Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન
. ભારતીય જનસંઘથી લઈને ભાજપના રાષ્ટ્રીય ફલક પર વિસ્તરણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગાથા
. કેસરી રંગને માત્ર પક્ષ સાથે નહીં પણ ભારતની વીરતા, સંસ્કૃતિ અને સ્વાભિમાનના પ્રતીક તરીકે દર્શાવ્યો છે
. રાજકીય એકતા તોડવા માટે ખેલાતા જાતિવાદના ખેલ સામે હિંદુઓને જાગૃત રહેવાની અપીલ
આનંદ શુક્લ (Anand Shukla) : આ શીર્ષક જોઈને સૌને આશ્ચર્ય અવશ્ય થશે. આખું ભારત (India) કેસરી (Saffron) રંગે રંગાવાનું છે, એટલે તેનો અર્થ શું? તો સૌથી પહેલા કેસરી રંગની વાત કરી લઈએ. આપણો રાષ્ટ્રધ્વજ (National Flag) તિરંગો (Tricolor) છે અને તેમાં ત્રણ રંગ છે. કેસરી, સફેદ અને લીલો.
કેસરી રંગ શૌર્યની પરંપરા
કેસરી રંગ શૌર્ય-વીરતા-બલિદાન સાથે જોડાયેલો છે. પણ તેને ભારતના બહુમતી હિંદુઓ (Hindus) ને સાંકળીને પ્રતીક રંગ તરીકે સીધી કે આડકતરી રીતે કહેવામાં કે જોવામાં આવે છે. કેસરી રંગ ભારતની ઓળખ છે, જેવી રીતે સફેદ અને લીલા રંગ છે કે બીજા કોઈપણ રંગ છે. આ કેસરી રંગે રંગાઈને વીરોએ 'વીર ભોગ્યા વસુંધરા' (Veer Bhogya Vasundhara) એવી ભારતનું સંરક્ષણ કર્યું છે અને બલિદાનો આપ્યા છે.
ભલે પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh) થકી ભારતના ટુકડા રાષ્ટ્રથી અલગ થયા છે, પણ જે આક્રમણો 712થી લઈને 1761 સુધી થયા તેણે દેશના રંગને દેશની સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરાઓને બદલવા માટે ધમપછાડા કર્યા. પણ એક જ રંગે આ તમામ ધમપછાડાઓને નિષ્ફળ બનાવ્યા અને તે રંગ છે કેસરી. તેથી ભારત કેસરી રંગે રંગાવાનું છે. એટલે કે દેશની સંસ્કૃતિ, સભ્યતા, પરંપરાને ફરીથી સ્વાભામિમાનના જાગરણ સાથે નવી ઊંચાઈ મળવાની છે.
કેસરીને ભગવા રંગ શબ્દથી બદલવામાં આવ્યો!
