Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેની સંરક્ષણ સમજૂતી અને તેમાં તુર્કીના જોડાવાની શક્યતા ‘Islamic NATO’ની દિશામાં સંકેત આપે છે. આ ગઠબંધન અમેરિકાના પ્રભાવ સામે ભૂ-રાજનીતિક બગાવત બની શકે છે. તેના કારણે મધ્યપૂર્વ, દક્ષિણ એશિયા અને ભારત સામે નવા વ્યૂહાત્મક પડકારો ઊભા થઈ શકે છે
અમેરિકા સામેની ભૂ રાજનીતિક બગાવત હશે  islamic nato   ભારત સામે પડકારો વધારશે
Advertisement

. ગંભીર ભૂ-રાજકીય કારણો 'Islamic NATO' ને હકીકત બનાવશે?
. સાઉદી-પાકિસ્તાન વચ્ચેની સંરક્ષણ સમજૂતીથી 'Islamic NATO' જેવી શરૂઆત
. તુર્કી પણ સાઉદી-પાકિસ્તાન વચ્ચેની સંરક્ષણ સમજૂતીમાં જોડાવા કરી રહ્યું છે વિચારણા

આનંદ શુક્લ : બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા (USSR) ના વિસ્તારવાદથી બચવા માટે યૂરોપિયન દેશોએ અમેરિકાની સાથે મળીને સૈન્ય ગઠબંધન NATOની સ્થાપના કરી. NATO માં મોટાભાગે પશ્ચિમી દેશો અને ખ્રિસ્તી બહુમતીવાળા દેશો જ સામેલ છે. આમ જોવો તો NATO એક રીતે ખ્રિસ્તી બહુલ યૂરોપિયન દેશોનું સૈન્ય ગઠબંધન છે અને કોઈ એક દેશ પર હુમલો આમા સામેલ તમામ દેશ પરનો હુમલો માનીને બધાં સાથે મળીને તેનો સામનો કરે છે.

Advertisement

સોવિયત સંઘમાંથી છૂટા પડેલા યુક્રેનને પણ NATO માં સામેલ કરવાના મામલે જ રશિયા સાથેના મતભેદોએ યુદ્ધનું સ્વરૂપ લઈને છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી લોહી વહી રહ્યું છે.

Advertisement

NATO માં એક માત્ર મુસ્લિમ બહુલ પણ કમલ આતા તુર્કના શાસન સાથે સેક્યુલર બનેલો ઉસ્માની સામ્રાજ્યનો ભાગ રહેલું તુર્કી પણ સામેલ છે. પણ હવે તુર્કીમાં ફીઝા બદલાઈ રહી છે અને તેના ઘણાં મતભેદો તેને NATO સાથે કેટલો સમય બાંધી રાખી શકે છે, તેના પર પણ ભૂરાજકીય વિશેષજ્ઞોની નજર છે.

બગદાદ પેક્ટ-1955

Islamic NATO ની કોશિશો નવી નથી

પણ NATO ની જેમ હવે ઈસ્લામિક દેશો પણ Islamic NATO બનાવવા માટેની કોશિશો ઘણાં લાંબા સમયથી કરી રહ્યા છે. હાલ પણ આની ચર્ચા થઈ રહી છે. પણ મધ્ય-પૂર્વમાં એક ઈસ્લામિક સૈન્ય ગઠબંધનનો વિચાર કોઈ નવો નથી. 1955માં પણ સોવિયત સંઘનો મુકાબલો કરવા માટે બ્રિટન-અમેરિકાના નેતૃત્વમાં બગદાદ પેક્ટ થયો હતો અને તમાં ઈરાક, તુર્કી, પાકિસ્તાન, ઈરાન સામેલ હતા. ત્યારે ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ ન હતી અને તે અમેરિકાના પ્રભાવમાં હતું. તે વર્ષે જ આ પેક્ટ સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (CENTO) માં ફેરવાઈ ગઈ. પણ 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ અને ધાર્મિક શાસનના સત્તા પર આવ્યા બાદ ખાડી દેશો અને ઈસ્લામિક જગતમાં શિયા-સુન્ની વચ્ચેના પંથિક મતભેદોને કારણે ભૂરાજકીય સમીકરણોમાં મોટા પરિવર્તનો જોવા મળ્યા.

