BJP ના પૂર્વ મંત્રીના કાળા કામના ભાગીદાર એવા ભૂમાફિયા સામે ફરિયાદ, સરપંચના પતિ ફરાર
BJP : છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદ જ નહીં પણ રાજ્યભરમાં ભૂમાફિયાઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના મંત્રીઓ અને નેતાઓના આર્શીવાદથી ફૂલી ફાલી રહ્યાં છે. BJP નેતાઓ સાથેની ભાગીદારીના કારણે હવે તો ભૂમાફિયાઓ જમીન માલિકો પર ખૂની હુમલા કરાવવા સુધીની હિંમત કરવા લાગ્યા છે. પૂર્વ અમદાવાદના છેવાડે ભુવલડી ગામે આવેલી જમીનના માલિકો અને સર્વેયર સહિતના લોકો પર તલવારો, લાકડીઓ અને પાઈપથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) માં નોંધાઇ છે. હુમલા કેસમાં 19 આરોપીઓની નિકોલ પોલીસ ધરપકડ કરી ચૂકી છે. હુમલાનો સૂત્રધાર અને ભુવાલડીના મહિલા સરપંચનો પતિ જનક ઠાકોર ઘટના બાદ ભૂર્ગભમાં ઉતરી ગયો છે. ફરાર જનક ઠાકોરે BJP ના પૂર્વ મંત્રી અને એક સિનિયર MLA પાસે મદદનો હાથ લંબાવ્યો હોવાની પણ ચર્ચાઓ ઊઠી છે.
મહિલા સરપંચના પતિએ હુમલો કરવા ટોળાને ઉશ્કેર્યું
ભુવાલડી ગામે આવેલી વડીલોપાર્જિત જમીનના મામલામાં પટેલ પરિવારની તરફેણમાં મામલતદારે તાજેતરમાં ચૂકાદો આપ્યો હતો. મૂળ માલિકોના નામ ઉમેરવાનો હુકમ થતાં પટેલ પરિવારના સભ્યો સર્વેયર સહિતના લોકોને લઈને સિમેન્ટની ફેન્સિંગ કરવા લઈને ગત સોમવારે બપોરે ગયા હતા. રિતેશ ધીરૂભાઇ પટેલે નિકોલ પોલીસને આપેલી ફરિયાદમાં જનક ઠાકોર મુખ્ય આરોપી છે. ભુવલડીના મહિલા સરપંચના પતિ જનક ઠાકોરના કહેવા પર ગ્રામ પંચાયતના પટાવાળા ડાહ્યાભાઇ સોલંકીએ માઈક પર 'રામવાડી ખાતે જમીનનો ગેરકાયદેસર કબજો મેળવવા અસામાજિક તત્વો આવેલા છે તો દરેક ગ્રામજનો રામવાડી ખાતે એકત્રિત થવા મહેરબાની કરશોજી'. માઈક પર થયેલી જાહેરાતના પગલે કેટલાંક લોકોનું ટોળું તલવાર, લાકડી અને પાઈપ લઈને ભુવલડી રામવાડી ખાતે ધસી ગયું હતું. ટોળાએ જમીન પર હાજર રહેલા જમીન માલિકો અને તેમની સાથે આવેલા સર્વેયર, વકીલ સહિતના લોકો પર હલ્લો બોલાવ્યો હતો. હથિયારો સાથે આવેલા ટોળાને જોઈને જમીન માલિક સહિતના લોકો પોતાના વાહનો મુકીને નાસી છૂટ્યા હતા. હિંસક ટોળાએ રિતેશ પટેલ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત સ્થળ પર પાર્ક કરાયેલા ટ્રેકટર, અડધો ડઝન કાર અને ચારેક ટુ વ્હીલર પર ટોળાએ ગુસ્સો કાઢી તેના ભૂક્કા બોલાવી નાંખ્યા હતા.
જમીન માલિકીનો હક્ક મેળવવા વર્ષોની લડત
વર્ષ 1975માં ગણોતધારા હેઠળ મળેલી જમીનનો કેસ મામલતદાર સમક્ષ ચાલતો હતો. વર્ષ 2012માં આ જમીન ચેરિટી કમિશનરે ગૌ-શાળા ટ્રસ્ટના નામે કરી હતી. ત્યારબાદ ગૌ-શાળા ટ્રસ્ટે ભુવલડી ગામની આ જમીનમાં મૂળ માલિકોના નામ કમી કરાવી દીધા હતા. આ મામલે જમીનના મૂળ માલિકોએ પોતાના નામ પરત લાવવા મામલતદાર કૃષિ પંચમાં અરજી કરી હતી. ગત 17 ઓગસ્ટના રોજ મૂળ જમીન માલિકોના નામ ઉમેરવાનો હુકમ થયો હતો.
આ પણ વાંચો -Vadodara : મનપાનાં શાસકોએ ફરીવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું! જાણીને તમને પણ આશ્ચર્ય થશે!
'રામ'ના નામે જમીન પચાવવા રચ્યો કારસો
પટેલ પરિવારની જમીન પચાવવા માટે જનક ઠાકોરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેલ શરૂ કરી દીધો હતો. જમીન માલિકો જ્યારે ભુવલડી ગામે જમીન ખાતે જાય ત્યારે ભૂમાફિયા (Land Mafia) જનક ઠાકોર ખુલ્લી જમીનને ગૌચરની જમીન ગણાવતો હતો. ગામના ગૌચરની જમીન પર પ્રવેશ કરવો નહીં તેમ કહીને જનક અને તેના સાગરીતો અવારનવાર ધમકી આપતા. દોઢેક વર્ષ અગાઉ મહિલા સરપંચના પતિ જનકે પોતાના સાગરીતો સાથે મળીને પટેલ પરિવારની માલિકીની જમીન પર 'રામજી મંદિર' બાંધવાનું શરૂ કર્યું હતું. જેનો વિરોધ જમીન માલિકોએ કરતા જનક ઠાકોરના તેના મળતીયાઓએ ગ્રામજનોને ઉશ્કેર્યા હતા. ગૌચરની જમીન ગણાવીને જનક ઠાકોર અને તેના મળતીયાઓ અન્યની માલિકીની જમીન પર સમૂહ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગો પણ યોજતા હતા.