હવે વાત આધુનિક, સ્વતંત્ર ભારતના રાજકારણની. તો આ રાજકારણમાં કેસરી રંગને હંમેશા જમણેરી-દક્ષિણપંથી-હિંદુત્વવાદી (right-wing, pro-Hindutva ideologies) રાજનીતિ સાથે જોડવામાં આવ્યો છે. ભારતમાં ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh) ની 1951-52માં સ્થાપના થઈ ત્યારે ભગવો રંગ તેની સાથે જોડી દેવામાં આવ્યો, કારણ કે તેઓ જમણેરી-દક્ષિણપંથી-હિંદુત્વવાદી રાજનીતિના વિચારો રજૂ કરતા હતા. પણ જ્યારે ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલીન થયું અને ડ્યૂલ મેમ્બરશિપ (dual membership) ના મુદ્દે જનસંઘના નેતા-કાર્યકર્તાઓ જનતા પાર્ટીમાંથી બહાર આવ્યા, તો તેમણે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. એટલે કે ભારતીય જનસંઘનો રાજકીય વારસો આગળ લઈ જવાની વાહક તરીકે ભારતીય જનતા પાર્ટીને જોવામાં આવતી હતી. તેથી 1980 પછી આ કેસરી રંગ ભાજપ (BJP) સાથે જોડી દેવામાં આવ્યો. પણ કેસરી રંગ રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર હોવાથી કેસરી રંગના સ્થાને ભગવા રંગનો ઉપયોગ જાણીજોઈને કરવામાં આવ્યો. જેથી ભાજપને હિંદુઓ સાથે જોડીને રાષ્ટ્રધ્વજના રંગથી અલગ રાખી શકાય. આમ ભાજપને એક પંથ-સંપ્રદાય-ધર્મની પાર્ટી તરીકે વિરોધીઓમાં સ્થાપિત કરવાની રાજકીય સ્વાર્થસિદ્ધિની પૂર્તિ કરી શકાય. તેથી જ ભાજપનો ભગવો, ભગવો ગઢ કે ભગવા (Bhagwa) આંધી કે બીજો કોઈપણ શબ્દપ્રયોગ રુઢિગત કરવા માટે પુરજોર કોશિશો દરેક સ્તરે કરવામાં આવી. પણ ભાજપની રાજકીય પરંપરા માટે આજે હવે કેસરી અને ભગવો બંને રંગનો રૂપક તરીકે ઉપયોગ થાય છે. આમા કંઈ ખોટું પણ નથી.
આ પણ વાંચો: "સનાતને મિટાવવા નીકળેલા સ્ટાલિન (M. K. Stalin) ને તમિલનાડુએ નષ્ટ કર્યા"
ભારત કેસરિયું બનશે એટલે શું?
સ્વતંત્રતા પહેલાની Khilafat થી Pakistan સુધીની કોમવાદી રાજનીતિ
હવે વાત ભારતના કેસરી રંગમાં રંગાવાની છે, તો જ્યારે સ્વતંત્રતા પહેલા પાકિસ્તાનની માગણીની મુસ્લિમ લીગી બૂમરાણો વચ્ચે સ્વતંત્રતાસેનાની રહેલા વિનાયક દામોદર સાવરકર (Vinayak Damodar Savarkar) ઉપાખ્ય વીર સાવરકરે (Veer Savarkar) પોતાની દૂરંદેશીથી ભારતની રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણ (Hinduization of politics and militarization of Hindus) ની હાકલ કરી હતી. ભારતની રાજનીતિનું હિંદુકરણ કરવા પાછળનું કારણ હતું, મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનને ટેકો આપીને મુસ્લિમોને સાથે લેવાની કોશિશમાં તુષ્ટિકરણની રાજનીતિ વધુ ગાઢી બની હતી. તેનો લાભ લઈને મુસ્લિમ લીગે પોતાનું વર્ચસ્વ સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થા વચ્ચે મુસ્લિમ સમુદાયમાં વધાર્યું હતું. સેપરેટ ઈલેક્ટોરેટ એટલે એવી વ્યવસ્થા કે જેમાં હિંદુઓ પોતાના પ્રતિનિધિ ચૂંટે અને મુસ્લિમો પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે વોટિંગ કરે. 1937માં થયેલી ચૂંટણીઓમાં મુસ્લિમ લીગનો મુસ્લિમ વર્ગમાં કોઈ મોટા પ્રભાવ ન હતો. પણ આ પ્રભાવને વિસ્તારવા માટે મુસ્લિમ લીગે મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વમાં લાહોરમાં પાકિસ્તાન પ્રસ્તાવ પારીત કર્યો.