બાદમાં અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાનો પ્રવેશ અને કમ્યુનિસ્ટ શાસકોને હટાવવા માટે અમેરિકાના સહકારથી પાકિસ્તાનના લશ્કરી શાસકોએ ઈજાદ કરેલા આઈડિયોલોજિક વેપને મજહબી ઝનૂન સાથે લાલસેનાને મારી હટાવવા યુદ્ધ શરૂ કર્યું અને તેમાં તેમને સફળતા પણ મળી. પણ તેની સાથે બે મોટા પરિવર્તનો વૈશ્વિક ફલક પર જોવા મળ્યા. આઈડિયોલોજિકલ વેપન થકી ગ્લોબલ જેહાદી નેટવર્ક મજબૂત બની ગયું અને સોવિયત રશિયાનું વિખંડન થયું અને વિશ્વ દ્વિધ્રુવીયના સ્થાને અમેરિકાની એકમાત્ર મહાસત્તા તરીકેની સ્થિતિમાં ચીનના શક્તિશાળી થવા સુધી જાણે કે તેના જ વર્ચસ્વ નીચે રહ્યું.

આ પણ વાંચો: ઈસ્લામિક નાટોનો ખતરો: પાકિસ્તાન, સાઉદી અને તુર્કીનું સૈન્ય ગઠબંધન ભારત માટે પડકાર

9/11નો આતંકી હુમલો

9/11ના હુમલા બાદ ભૂરાજકીય સ્થિતિ બદલાઈ

2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના આતંકી હુમલા બાદ વૉર ઓન ટેરરના નામે અફઘાનિસ્તાનમાં અમેરિકા-નાટો દેશોની સેનાઓએ લાંબી લડાઈ લડી.

અલકાયદામાંથી જ આઈએસઆઈએસ (ISIS) બન્યું અને તેણે ઈસ્લામિક દેશોમાં પોતાનો ખૂની પંજો પસાર્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને 2015માં આઈએસઆઈએસ વિરુદ્ધના યુદ્ધમાં આગળ વધવાના ઉદેશ્યથી સાઉદી અરેબિયાએ ઈસ્લામિક કાઉન્ટર ટેરરિઝ્મ કોએલિશન ગઠબંધનની ઘોષણા કરી અને 2017માં પાકિસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ રાહીલ શરીફને તેના પહેલા સૈન્ય કમાન્ડર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયા અમેરિકાનું ખાડી દેશોમાં સૌથી ઘનિષ્ઠ રણનીતિક સાથીદાર છે. પાકિસ્તાન ત્યારે ભલે ચીનના પ્રભાવમાં હોય, પણ તે પણ મોટાભાગે અમેરિકાના બગલબચ્ચાની જેમ જ વ્યવહાર કરતું હોય છે. એટલે આ સૈન્ય ગઠબંધન પણ એક રીતે સાઉદી-પાકિસ્તાનના હિતોને કેટલી સુરક્ષા આપતું હશે, પણ તેનાથી અમેરિકાના ભૂરાજકીય હિતોને ચોક્કસ સાધી શકાય તેમ હતા.

ઈસ્લામિક વિશ્વમાં બીજી એક બાબત ઉડીને આંખે વળગે તેવી છે. મોટાભાગના ઈસ્લામિક દેશોના શાસકો અમેરિકાના પ્રભાવમાં હોય છે, પણ ત્યાંની જનતા અમેરિકાના વલણોનો વિરોધ કરતી જોવા મળે છે. ખાસ કરીને પેલેસ્ટાઈનના મુદ્દે અમેરિકાના ઈઝરાયલ તરફી વલણનો મુસ્લિમ દેશોની જનતા ઉગ્ર વિરોધ નોંધાવતી રહે છે. પણ શાસકોનું ખુરશી ગણિત પાછું અલગ હોય છે, એટલે તેમની અમેરિકા સાથેની ઘનિષ્ઠતામાં કોઈ મોટી ઉથલ-પાથલ જોવા મળતી નથી.

