શું અમેરિકા ઈચ્છે છે કે ભારત ફક્ત તેની પાસેથી જ તેલ ખરીદે? ટ્રમ્પની ધમકી અને ભારતની રણનીતિ
- શું અમેરિકા ઈચ્છે છે કે ભારત ફક્ત તેની પાસેથી જ તેલ ખરીદે? ટ્રમ્પની ધમકી અને ભારતની રણનીતિ
નવી દિલ્હી: તાજેતરમાં એવા સમાચાર આવ્યા કે 2025ના પ્રથમ ચાર મહિનામાં અમેરિકાથી ભારતનું તેલ આયાત વાર્ષિક ધોરણે 270%થી વધુ વધ્યું છે. પરંતુ આ દબાણ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે અમેરિકા ઈચ્છે છે કે ભારત ફક્ત અને ફક્ત અમેરિકી તેલ કંપનીઓ પાસેથી જ તેલ ખરીદે. અમેરિકાએ ભારતને એવી ધમકી પણ આપી છે કે જો તે રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેના પર 500% ટેરિફ લાદવામાં આવશે. આ દાવાનો ઉલ્લેખ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રાહમના નિવેદનથી સામે આવ્યો. અમેરિકા ઉપરાંત, યુરોપિયન યુનિયન (EU)એ રશિયા પર સીધા પ્રતિબંધો લગાવ્યા છે, જેની અસર ભારતની ગુજરાત સ્થિત રિફાઈનરી પર પડી છે.
ભારતનું રણનીતિક નિવેદન
આ સમાચાર બાદ ભારતનું રણનીતિક નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા સામે આવ્યું છે. ભારતીય સમાચાર એજન્સીઓએ આ ખબરને એટલું મહત્ત્વ આપ્યું નથી, જેટલું અમેરિકી સમાચાર એજન્સી રોઈટર્સે આપ્યું છે. રોઈટર્સે 17 જુલાઈ, 2025ના રોજ હરદીપ પુરીને ટાંકીને જણાવ્યું કે જો રશિયા પરના પ્રતિબંધોના કારણે પુરવઠો અસરગ્રસ્ત થશે, તો ભારત વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા પોતાની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે. પુરીએ કહ્યું, “અમને બિલકુલ ચિંતા નથી. અમે અન્ય માધ્યમો દ્વારા વ્યવસ્થા કરી લઈશું.”
પુરીએ એમ પણ કહ્યું કે ભારત હવે 40 દેશોમાંથી તેલ આયાત કરે છે, જે અગાઉ 27 દેશો સુધી મર્યાદિત હતું. તેમણે રશિયાથી તેલ ખરીદવાને યોગ્ય ઠેરવતા કહ્યું કે ભારતે સસ્તું તેલ ખરીદીને વૈશ્વિક પુરવઠા સંકટ રોક્યું, નહીં તો તેલની કિંમતો $130 પ્રતિ બેરલ સુધી પહોંચી શકી હોત.
અમેરિકી દબાણ અને ટ્રમ્પની ધમકી
20 જાન્યુઆરી, 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત પર અમેરિકી તેલ ખરીદવાનું દબાણ વધ્યું. ફેબ્રુઆરી 2025માં, ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત અને અમેરિકાએ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ભારત અમેરિકાથી વધુ તેલ અને ગેસ આયાત કરશે જેથી બંને દેશો વચ્ચેનો વેપાર ખાધ ઘટે. માર્ચ 2025માં, ભારતે અમેરિકાથી દરરોજ 256,000 બેરલ તેલ આયાત કર્યું, જે એક વર્ષમાં સૌથી વધુ હતું.
15 જુલાઈ, 2025ના રોજ ટ્રમ્પે ધમકી આપી કે જો રશિયા 50 દિવસમાં યુક્રેન સાથે શાંતિ સમજૂતી નહીં કરે, તો રશિયાથી તેલ ખરીદનારા દેશો પર 100%થી 500% સુધી ટેરિફ લાદવામાં આવી શકે છે. સેનેટર લિન્ડસે ગ્રાહમના નેતૃત્વમાં ‘Sanctioning Russia Act of 2025’ બિલ, જેને 84 સેનેટરોનું સમર્થન છે, ભારત અને ચીન જેવા દેશો પર રશિયન તેલ ખરીદવા માટે ભારે ટેરિફ લગાવવાની જોગવાઈ કરે છે.