તેની સાથે બે અલગ-અલગ રાષ્ટ્રો હોવાનું જણાવીને હિંદુ-મુસ્લિમો અલગ હોવાનું પ્રતિપાદિત કરીને મુસ્લિમ લીગે અલગ હોમલેન્ડ તરીકે પાકિસ્તાનની માગણી સાથે મુસ્લિમ વર્ગમાં પોતાનું રાજકીય વર્ચસ્વ વિસ્તાર્યું. 1946માં થયેલી ચૂંટણીમાં મુસ્લિમ લીગને દેશના અંદાજે 95 ટકા મુસ્લિમોનો ટેકો હતો. તેવી જ રીતે હિંદુ અને મુસ્લિમ બંનેના સમર્થનનો દાવો કરનારી કોંગ્રેસને ત્યારે દેશના અંદાજે 90 ટકાથી વધારે હિંદુઓનો ટેકો હતો. એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના દાવા ગમે તે હતા, પણ આઝાદી પહેલા કોંગ્રેસ હિંદુ પાર્ટી અને મુસ્લિમ લીગ મુસ્લિમ પાર્ટી હતી. પણ હિંદુઓની રાજકીય એકતા હોવા છતાં તત્કાલિન નેતૃત્વની કેટલીક અવઢવ કે અસ્પષ્ટતા હતી અને તેને કારણે ભારતના ભાગલા રોકવાની શક્યતાઓ હકીકત બનાવી શકાય નહીં. તેથી નેતૃત્વને કારણે ભારતના હિંદુઓની રાજકીય એકતા હોવા છતાં રાષ્ટ્રહિતને થતું મોટું નુકશાન રોકી શકાયું નહીં.
સ્વતંત્રતા પછી નહેરુવાદી (Nehruvian) -હિંદુત્વવાદીઓનો રાજકીય સંઘર્ષ
ભારત સ્વતંત્ર થયું અને ભારતમાં સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસને જ સત્તા મળી અને તેની સાથે જ કોંગ્રેસમાં ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતા માટે હિંદુત્વવાદી દ્રષ્ટિકોણ ધરાવતા નેતાઓ અને જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) ની સમાજવાદી-સેક્યુલર (Secular) વિચારધારા કે જેમાં ખિલાફતકાળની રાજનીતિની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના બીજ રોપાયેલા હતા, તેની વચ્ચે ગજગ્રાહની સ્થિતિ હતી. મહાત્મા ગાંધીની હત્યા અને સરદાર વલ્લભાઈ પટેલના આકસ્મિક નિધન બાદ નહેરુએ પુરુષોત્તમ દાસ ટંડન (Purushottam Das Tondon) અને ક. મા. મુંશી (K. M. Munshi) જેવા હિંદુત્વવાદી નેતાઓને એક પછી એક પ્રભાવહિન બનાવી દીધા હતા. જેમાં સરદાર પટેલ (Sardar Patel) ના દ્રઢસંકલ્પથી થયેલા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પ્રકરણ પણ સામેલ છે. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં નહેરુનો સ્પષ્ટ અણગમો હતો અને તેનાથી કોઈ અજાણ નથી.
જ્યારે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની હત્યા થઈ ત્યારે હત્યારાઓને સજા અપાઈ, પણ તેની સાથે જ હિંદુત્વવાદી વિચારધારાની વિરુદ્ધ એક નરેટિવ સેટ કરીને તેને હિંસક, દેશવિરોધી ગણાવીને લોકોથી દૂર કરવાની કોશિશો શરૂ થઈ. ભારતમાં 1951-52માં પહેલી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હિંદુત્વવાદીઓની આ પીડાને વાચા આપનારો કોઈ રાજકીય મંચ ન હતો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ પહેલા નહેરુ કેબિનેટ અને પછી હિંદુ મહાસભા (Hindu Mahasabha) છોડી હતી. જો કે ત્યારે હિંદુ મહાસભા નહીવત પ્રભાવ ધરાવતી હતી. આવા સંજોગોમાં ડૉ. મુખર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના તત્કાલિન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ઉપાખ્ય શ્રીગુરુજી (Sri Guruji) સમક્ષ જઈને ભારતીયતાનું અધિષ્ઠાન કરતી રાજનીતિ માટે અલગ પક્ષની સ્થાપનાની વાત કરી અને આમ ભારતીય જનસંઘનું નિર્માણ થયું, તેના માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બલરાજ મધોક, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ, લાલકૃષ્ણ અડવાણી અને દત્તોપંત ઠેંગડી જેવા સંઘના સ્વયંસેવકો-પ્રચારકો ડૉ. મુખર્જીને ફાળવવામાં આવ્યા.
