સરદાર પટેલે સમુદ્રની અંજલિ લઈને કરી ભીષ્મ પ્રતિજ્ઞા, નહેરુના વિરોધ વચ્ચે થયું સોમનાથ મંદિરનું પુનર્નિમાણ
. 1026થી 17 વખત મંદિર તૂટયું અને ફરીથી બન્યું
. મહમૂદ ગઝનવી સહીતનો કોઈ આક્રાંતા આસ્થાને ડગાવી શક્યો નથી
. સરદારના સંકલ્પ સાથે નહેરુના વિરોધ છતાં સોમનાથ મંદિરનું થયું પુનર્નિર્માણ
આનંદ શુક્લ: વિભાજનની વિભિષીકાઓ વચ્ચે પાકિસ્તાનમાંથી હિંદુ નિરાશ્રિતોના ધાડેધાડા વિભાજિત ભારતમાં લાચારી વશ પોતાના પૂર્વજોના સ્થાનો છોડીને એવી રહ્યા હતા. દિલ્હીમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે રજવાડાંઓના વિલિનીકરણનીપ્રક્રિયા ચાલી રહી હતી અને તેનું કામકાજ જોઈ રહ્યા હતા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી લોહપુરુષ સરદાર વલ્લભાઈ પટેલ.
જૂનાગઢનું ભારતમાં વિલિનીકરણ
ભારતની અખંડિતતાના શિલ્પી દેશની અખંડતાને પોતાની મુત્સદીગીરી અને દ્રઢ મનોબળ સાથે કંડારી રહ્યા હતા. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાને એક ટેલિફોન રણકે છે અને સામે છેડે ભારત સરકારમાં સૌરાષ્ટ્રના રિઝનલ કમિશનર એન.એમ. બુચ તેમને એક સંદેશ આપે છે. જ્યારે વાતચીત પુરી થાય છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના ચહેરા પર ખુશી હોય છે, કારણ કે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જીદ છોડી દીધી હતી અને રાજ્યમાં દાખલ થવા આમંત્રિત કરી હતી. આ પ્રસંગને વર્ણવતા ડૉ. ક. મા. મુંશી તેમના પુસ્તક ‘સોમનાથ ધ શ્રાઈન ઈટર્નલ’માં સરદાર પટેલ સાથેની વાતચીત વર્ણવતા જણાવે છે કે He told me what the message was and smiled. My first thought, I expressed in these words: “So it is JAYA SOMANATHA.” (તેમણે મને શું સંદેશો હતો તે જણાવીને સ્મિત કર્યું. મારો પહેલો વિચાર મેં આ શબ્દોમાં અભિવ્યક્ત કર્યો: “એટલે જય સોમનાથ”) * (1)
આ જય સોમનાથ શબ્દોના ઘણાં ગૂઢાર્થો હતા. તેમાનો એક ગૂઢાર્થ સ્વતંત્ર ભારતની આક્રમણખોરોના અત્યાચારો સામે અડિખમ રહેવાની અને ફરી ઉભા થઈને આભને આંબવાની આકાંક્ષાઓનો રણટંકાર પણ હતો. લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની એક એવી પ્રતિજ્ઞા તરફ મોટું ડગલું હતું કે જેનાથી 1000 હજાર વર્ષથી આક્રમણખોરોની ગુલામીની બેડીઓમાં ઝકડાયેલી માનસિકતાને સ્વતંત્રતા અપાવીને, ખરા અર્થમાં સ્વતંત્ર ભારતના નિર્માણની એ ઉદ્ઘોષણા હતી. જૂનાગઢના રજવડાંમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું મંદિર પણ આવેલું હતું. આ મંદિરને 17 વખત મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા તોડવામાં આવ્યું હતું અને તેની સાથે આસ્થાની અડગતાના પણ આમા દર્શન થતાં હતા, કારણ કે જેટલીવાર તૂટયું તેટલીવાર તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું.