ભારતની તેલ આયાતની સ્થિતિ
વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતક અને ઉપભોક્તા દેશ ભારત પોતાની તેલની જરૂરિયાતનો લગભગ 88% આયાત કરે છે. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયાથી સસ્તા દરે તેલ ખરીદવાનું શરૂ કર્યું જેના કારણે રશિયા ભારતનો સૌથી મોટો તેલ પુરવઠાકર્તા બન્યો. જૂન 2025માં ભારતે રશિયાથી દરરોજ 2.2 મિલિયન બેરલ તેલ આયાત કર્યું, જે કુલ આયાતનો 41% હતું. રશિયાથી સસ્તું તેલ ભારતની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વનું રહ્યું છે, કારણ કે તેનાથી મોંઘવાઈ પર નિયંત્રણ રહ્યું છે.
જોકે, અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેમાં 183 ટેન્કરો અને રશિયન તેલ કંપનીઓ જેવી કે ગઝપ્રોમ નેફ્ટ અને સુર્ગુતનેફ્ટેગાસ પર પ્રતિબંધોનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધોએ ભારતના રશિયન તેલ આયાતને અસર કરી છે, જેના કારણે ભારતીય રિફાઈનરીઓએ અમેરિકા, આફ્રિકા, બ્રાઝિલ, નાઈજીરિયા અને વેનેઝુએલા જેવા દેશોમાંથી તેલ આયાત વધારી છે.
ભારતની રણનીતિ અને વૈવિધ્યકરણ
ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે તેલ આયાતનું વૈવિધ્યકરણ (અન્ય વિવિધ દેશોમાંથી તેલ મંગાવવાની રણનીતિ) કરવાની રણનીતિ અપનાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 18 જુલાઈ, 2025ના રોજ જણાવ્યું, “અમારી ઊર્જા સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે બેવડા માપદંડો સામે ચેતવણી આપીએ છીએ.” તેમણે એ પણ સંકેત આપ્યો કે ભારત બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તા તેલને પ્રાથમિકતા આપશે, પછી તે ગમે તે દેશમાંથી આવે.
આર્થિક અને ભૂ-રાજકીય અસર
અમેરિકાની રણનીતિ રશિયાની તેલ આવક ઘટાડવાની છે, જેના માટે તે ભારત અને ચીન જેવા મોટા ખરીદદારોને વૈકલ્પિક સ્ત્રોતો તરફ ધકેલી રહ્યું છે. પરંતુ ભારત માટે સસ્તું તેલ આર્થિક સ્થિરતા માટે મહત્ત્વનું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના 2019ના અંદાજ મુજબ, તેલની કિંમતમાં પ્રતિ બેરલ $10નો વધારો ભારતમાં 0.4% મોંઘવાઈ વધારી શકે છે.
ભારતે રશિયાથી તેલ ખરીદવાને પોતાની આર્થિક જરૂરિયાતો અને વૈશ્વિક બજારની સ્થિતિ સાથે જોડ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે વોશિંગ્ટનમાં કહ્યું કે ભારતે સેનેટર ગ્રાહમને પોતાના ઊર્જા સુરક્ષા હિતોથી વાકેફ કર્યા છે. ભારતે એ પણ ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશોએ બેવડા માપદંડોથી બચવું જોઈએ, કારણ કે યુરોપિયન યુનિયન પોતે રશિયન તેલ અને ગેસ આયાત કરે છે.
શું ભારત અમેરિકી દબાણ હેઠળ ઝૂકશે?
ભારતે અમેરિકાથી તેલ આયાત વધાર્યું છે, પરંતુ તે રશિયાથી સસ્તા તેલની ખરીદી સંપૂર્ણ બંધ કરવાની સ્થિતિમાં નથી. રશિયાથી તેલ આયાતે ભારતને અરબો રૂપિયા બચાવવામાં મદદ કરી છે અને વૈશ્વિક તેલની કિંમતોને સ્થિર રાખવામાં યોગદાન આપ્યું છે. ભારતની રણનીતિ સ્પષ્ટ છે. તે પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપશે અને સસ્તા તેલ માટે તમામ ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરશે, પછી તે રશિયા હોય, અમેરિકા હોય કે મધ્ય પૂર્વ.
આ પણ વાંચો- રશિયા સાથેના વેપાર અંગે NATOની ચેતવણી પશ્ચિમી દેશોના બેવડા ધોરણો દર્શાવે છે: ભારત