ફરીથી ઈસ્લામિક નાટો ( Islamic NATO) ની કોશિશ

હવે પાકિસ્તાન-સાઉદી અરેબિયાએ રણનીતિક સંરક્ષણ સમજૂતી કરી છે. તેમાં નાટોની જેમ એ જોગવાઈ છે કે જો ગઠબંધનના કોઈ દેશ પર હુમલો થયા છે, તો તેને આખા સંગઠન પરનો હુમલો માનવામાં આવે અને સાથે મળીને જવાબ પણ આવવામાં આવે.

સાઉદી-પાકિસ્તાનની રણનીતિક સંરક્ષણ સમજૂતીમાં તુર્કી પણ સામેલ થવાની વિચારણા કરી રહ્યું છે. આ સૈન્ય ગઠબંધન ભલે ઈસ્લામિક નાટોના નામે કોઈ ઔપચારિક સંગઠન તરીકે અસ્તિત્વમાં ન હોય, પરંતુ તેની સંભાવનાના ગંભીર ભૂરાજકીય ગૂઢાર્થો છે.

સાઉદી-પાકિસ્તાન ડિફેન્સ પેક્ટ

અમેરિકા-ઈઝરાયલ દ્વારા 12 દિવસનું યુદ્ધ, ઈઝરાયલ દ્વારા કતર પર બોમ્બમારો, યમનને લઈને સાઉદી-યુએઈ વચ્ચેનો તણાવ અને પાકિસ્તાની આતંકીઓ સામેનું ભારતનું ઓપરેશન સિંદૂર આ સમયગાળામાં જોવા મળેલી સૈન્ય ટકરાવની ઘટનાઓ છે. સાઉદી-પાકિસ્તાનની રણનીતિક સૈન્ય સમજૂતી પણ આવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં થઈ છે. સાઉદી અરેબિયાએ અનુભવ્યું હશે કે મધ્ય-પૂર્વમાં ઈઝરાયલના વધતા પ્રભાવને કારણે તેને ભરોસાપાત્ર ભાડાંના સૈનિકોની જરૂર છે અને તે તેને ઈસ્લામિક વિશ્વમાં મજહબી ઝનૂની પાકિસ્તાનીઓ પાસેથી મળી શકે છે અને તેના બદલામાં પાકિસ્તાનની નષ્ટ થઈ રહેલી અર્થવ્યવસ્થામાં સાઉદી અરેબિયા પેટ્રોડોલરથી ચેતના લાવી શકે છે. આમ તો આ સમજૂતી ગીવ એન્ડ ટેક (Give & Take) પર જ આધારિત છે અને આને તથા મજહબને કોઈ લેવા દેવા નથી, પણ આકાર એવો અપાય તેવી પુરી સંભાવના છે.

ભૂતકાળમાં 1967માં સુરક્ષા સમજૂતી પછી અને તેના પછી 1979માં કાબામાં આતંકવાદી ઘૂસણખોરી અને ઈરાની ક્રાંતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સેના સાઉદી અરેબિયાને સુરક્ષા ઉપલબ્ધ કરાવી ચુકી છે. ઈસ્લામિક વિશ્વમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જેણે પરમાણુ હથિયારો વિકસિત કરી લીધા છે. જો કે આ દોડમાં તુર્કી, ઈરાન સહીતના દેશો સામેલ હોવાની ચર્ચાઓ અવાર-નવાર થતી રહે છે. સાઉદી અરેબિયાને પણ પોતાના મિસાઈલ પ્રોગ્રામને આગળ વધારવો છે. યુએઈ જેવા દેશો શાંતિપૂર્ણ હેતુસર સ્પેસ મિશન તરફ પણ આગળ વધી ચુક્યા છે. વળી સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન વિશ્વમાં શસ્ત્રોની સૌથી વધુ આયાત કરનારા દેશોમાં પણ સામેલ છે અથવા રહી ચુક્યા છે.