સમુદ્રાંજલિથી સરદારે કરી પ્રતિજ્ઞા
ઉપરોક્ત ટેલિફોનિક સંદેશાના ગણતરીના દિવસોમાં નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ અને કાકાસાહેબ ગાડગીલ (એન. વી. ગાડગીલ) સાથે સરદાર પટેલ દિવાળીના દિવસે જૂનાગઢ પહોંચ્યા હતા. સરદાર પટેલે દરિયા કાંઠે સોમનાત મંદિરમાં જતાં પહેલા સમુદ્રની અંજલિ હાથમાં લીધી હતી અને જાણે કે કોઈ પ્રતિજ્ઞા કરી હોય તેમ તેમના ચહેરા પર દ્રઢતા દેખાતી હતી. આ પ્રતિજ્ઞા ભગવાન સોમનાથના મંદિરને દિવ્યતા અને ભવ્યતા સાથે પુનર્સ્થાપિત કરવું અને વિશ્વને સંદેશ આપવો કે ભારતની પરંપરા, આસ્થા, સંસ્કૃતિ અને એકતા અડગ અને અડિખમ છે. તેને કોઈ નષ્ટ કરી નહીં શકે.
વિક્રમ સંવત 2004ના કારતક માસની એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે જૂનાગઢથી વેરાવળ ગયા બાદ જામસાહેબે જણાવેલી વાતને ટાંકતા ડૉ. ક.મા.મુન્શી પોતાના પુસ્તક ‘સોમનાથ ધ શ્રાઈન ઈટર્નલ’માં જણાવે છે કે “We then went down the steps to the sea. Sardar then took some water from the sea in his hands. He said to me: ‘My ambition is fulfilled.’ We silently returned and entered the temple. All his worries were gone and a new light was reflected on sardar’s face.” (“ તેઓ સરદાર સાથે મંદિર પરિસરમાં જઈ રહ્યા હતા. પછી અમે દરિયા તરફ જવા પગથિયાં ઉતર્યા. પછી સરદારે પોતાના હાથમાં સમુદ્રના જળની અંજલિ લીધી. તેમણે મને કહ્યુ- મારી ઈચ્છા પુરી થઈ. અમે મૌન અવસ્થામાં પાછા ફરીને મંદિરમાં પ્રવેશ્યા. તેમની તમામ ચિંતાઓ ગાયબ થઈ ગઈ હતી અને સરદારના ચહેરા પર નવી ચમક ઝળકી રહી હતી.”)* (2)
તેના પછી સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને આગળ વધારવાનું સ્વીકાર્યું. 13 નવેમ્બર, 1947ના રોજ સરદાર પટેલે, જામસાહેબ, ડૉ. કે. એમ. મુન્શી અને કાકાસાહેબ ગાડગીલ સાથે સોમનાથ મંદિરમાં જઈને દર્શન કર્યા. ડૉ. ક. મા. મુન્શી આ ઘટનાને ટાંકતા પોતાના થયેલા સંવાદને ટાંકતા લખે છે કે-
“We saw the temple. While Sardar and I were having a little walk on beach, I said to Sardar: I think the Government of India ought to re-build this temple. ”
“He said: ‘Well, go ahead.’
“Then we two and the Jam Saheb came to the temple and therein the presence of about 500 people, I announced:”
‘Government of india have decided to re-build this temple and instal the deity.’
“This Government has come to fulfil and not to destroy. The age of reconstruction is now on. ”
(” અમે મંદિર જોયું. ત્યારે સરદાર અને હું બીચ પર થોડુંક ચાલ્યા. મેં સરદારને કહ્યુ કે મને લાગે છે કે ભારત સરકારે આ મંદિરનું પુનર્નિર્માણ કરવું જોઈએ.”
“તેમણે કહ્યુ- સારું, આગળ વધો.”
“પછી અમે બંને અને જામસાહેબ મંદિરમાં આવ્યા અને 500 લોકોની હાજરીમાં ઘોષણા કરી કે ભારત સરકારે મંદિરના પુનર્નિર્માણનો નિર્ણય કર્યો છે અને દેવસ્થાપન કરાશે.”
“આ સરકાર સંતુષ્ટિ આપવા આવી છે અને વિધ્વંસ માટે આવી નથી. હવે પુનર્નિર્માણનો યુગ શરૂ થઈ ગયો છે.”) *(3)
સરદાર પટેલની સોમનાથ મંદિરના પુનર્નિમાણની હાકલ
આ ઘોષણાના તુરંત બાદ કાઠિયાવાડ રાજપ્રમુખ જામસાહેબે 1 લાખ રૂપિયાના દાનની ઘોષણા કરી. 15 મિનિટ બાદ અહલ્યાબાઈ મંદિર ખાતે એક મોટી જનસભા યોજાઈ અને તેને સરદાર પટેલે સંબોધિત કરતા કહ્યુ હતુ કે ”On this Auspicious day of the new year we have decided that Somnatha should be reconstructed. You, people of Saurashtra, should do your best. This is a holy task in which all should participate. ” (“બેસતાં વર્ષના આ શુભ દિવસે અમે નિર્ણય કર્યો છે કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થવું જોઈએ. તમે સૌરાષ્ટ્રના લોકોએ આના માટે તમારું શ્રેષ્ઠ કરવું જોઈએ. આ એક પવિત્ર લક્ષ્ય છે, જેમાં સૌએ સામેલ થવું જોઈએ.”) * (4)
તેના પછી જૂનાગઢ પ્રશાસનનું પ્રતિનિધિત્વ કરી રહેલા શામળદાસ ગાંધીએ પણ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે 51 હજાર રૂપિયાના દાનની ઘોષણા કરી હતી.
