પણ સ્વતંત્ર ભારતમાં ઝીણા જેવા કારનામા કરી રહેલા અને તેના જેવી સ્થિતિ પેદા કરવાનું સપનું જોનારા સામે ચુપ રહેવામાં આવે છે અને તેને સંયમ તથા રણનીતિનું નામ આપી દેવાય છે.
આ પણ વાંચો: ભારત એક હિંદુ રાષ્ટ્ર છે, બંધારણીય પ્રમાણની જરૂરત નથી: RSS ચીફ મોહન ભાગવત
બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પણ ભારત ભરોસે
અખંડ ભારતનું સપનું જ્યારે હજી પણ જીવિત હોય અને તેવા સંજોગોમાં બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થાય તો તેમની પરવાહ કરવા માટે ત્વરિત પગલા કેમ લેવાય નહીં? કોઈ યુદ્ધગ્રસ્ત દેશોમાં ભારતીયોને સ્વદેશ લાવવા માટે તાત્કાલિક વિમાનો કામે લગાડીને કાર્યવાહી કરવામાં આવે છે. પણ વિભાજનમાં જેમનો કોઈ વાંક નથી, તેવા હિંદુ-શીખો-બૌદ્ધો-જૈનો-પારસીઓ કે અન્ય આવા સમુદાયના લોકો કે જેઓ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં રહી ગયા છે અને તેમને વખતોવખત આવા અત્યાચારો સહન કરવા પડે છે, તો તેવી સ્થિતિમાં તેમના રેસ્ક્યૂની વ્યવસ્થા પણ કેમ ન થવી જોઈએ? સીએએનો કાયદો બનાવીને એક આવકાર્ય પગલું ભરાયું છે. પણ આવા આવકારદાયક અન્ય પગલાઓનું પણ સ્વાગત થવું જોઈએ.
આ સિવાય ભારતમાં પણ કોઈ ઠેકાણે હિંદુઓને ધર્મના કારણે ભયમાં આવવું પડતું હોય તો તેવા સ્થાને પણ સિસ્ટમના જે પણ કોઈ સારા-નરસા પાસા હોય તેને સ્વાભિમાની રાજનીતિના હિસાબથી હિંસા, અન્યાય, ઉત્પીડન રોકવા માટે કારગર બનાવવા જોઈએ.
ચાણક્ય, શિવાજી મહારાજ કે સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોની વાતો ઉપદેશાત્મક નહીં પણ તેને ચરિતાર્થ કરવાનો સમય છે. પણ આમ નહીં થવાનું કારણ 1857થી 2026 સુધી ભારતમાં ચાલી રહેલી રાજનીતિમાં સારા, પરિપકવ દેખાવાની કરેક્ટ દેખાવાની રાજનીતિક મહત્વકાંક્ષા છે.
કરેક્ટ દેખાતી રાજનીતિની દિશા ખોટી પણ હોઈ શકે છે, સ્વાભિમાની દેશની રાજનીતિ સ્વાભિમાની હોય અને તેમાં હિંસા, ઉત્પીડન અને અન્યાયને કોઈ સ્થાન હોઈ શકે નહીં. પછી સમુદાયની સંખ્યા 79 ટકા હોય કે સમુદાયનો માત્ર 1 વ્યક્તિ હોય. કોઈના પર ખતરો હોવો જોઈએ નહીં આવી અભય પ્રદાન કરતી રાજનીતિ આપણું લક્ષ્ય ક્યારે અને કેવી રીતે બનશે?
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુ યુવકનું મૉબ લિંચિંગ, લાશને વૃક્ષ પર લટકાવી લગાવી દીધી આગ