આ પણ વાંચો: Iran-Us Tension: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે એક થયા શિયા-સુન્ની મુસ્લિમ દેશ? ઈરાનને સાઉદીથી સંદેશ

પાકિસ્તાન (Pakistan) નું ગણિત

પાકિસ્તાન ઘણાં લાંબા સમયથી કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમર્થનની શોધમાં છે અને ઐતિહાસિકપણે આ વિવાદને ઈસ્લામિક સંદરભમાં રજૂ કરવાની કોશિશ કરતું રહે છે. આવા સંજોગોમાં એક શક્તિશાળી ઈસ્લામિક સુરક્ષા ગઠબંધનની સદસ્યતા અને તેના કર્તા-ધર્તા તરીકેની ભૂમિકા પાકિસ્તાનનો કૂટનીતિક દબદબો પણ વધારી શકે છે, પછી ભલે અન્ય સદસ્ય દેશો કાશ્મીર મુદ્દાના સૈન્યકરણ કરવા પ્રત્યેની ઈચ્છા ધરાવતા ન હોય.

તુર્કી (Turkey) ની લાલચ

આવા ગઠબંધનમાં તુર્કીનો રસ મધ્ય-પૂર્વના ઘટનાક્રમો સાથે જોડાયેલો છે. તુર્કી ક્યારેક ઉસ્માની સામ્રાજ્યનો ભાગ હતું. નાટોની સદસ્યતા હોવા છતાં હવે તુર્કીને ઈસ્લામિક જગતના ખલીફાના કે તેના જેવા રોલમાં આવવાની મહેચ્છા જાગી ચુકી છે અને પોતાની ગણતરીઓને ધ્યાનમાં રાખીને તુર્કી અમેરિકા પરની તેની નિર્ભરતાને ઘટાડવા માંગે છે. તુર્કીની સૈન્ય ક્ષમતા પણ ઘણી મોટી છે, તેથી તેને ઈસ્લામિક જગતની આગેવાની પણ મેળવવી છે. તુર્કીની પાસે સશક્ત ડિફેન્સ ઈન્ડસ્ટ્રી અને યુદ્ધક્ષેત્રનો પુરતો અનુભવ પણ છે.

અમેરિકા-ભારત સામે પણ પડકારો વધશે

આવી સ્થિતિમાં સૈન્ય ગઠબંધનલક્ષી સમજૂતીમાં અન્ય ઈસ્લામિક દેશોના સામેલ થયા બાદ પહેલા ખાડી ક્ષેત્ર, બાદમાં પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાનું ભૂરાજકીય સમીકરણ મોટા પરિવર્તનોનું સાક્ષી બની શકે છે. અહીંથી વૈશ્વિક સ્તરે પણ થોડા દાયકાઓમાં ભૂરાજકીય સમીકરણોમાં ધરખમ પરિવર્તનો પણ થઈ શકે છે. ઈસ્લામિક નાટો આમ જોવો તો એક રીતે અમેરિકાના ખાડી દેશો પરના પ્રભાવ કે ઈસ્લામિક જગત પરના પ્રભાવ સામે "ખુલ્લો ભૂરાજનીતિક બળવો" હશે. આનાથી અમેરિકાનો પ્રભાવ ઘટવાની સાથે તેને લાંબા ગાળે એક પડકાર પણ મળી શકે છે. આ સિવાય આવા સંજોગોમાં એશિયાના અગ્રણી અને વૈશ્વિક સ્તરે પોતાનું કાઠું કાઢી ચુકેલા ભારતની સામે પણ ભૂરાજકીય પડકારોમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: મુસ્લિમ દેશોના સંગઠને ફરી પાર કરી મર્યાદા, OICની જમ્મુ-કાશ્મીરમાં જનમત સંગ્રહની માંગ!

Tags :
Advertisement

.

×