ક.મા.મુંશીએ ભગ્નાવશેષોનું કર્યું વર્ણન
જૂનાગઢ સ્ટેટના તેના સામંતી રજવાડાઓ સાથે ભારતમાં વિલિનીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોહપુરુષ સરદાર પટેલની સોમનાથ મંદિરના પુનર્નિર્માણની પ્રતિજ્ઞા આગળ વધી રહી હતી. 1948ના જાન્યુઆરી માસમાં શામળદાસ ગાંધીના આમંત્રણ પર મહાન કવિ નરસિંહ મહેતાની જન્મભૂમિ એવા જૂનાગઢમાં ડૉ. કન્હૈયાલાલ માણેકલાલ મુંશીની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક મળી હતી. જૂનાગઢથી ગુજરાતી સાહિત્ય પરિષદમાં સામેલ પ્રતિનિધિઓ સોમનાથની તીર્થયાત્રાએ ગયા હતા અને તેમની સાથે જામસાહેબ પણ હતા. ત્યારે ભગ્નાવશેષોનું વર્ણન કરતા ડૉ. ક. મા. મુંશીએ જણાવ્યુ છે કે (When I saw the temple of Somnath in detail, I stood awe-struck. Some of the old structures- garbhagriha (inner shrine), part of pradakshina marga (the circumambulatory passage),antarala (the intermediate corridor) and the gudha mandapa (central hall) with its three domes were all there. The gudha mandapa was partly coverd by a mosque-like dome. (મેં જ્યારે સોમનાથ મંદિરને વિગતવાર જોયું, હું અચંભિત થઈ ગયો. કેટલાક જૂના માળખાં- ગર્ભગૃહ, પ્રદક્ષિણા માર્ગનો હિસ્સો, અંતરાલ અને ગૂઢ મંડપ તેમના ત્રણ ગુંબજ સાથે ત્યાં હતા. ગૂઢ મંડપ આંશિકપણે મસ્જિદ જેવા ગુંબજથી ઢંકાયેલો હતો.) *(5)
સોમનાથ મંદિરમાં મૂર્તિની પુનર્સ્થાપના હિંદુઓની લાગણી
તે વખતે ઘણાં બૌદ્ધિકો જૂના મંદિરને પૌરાણિક સ્મારક તરીકે જાળવી રાખવાનો અભિપ્રાય આપી રહ્યા હતા. પરંતુ સોમનાથ મંદિર પૌરાણિક સ્મારક નહીં, પણ તે સમગ્ર રાષ્ટ્રની લાગણીમાં જીવંત છે અને તેનું પુનર્નિર્માણ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા હોવાનું દ્રઢપણે માનતા હોવાનું પણ ડૉ. ક.મા.મુંશીએ જણાવ્યું હતું. જ્યારે આર્કિઓલોજિકલ ડિપાર્ટમેન્ટે પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે સરદાર પટેલે કહ્યુ હતુ કે ‘The Hindu sentiment in regard to this temple is both strong and widespread. In the present conditions, it is unlikely that, that sentiment will be satisfied by mere restoration of the temple or by prolonging its life. The restoration of idol would be a point of honour and sentiment with the hindu public.’ (“આ મંદિર માટે હિંદુઓની લાગણી દ્રઢ અને વ્યાપક છે. હાલની સ્થિતિઓમાં, એ લાગતું નથી કે માત્ર મંદિરના પુનર્સ્થાપન અથવા તેના જીવનને લંબાવવાથી તે લાગણીઓ સંતુષ્ટ કરી શકાશે. મૂર્તિની પુનર્સ્થાપના એ સમયની માંગ છે અને હિંદુઓની લાગણી છે.”) *(6)
ગાંધીજી સાથે બેઠક અને જનતાના યોગદાનથી મંદિરનું પુનર્નિર્માણ
