Jamtara Gang Gujarat એ મહેસાણા જિલ્લો છોડ્યો, Team SMC ના પીઆઈ રબારીએ મહેમદાવાદના ખાત્રજમાં આવેલા ભાડાના ફલેટમાં દરોડો પાડ્યો
જામતારા નામથી લગભગ મોટાભાગના લોકો વાકેફ હશે. દેશભરમાં લોકોને અબજો રૂપિયાનો ચૂનો લગાવી ચૂકેલા ભેજાબાજ લબરમૂછીયાઓ જેવાં ખેલાડી ગુજરાતના મહેસાણા જિલ્લામાં (Mahesana Gujarat) છે. છેલ્લાં પાંચેક વર્ષથી સક્રિય અને જામતારા ગેંગ ગુજરાત (Jamtara Gang Gujarat) તરીકે કુખ્યાત બનેલી ટોળકી પર પોલીસની ધોંસ વધતા રાજ્યભરમાં ફેલાઈ ગઈ છે. કેટલાંક તો પાડોશી રાજ્યોમાં પહોંચી ગયા છે અને ત્યાંથી છેતરપિંડીનો મલાઈદાર કારોબાર ચલાવી રહ્યાં છે. Gujarat Police ની એજન્સીઓ મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં તેમજ મુંબઈમાં દરોડા પાડીને છેલ્લાં એક વર્ષમાં અનેક ટોળકીને ઝડપી ચૂકી છે. આમ છતાં Jamtara Gang of Gujarat ને નેસ્તનાબૂદ કરવામાં પોલીસને સફળતા મળી રહી નથી. મોટાભાગે આ ટોળકી ખેતરોમાં તેમજ ભાડે રાખેલા ફલેટ/ફાર્મ હાઉસમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવે છે. State Monitoring Cell ના એક પીઆઈ છેલ્લાં એક વર્ષથી આ ગેંગની પાછળ પડ્યા છે અને જુદાજુદા જિલ્લાઓમાં રેડ કરીને 6 કેસ કરી ચૂક્યાં છે.
Jamtara Gang Gujarat નું ઉદ્ભવ સ્થાન મહેસાણા જિલ્લો
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેથી આઠેક વર્ષ અગાઉ પિન્ટુ ભાવસાર નામના શખ્સે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી (Stock Market Investment Fraud) નો ધંધો શરૂ કર્યો હતો. તેની ટોળકીમાં ઠાકોર, રાવળ અને મુસ્લીમ સમાજના યુવક/કિશોર સામેલ હતા. અન્ય રાજ્યોમાં પિન્ટુ ભાવસાર સામે કેસ નોંધાતા તેણે ધંધો તેના નીચેના વિશ્વાસુઓને સોંપી દીધો. તે પછી અલગ અલગ સમાજની ટોળકીઓએ આ ધંધાને વેગ આપ્યો. મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર અને ખેરાલુ તાલુકાના અનેક ગામના યુવાન/કિશોર રોજના લાખો રૂપિયા કમાવા લાગ્યા. મહેસાણા જિલ્લા પોલીસની રહેમનજર અને સમાજના નેતાઓની કૃપાથી જામતારાની જેમ ખેતરોમાં જ ખુલ્લેઆમ બોગસ કોલ સેન્ટર (Fake Call Centre) શરૂ થઈ ગયા.
Jamtara Gang Gujarat કેવી રીતે મોટી બની ?
અન્ય લોકોના દસ્તાવેજોના આધારે વર્ષે હજારો સિમકાર્ડ ખરીદી તેના થકી છેતરપિંડી આચરતી ગેંગ બેફામ બની. વડોદરા સાયબર સેલ (Vadodara Cyber Cell) ને નવેમ્બર-2023માંછેતરપિંડીના એક કેસની તપાસમાં મહેસાણા જિલ્લામાં ચાલતું Sim Card Racket અને નકલી કોલ સેન્ટરનું રેકેટ હાથ લાગ્યું હતું. બીજી તરફ સ્ટેટ અને અમદાવાદ સાયબર સેલની તોડબાજ ટોળકી Jamtara Gang Gujarat પાસેથી આર્થિક લાભ મેળવીને મહેસાણા જિલ્લા પોલીસની જેમ છાવરવા લાગી. આમ આ ગેંગને પોલીસનો ડર ના રહ્યો અને વધુ ગતિથી છેતરપિંડીના રેકેટ આચરવા લાગી.