આ પણ વાંચો: "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા
ભારતીય જનસંઘનો રાજનીતિક ઉભાર અને BJP ની સ્થાપના
ભારતીય જનસંઘની રાજનીતિ આગળ વધી રહી હતી. પરંતુ મહાત્મા ગાંધીની હત્યા પછી હિંદુત્વ (Hindutva) ને અપખોડવાની રાજનીતિ એટલી હદે આગળ વધી ચુકી હતી કે રાજકીય ક્ષેત્રમાં કામ કરવું અઘરું હતું. તેમ છતાં ભારતીય જનસંઘે 1968-69માં કેટલાક રાજ્યોમાં સરકારમાં સામેલ થવાની તક પ્રાપ્ત કરી. ત્યારે કોંગ્રેસના સિન્ડિકેટ-ઈન્ડિકેટના નામે ભાગલા પણ થયા હતા. લાગતું હતું કે રાજનીતિમાં હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બરાબર થવા લાગશે. ગુજરાતમાં પણ 1975માં જનતા મોરચાની સરકારમાં ભારતીય જનસંઘ સામેલ થયો હતો. પણ કટોકટીએ બધાં પરિણામોને અલગ દિશા આપી. ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં સામેલ થયું અને પોતાનું રાજકીય અસ્તિત્વ તેમાં વિલીન કરી દીધું. પણ મધુ લિમયે જેવા નેતાઓએ જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ભારતીય જનસંઘના સદસ્યોના સંબંધોને ડ્યૂલ મેમ્બરશિપના મુદ્દે ઉછાળ્યા. તો જનતા પાર્ટી જનસંઘના સદસ્યોએ છોડી દીધી.
દેશમાં રાજનીતિ જે રીતે ચાલી રહી હતી, જાતિવાદ અને મુસ્લિમ તુષ્ટિકરણ અનિયંત્રિત સ્તરે હતા અને ત્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ શરૂ કરેલી રાજકીય વિચારધારાની લડાઈને આગળ વધારવાના નિશ્ચય સાથે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના થઈ હતી. ગાંધીયન સોશયલિઝમથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી 1984માં બે બેઠકો મેળવ્યા પછી બેક ટુ બેઝિક્સ એટલે કે ભારતીયતાનું અધિષ્ઠાન કરતી રાજનીતિ તરફ પાછા વળવા પર વિચારણા કરવા લાગી હતી. એકાત્મ માનવવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ-હિંદુત્વને લઈને આગળ ચાલવાનો નિશ્ચય પાલમપુર અધિવેશનમાં રામજન્મભૂમિ મૂવમેન્ટને ટેકો આપીને કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Bengal માં રાહુલ ગાંધીના બંને હાથમાં લાડુ!: મમતા જીતે કે ભાજપ, કૉંગ્રેસ માટે ગુડ ન્યૂઝ
રામજન્મભૂમિ આંદોલનને સમર્થનથી પ્રભાવની શરૂઆત
ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી (Lalkrishna Advani) ની રામરથયાત્રા (Ram Rath Yatra) સોમનાથ (Somnath) થી અયોધ્યા (Ayoddhya) તરફ પ્રયાણ કરી રહી હતી, ત્યારે દેશની રાજનીતિમાં પરિવર્તન થઈ રહ્યું હતું. દેશ કેસરી રંગે રંગાઈ રહ્યો હતો.
આ સમયગાળાની આસપાસમાં મધ્યપ્રદેશ -રાજસ્થાન - હિમાચલ પ્રદેશ - ગુજરાતમાં ભાજપ ગઠબંધન સરકારોમાં સામેલ થયું. પ્રથમ કારસેવા બાદ 1991માં ઉત્તર પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી અને કલ્યાણસિંહની આગેવાનીમાં સરકાર બની હતી.1992માં બાબરી ધ્વંસની ઘટના બની અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હિમાચલની ભાજપની સરકારોને બરખાસ્ત કરવામાં આવી હતી.
ગુજરાતમાં 1995માં ભાજપે પૂર્વ બહુમતીથી સરકાર બનાવી અને પછી 1997માં ઉત્તરપ્રદેશમાં ફરીથી સત્તામાં પહોંચી. 1998માં ભાજપ હિમાચલ પ્રદેશમાં પણ સ્થિર સરકાર બનાવી શકી હતી. 1995થી 2000ના સમયગાળામાં ભાજપ મજબૂત બનતું ગયું.
2000થી 2010 દરમિયાન ભાજપનું દેશભરમાં ઝડપી વિસ્તરણ થવા લાગ્યું. 2003માં છત્તીસગઢમાં પ્રથમ સરકાર અને 2003માં બહુમતી સાથે મધ્યપ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી. 2005માં ઝારખંડમાં ભાજપે ગઠબંધન સરકાર બનાવી, 2007માં ઉત્તરાખંડ- કર્ણાટકમાં પણ તેને પહેલી સરકાર બનાવવાનો મોકો મળ્યો.
આ પણ વાંચો: Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!
2010થી ભાજપ રાષ્ટ્રીય સ્તરે થયું મજબૂત
2010થી 2016 દરમિયાન રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપ મજબૂત બન્યું. ગુજરાતમાં 1995,1998, 2002, 2007, 2012માં ભાજપને પૂર્ણ બહુમતી મળી. આ દરમિયાન ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર અને ગુજરાત મોડલની દેશભરમાં ચર્ચા શરૂ થઈ હતી. ઘણાં રાજ્યોમાં ભાજપ 2010થી 2016 દરમિયાન મુખ્ય વિરોધ પક્ષ પણ બન્યો.
2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત મોડલ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએએ ચૂંટણી લડી અને તેની સાથે ભારતની રાજનીતિમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. 2014માં દેશમાં 30 વર્ષ બાદ પહેલીવાર કોઈ એક પક્ષને લોકસભામાં બહુમતી મળી હતી.
2016 પછી ભાજપ અને તેના ગઠબંધનને પૂર્વોત્તરમાં જીત મળતી ગઈ અને સરકારમાં બેસવાનો મોકો મળ્યો. 2016માં આસામમાં ભાજપે પહેલીવાર સરકાર બનાવી. તેના સિવાય 2016માં અરુણાચલપ્રદેશ અને 2017માં મણિપુરમાં ભાજપને સરકાર મળી હતી. 2018માં ડાબેરીઓને હરાવીને ભાજપને ત્રિપુરામાં ઐતિહાસિક જીત મળી હતી. આમ 1990માં પશ્ચિમ-ઉત્તર ભારત, 2000થી 2010 દરમિયાન મધ્ય ભારત અને 2016 પછી પૂર્વોત્તર ભારતમાં ભાજપની રાજકીય લહેર જોવા મળી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીર જ્યારે પૂર્ણ રાજ્ય હતું, ત્યારે પીડીપી સાથે પણ ભાજપે ગઠબંધન સરકાર બનાવી હતી. બિહારમાં પણ ખૂબ લાંબા સમયથી ભાજપ ગઠબંધન સરકારમાં હતું. મહારાષ્ટ્રમાં પણ ભાજપે 90ના દાયકામાં જ શિવસેના સાથે ગઠબંધન સરકાર બનાવી હતી. હાલ પણ ભાજપની ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં છે.