વિભાજનનું દર્દ સહન કરી રહેલા કરોડો હિંદુઓની ભગવાન સોમનાથ પ્રત્યેની આસ્થાને હવે સરદાર પટેલની પ્રતિજ્ઞા થકી આકાર મળી રહ્યો હતો અને 13 ડિસેમ્બર, 1947ના રોજ સોમનાથ મંદિરના પુનર્નિર્માણને ભારત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હતી. પરંતુ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આનાથી ખુશ ન હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ હિંદુઓના પવિત્ર સ્થાન સોમનાથ મંદિરના પુનર્નિર્માણ સામેના પોતાના વાંધાઓને લઈને ગાંધીજી સાથે ઘણી બેઠકો કરી. જો કે જવાહરલાલ નહેરુ ખુલ્લેઆમ દેશની જનતાની ભાવનાઓ પર વાંધો વ્યક્ત કરી શકતા ન હતા, માટે તેમણે સૂચન કર્યું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં, જે ધન વ્યય કરાય રહ્યો છે, તે રાજ્યની સંપત્તિ છે, જે ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશને વૈશ્વિક પટલ પર અપમાનિત કરવાનું કામ કરશે. પરંતુ સ્વતંત્રતા બાદ ભારત સરકાર દિલ્હીમાં ક્ષતિગ્રસ્ત અથવા નષ્ટ થયેલી મસ્જિદોના સમારકામ માટે પોતાના બજેટમાંથી નાણાં ખર્ચ કરવા માટે તૈયાર થઈ ગઈ. તેની સાથે રાજ્ય દ્વારા જમીન ફાળવાના રૂપમાં સાંચી અને અન્ય બૌદ્ધ ધાર્મિક સ્થાનોને સહાયતા આપી હતી.
ભારત સરકાર દ્વારા સોમનાથ મંદિરના પુનર્નિર્માણને મંજૂરી અપાયા છતાં, સરદાર પટેલે ગાંધીજીના સૂચન પ્રમાણે નિર્ણય કર્યો કે સરકાર મંદિરના પુનર્નિર્માણમાં નાણાંના રૂપમાં કોઈ યોગદાન નહીં આપે. 25 ડિસેમ્બર, 1947ના રોજ પ્રાંતના મંત્રીમંડળે જૂનાગઢના પ્રશાસનને મંદિરની આસપાસની પુરતી મોટી જગ્યા ફાળવા અનુરોધ કરવાનું નક્કી કર્યું હતું. 23 જાન્યુઆરી, 1949ના રોજ જામનગરમાં જામસાહેબ, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર, જૂનાગઢના વહીવટદાર શામલદાસ ગાંધીની બેઠક યોજાઈ હતી અને તેમાં સરદાર પટેલ તથા એન. વી. ગાડગીલ પણ સામેલ થયા હતા. જેમાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનું નક્કી કરાયું હતું.
18 ઓક્ટોબર, 1949ના રોજ સરદાર પટેલ ટ્રસ્ટના પહેલા ટ્રસ્ટી નોમિનેટ થયા. સૌરાષ્ટ્ર સરકારના પ્રતિનિધિ તરીકે જામસાહેબ અને શામળદાસ ગાંધી, ભારત સરકારના પ્રતિનિધિ તરીકે નિર્માણ, માઈન્સ અને ઊર્જા મંત્રી ગાડગીલ તથા રાજકોટ ખાતેના સૌરાષ્ટ્રના રિઝનલ કમિશનર ડી. વી. રેગે, જનતાના પ્રતિનિધિ તરીકે બ્રિજમોહન બિરલા અને ડૉ. ક. મા. મુંશી ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરાયા. ભવિષ્યના નિધિદાતા માટે બે સ્થાનો ખાલી રખાયા. આ ટ્રસ્ટમાં મંદિર સિવાય સંસ્કૃત યુનિવર્સિટી બનાવવાની વાત પણ સામેલ હતી. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર સત્તાવાર રીતે ટ્રસ્ટી ન હતા, પણ ટ્રસ્ટીથી વધારે હતા, તેઓ માર્ગદર્શન આપતા અને સંમતિ સાધીને તમામ કામગીરીને અમલી બનાવતા હતા. ટ્રસ્ટ બન્યા બાદ સરદાર પટેલે નવાનગરના જામસાહેબને 22 નવેમ્બર, 1949ના રોજ પત્ર દ્વારા સંદેશો મોકલાવીને તેમણે આપેલો એક લાખ રૂપિયાનો ચેક પાછો આપ્યો અને આ રકમ સોમનાથ મંદિર માટે દાન તરીકે આપવાનું લેખિત સૂચન પણ કર્યું હતું.