વર્ષ અગાઉ SMC PI Rabari એ દરોડા શરૂ કર્યા અને...
મહેસાણા જિલ્લાના એક મોટા નેતાએ વર્ષ અગાઉ સરકારમાં રજૂઆત કરતાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay DGP) મહેસાણા જિલ્લામાંથી આ બદીને દૂર કરવા સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ આપ્યો. સપ્ટેમ્બર-2024માં મહેસાણાના સતલાસણા તાલુકા અને વડનગર તાલુકા (Vadnagar Taluka) ના બે ગામોમાં એસએમસી પીઆઈ જી.આર.રબારીની ટીમે દરોડા પાડી ખેતરમાંથી નકલી કોલ સેન્ટર ચલાવતા શખ્સોને પકડી બે ફરિયાદ નોંધાવી હતી. ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં PI G R Rabari ની ટીમે દરોડો પાડી 5 આરોપીઓને પકડી 19 મો.ફોન કબજે લીધા. માર્ચ મહિનામાં Team SMC એ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વસ્છેસર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી ટીમ હેન્ડલર સહિત 10 શખ્સોને પકડી 26 મોબાઈલ ફોન, ફોન નંબરની ડેટા શીટના 92 પેજ અને CCTV DVR કબજે લીધું હતું. ગત જૂન મહિનામાં વિસનગર તાલુકાનાા ખદલપુર ગામે ખેતરમાંથી 3 આરોપીઓને પકડી 5 ફોન અને ફોન નંબરની ડેટા શીટના 3 પેજ કબજે લીધા.
લાખોની છેતરપિંડીમાં 40 ટકાની ચૂકવણી, 60 ટકા ભાગીદારોના
ગત ગુરૂવારના રોજ ખેડાના મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે આવેલી શ્રીનાથ રેસીડેન્સીમાં આવેલા એક ફલેટમાં SMC PI G R Rabari ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસને દરોડા દરમિયાન 5 આરોપી મળી આવ્યા હતા. 11 મોબાઈલ ફોન, રોકડ અને ફોનમાં સ્ટોર કરાયેલો ફોન નંબરનો ડેટા કબજે લઈ મહેમદાવાદ પોલીસ સ્ટેશન (Mehmdabad Police Station) માં ગુનો નોંધવામાં આવ્યો છે. વિજય શંકરભાઈ રાવળ, દિક્ષિત બાબુભાઈ રાવળ (બંને રહે. ભાલક, તા.વિસનગર) વિપુલ પ્રહલાદભાઈ સેનમા, ગુણવંત ચમનજી ઠાકોર અને પિયુષ પ્રહલાદજી ઠાકોર (ત્રણેય રહે. છોગાળા, તા.વિસનગર) ની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ટીમ હેન્ડલર વિજયનો ભાગીદાર આશિષ બળદેવભાઈ રાવળ, બેંક એકાઉન્ટ ભાડે આપનાર, મકાન માલિક સહિત પાંચ શખ્સોને ફરિયાદમાં ફરાર દર્શાવાયા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિજય રાવળે જણાવ્યું હતું કે, ભાડાના બેંક એકાઉન્ટ (Mule Account) માં જમા થતી છેતરપિંડીની રકમ આંગડિયા થકી હવાલાથી મેળવવામાં આવે છે અને તે પેટે 20 ટકા ખાતાધારકને ચૂકવાય છે. 20 ટકા કમીશન કોલરને આપવામાં આવે છે અને બાકીની 60 ટકા રકમ પોતે તેમજ ભાગીદાર આશિષ રાખે છે. અત્રે નોંધનીય છે કે, ખાત્રજ ખાતે 6 હજાર રૂપિયાના ભાડે ફલેટ રાખ્યો હતો. આ ટોળકી પોલીસ ધરપકડથી બચવા દર બે સપ્તાહ કે મહિને સ્થાન બદલી નાંખે છે.
આ પણ વાંચો : Botad Police ના હેડ કૉન્સ્ટેબલ અને મહિલા PSI એ પકડેલી લૂંટારૂ ગેંગ પાસેથી હથિયારો, બુરખા અને કાળા દુપટ્ટા મળ્યા