પણ ઓડિશા-બંગાળ અને દક્ષિણ ભારતમાં (કર્ણાટકને બાદ કરતા) ભાજપને ખાસ સફળતા મળતી દેખાતી ન હતી. 2024ની વિધાનસભાની ચૂંટણીમાં ઓડિશામાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવીને સરકાર બનાવી છે. હવે 2026ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં આસામમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે અને પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બની રહી છે.
આ પણ વાંચો: 4 મે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ હશે, BJP - Congress ની રાજનીતિ બદલાશે
4 રાજ્યો જ એવા છે કે જ્યાં ભાજપ એકપણ વખત સરકારમાં નથી આવ્યું!
ભાજપ કે ભાજપના ગઠબંધનની સરકાર દેશમાં ક્યારેય બની ન હોય તેવા રાજ્યો હવે આંગળીના વેઢે જ ગણાય તેટલા છે. આવા રાજ્યોમાં તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને મિઝરોમનો સમાવેશ થયા છે. કેન્દ્રશાસિત લક્ષદ્વીપમાં પણ ભાજપ સત્તામાં આવ્યું નથી. આ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો છે. અહીં સાંસ્કૃતિક-ભાષાકીય ફેક્ટર પણ છે. આ રાજ્યોમાં ભાજપની કેડર પણ નબળી છે. તેથી તેને અહીં હજી સુધી સફળતા મળી નથી.
2029માં મિશન દક્ષિણ ભારત (Mission South India) પર ફોકસ
2029ની લોકસભાની ચૂંટણી પહેલા હવે ભાજપનું મિશન દક્ષિણ ભારત પણ શરૂ થશે. ભાજપ આમ તો ઉ્ત્તર-પશ્ચિમ ભારતમાં બેહદ મજબૂત છે. જ્યારે પૂર્વ-પૂર્વોત્તર ભારતમાં તેનો વિસ્તાર થઈ ચુક્યો છે. તેના માટે તમિલનાડુ અને કેરળમાં સૌથી મોટો રાજકીય પડકાર જોવા મળ્યો છે. આવા સંજોગોમાં આ રાજ્યોમાં પણ ભાજપ પોતાનો રાજકીય આધાર વિસ્તારશે. તેવી ગણતરીઓ મંડાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતના ભગવા રંગમાં રંગાવું વહેલું કે મોડું પૂર્ણ થવાનું છે.
હિંદુઓ માટે સાવધાની જરૂરી
ભારત ભગવા રંગમાં રંગાય તે પ્રક્રિયા દરમિયાન અને પછી પણ હિંદુઓએ રાષ્ટ્રહિતને લઈને સજાગ, સાવધ અને વધુ જાગૃત બનવું પડશે. આ દરમિયાન હિંદુઓની પોલિટિકલ યુનિટીને સમાપ્ત કરવા માટે જુદાંજુદાં રાજકીય દાંવપેચો ચાલવાના છે. વધુ આક્રમકતાથી જાતિવાદી રાજકારણ પણ ખેલાવાનું છે. આવા સંજોગોમાં દેશની પોલિટિકલ યુનિટીને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચે નહીં તેના માટેની સજાગતા અને જાગૃતિ જરૂરી છે. આ સિવાય રાજનીતિ દેશમાં પરિવર્તન, સાંસ્કૃતિક સ્વાભિમાનની પુનર્સ્થાપનાનું સાધન કે માધ્યમ છે. તેમાં કેન્દ્રસ્થાને હિંદુ જ છે. તેની પરિપકવતા જરૂરી છે. આ સિવાય જ્યારે હિંદુ પોલિટિકલ યૂનિટી હતી, પણ નેતૃત્વની કદાચ નબળાઈના કારણે વિભાજનની વિભીષિકા સહન કરવી પડી હતી, આવી કે આના જેવી કોઈપણ સ્થિતિ હવે આવે નહીં તેના માટે પણ હિંદુઓએ સાવધ રહેવું જરૂરી છે.
આ પણ વાંચો: ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card