તેની સાથે તમામ દેશભક્ત ભારતીયોનું સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં યોગદાન રહે તેના માટે સરદાર પટેલે આના થોડા સમય પહેલા સોમનાથ ટ્રસ્ટને દાન આપવાની અપીલ કરી હતી. 1949ના આખર સુધીમાં 25 લાખ રૂપિયાનું દાન એકઠું પણ થઈ ગયુ હતું. ભારતીય વાસ્તુશાસ્ત્ર મુજબ શિવ મંદિરોનું નિર્માણ કરવા માટે જાણીતા શિલ્પકાર પ્રભાશંકર ઓ. સોમપુરાએ, કે જેઓ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરના મુખ્ય સ્થાપ્ત્યકાર ચંદ્રકાંત સોમપુરાના દાદા છે, તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની કામગીરી શરૂ કરી હતી. 19 એપ્રિલ, 1950ના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતના તત્કાલિન મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરે ભૂમિપૂજન કર્યુ હતું.
જામસાહેબે 8 મે, 1950ના રોજ સોમનાથ મંદિરનો શિલાન્યાસ કર્યો. એક ચાંદીનો નંદી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. શિલાન્યાસ વખતે 30 ફુટ ઉંડો ખાડો કરીને તેમાં જરૂરી વસ્તુઓ સાથે મંદિરના પુનર્નિર્માણમાં કોણે કેવી રીતે મદદ કરી તેના લખાણ સાથે એક તાંબાની પ્લેટ પણ રાખવામાં આવી કે જેથી ભવિષ્યમાં આની જાણકારી પ્રાપ્ત થઈ શકે.
ડૉ. ક. મા. મુંશીએ 19 ઓક્ટોબર 1950ના રોજ જૂનું મંદિર ઉતારવા માટેનું અનુષ્ઠાન કર્યું, જે જીર્ણ અને ખંડેર બની ગયું હતું અને મંદિરના પુનરુત્થાનની પ્રતીક્ષા શરૂ થઈ હતી. ડૉ. ક.મા.મુંશીએ લખ્યું છે કે ‘It was perhaps symbolic projection of the unexpressed wish of myriads of hearts of all generations who yearned for Somnath’s resurrection. This national urge was reflected when Sardar with Uncanny insight, saw that we would never genuinely feel that freedom had come, nor develop faith in our future, unless Somnatha was restored.’ (“સોમનાથ મંદિરના પુનરુત્થાન માટે તરસી રહેલી કદાચ તમામ પેઢીઓના અસંખ્ય હ્રદયોની અવ્યક્ત ઈચ્છાનું આ પ્રતીકાત્મક પ્રક્ષેપણ હતું. આ રાષ્ટ્રીય આગ્રહ ત્યારે પ્રતિબિંબિત થયો, જ્યારે સરદાર પટેલે અદભૂત અંતર્દ્રષ્ટિ સાથે અનુભવ્યું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ વગર આપણે ખરેખર સ્વતંત્રતા આવી ગયાનું અનુભવી શકીશું નહીં અથવા આપણા ભવિષ્યમાં વિશ્વાસ વિકસિત થઈ શકશે.”) *(7)
વિરોધ છતાં સોમનાથ મંદિરનું પુનર્નિમાણ આગળ વધ્યું
સરદારનો સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ ભીષ્મની પ્રતિજ્ઞા જેવો લાગી રહ્યો હતો. જનસહયોગથી દાન એકઠું કરવાનો ગાંધીજીનો પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ તત્કાલિન કેન્દ્રીય ખાદ્ય અને કૃષિ મંત્રી ડૉ. કન્હૈયાલાલ માણિકલાલ મુંશીને મંદિર પુનરુદ્ધાર નિર્માણ માટેની સમિતિના અધ્યક્ષ બનાવાયા હતા. આ કામ પહેલેથી જ કઠિન હતું અને તેમાં ડૉ. મુંશીની કઠિનાઈમાં એક પછી એક વધારો થઈ રહ્યો હતો. મંદિરના પુનર્નિર્માણની કામગીરી ચાલી રહી હતી અને વાસ્તુકાર પ્રભાશંકર સોમપુરાએ સૌથી પહેલા સોમનાથ મંદિરના ગર્ભગૃહનું નિર્માણકાર્ય શરૂ કર્યું હતું. પરંતુ ગર્ભગૃહના નિર્માણની કામગીરી પૂર્ણ થાય તેના પહેલા જ 15 ડિસેમ્બર, 1950ના રોજ સરદાર વલ્લભાઈ પટેલનું નિધન થયું. આમ સરદાર પટેલની ગેરહાજરી વચ્ચે ડાબેરી નેતાઓ-બુદ્ધિજીવીઓ દ્વારા મંદિરના પુનનિર્માણનો વિરોધ વધુ તેજ બનવા લાગ્યો હતો. વડાપ્રધાન નહેરુને લાગી રહ્યું હતું કે મંદિર નિર્માણમાં ભાગીદારી તેમની અને તેમની સરકારની ધર્મનિરપેક્ષ છબી માટે પ્રતિકૂળ છે. સરદાર પટેલના નિધન બાદ સરકારની અંદર નહેરુ માટે કોઈ પડકાર બાકી રહ્યો ન હતો. ડૉ. મુંશી એકલા પડી ચુક્યા હતા. કેબિનેટની એક બેઠકમાં નહેરુએ મુંશી દ્વારા સોમનાથ મંદિરના પુનર્નિમાણ સામે અણગમો વ્યક્ત કરીને આને હિંદુ પુનરુત્થાનવાદ ગણાવ્યો હતો. નહેરુના વિરોધ છતાં ક. મા. મુંશીએ સરદાર પટેલની ભીષ્મ પ્રતિજ્ઞા પુરી કરવા માટે પોતાનું તમામ જોર લગાવી દીધું હતું.
સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સામેલ થયા
1951 સુધીમાં સોમનાથ મંદિરનો બેઝ અને ગર્ભગૃહ તૈયાર થઈ ચુક્યા હતા. ડૉ. ક. મા. મુંશીએ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આમંત્રિત કર્યા હતા. નહેરુએ તેમને આ કાર્યક્રમમાં સામેલ નહીં થવાની સલાહ આપી હતી. પણ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લેવાની નહેરુની સલાહને માની નહીં અને તેઓ તેમાં સામેલ થયા હતા. સોમનાથ મંદિરમાં શિવલિંગની સ્થાપના માટેની પ્રાણપ્રતિષ્ઠા માટે આચાર્ય તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રીએ પાંચ દિવસની ધાર્મિક પૂજા વિધિવિધાન અનુસાર કરી હતી.
11 મે, 1951ના રોજ સવારે 9.46 વાગ્યે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પસાદ અને કાકાસાહેબ ગાડગીલ સહીતના મહાનુભાવો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. શિવલિંગની સ્થાપના થતાની સાથે શાંતિ સૂક્તનો પાઠ શરૂ થયો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સુવર્ણશલાકા ઉઠાવી તેની સાથે શ્લોકોની ગુંજ વચ્ચે પ્રાણપ્રતિષ્ઠાની ધાર્મિક ક્રિયા શરૂ થઈ. આ પવિત્ર ઘડીએ પંડિત કેવલાનંદ સરસ્વતીજીએ 108 તીર્થો, ભારતના 12 રાજ્યોની 55 નદીઓ અને વિદેશની 28 નદીઓ, 15 તળાવો અને સાત મહાસાગરોના જળ સાથે શિવલિંગનો અભિષેક કરીને મહાપૂજા કરી હતી. આ સમગ્ર ધાર્મિક વિધિ વચ્ચે મંદિરમાં ઘંટારવ થઈ રહ્યો હતો અને જય સોમનાથના જયઘોષ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. ત્યાં ઉપસ્થિતિ લોકોની અગાથ શ્રદ્ધા અને સમર્પણ આ જયઘોષમાં પડઘાતા હતા. સમુદ્રમાં શણગારેલી નૌકાઓ દ્વારા મંદિરને 21 તોપોની સલામી પણ આપવામાં આવી.
સંદર્ભ:
1.Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. – 99, મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર
2. Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. – 99, મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર
3. Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. – 99, મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર
4. Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. – 100, મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર
5. Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. – 101, મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર
6. Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. – 105,106 મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર
7. Somnath the shrine eternal, K.M.Munshi, bhavan’s book university, fifth edition 2021, page no. –124 મૂળ અંગ્રેજીમાંથી ભાષાંતર


