ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા
નકલી ઘી રાજ્ય કે દેશના કયા શહેર કે ગામમાં નથી મળતું એ સૌથી મોટો પ્રશ્ન છે. સુરત જિલ્લાના ઓલપાડ (Olpad Surat District) ખાતે આવેલી એક ફેક્ટરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી 93 લાખથી વધુની કિંમતનું નકલી ઘી (Duplicate Ghee) અને તેને બનાવવાની સામગ્રી સહિત કુલ 1.18 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઓલપાડ રોડ માસમા ગામે આવેલી હની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી ફેકટરીમાં Team SMC એ દરોડો પાડી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભરતીયા બંધુઓને ઝડપી લઈ ધરપકડ કરી છે. અસલી ઘીના નામે વેપાર કરતા સ્વાસ્થ્યના આ દુશ્મનો કેવી રીતે ઘી બનાવતા હતા એ જાણવા વાંચો અહેવાલ...
દારૂ-જુગાર બાદ SMC ના નકલી ઘીના ઉત્પાદકો પર દરોડા
દારૂ-જુગારના અડ્ડાઓ પર દરોડા પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રથમ વખત નકલી ઘી એટલે કે, નકલી ખાદ્ય પદાર્થ બનાવતી ફેકટરી પર દરોડો પાડ્યો છે. 10 જાન્યુઆરીના રોજ બાતમીના આધારે SMC ના પીએસઆઈ આર. બી. વનારે (R B Vanar PSI) તેમની ટીમ સાથે શ્રીવીર મિલ્ક પ્રોડક્શન પ્લાન્ટ ખાતે રેડ કરી હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોસમા ગામે આવેલા હની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા મિલ્ક પ્રોડક્શન પ્લાન્ટમાં દરોડા દરમિયાન નકલી ઘી અને શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી હતી. જેથી ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ અને FSL ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. સ્થળ પરથી જુદીજુદી બ્રાન્ડના ગાયના નકલી ઘીના 476 ડબ્બા મળી આવ્યા હતા. આ ઉપરાંત પામ ઑઈલ અને ફર્નિશ ઑઈલનો મોટો જથ્થો તેમજ ફેટી એસિડ, એસેન્સ અને કલર મળી આવ્યો હતો. વિજય ડેરી અને ગોકુલ ડેરીના 15 કિ.ગ્રા. વજનના 109 બોક્ષ પણ સ્થળ પરથી મળ્યા હતા. પોલીસે નકલી ઘીનો જથ્થો, રૉ મટિરિયલ્સ તેમજ નકલી ઘી બનાવવા માટે વપરાતી મશીનરી-સાધનો સહિત કુલ 1 કરોડ 17 લાખ 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ઓલપાડ પોલીસ સ્ટેશન (Olpad Police Station) ખાતે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: જીવલેણ ચાઈના દોરીનો મામલો High Court માં આવતા પોલીસને વધુ કેસો કરવા આદેશ છૂટ્યો
ભરતીયા બંધુઓ સામે છેતરપિંડીનો નોંધાયો ગુનો
દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સ્થળ પરથી સમ ખાવા પૂરતું એક ટીંપુ અસલી ઘી મળ્યું નથી. પામ ઑઈલ અને ફર્નિશ ઑઈલમાં એસેન્સ - કલર ભેળવીને રાકેશ ઈશ્વરભાઇ ભરતીયા (Rakesh Bhartiya) અને તેનો સગો ભાઇ ભૂપેશ ભરતીયા (Bhupesh Bhartiya) ગાયનું નકલી ઘી વર્ષોથી બનાવતા હતા. એસએમસીની ટીમએ કબજે કરેલા મુદ્દામાલ અને પ્રાથમિક FSL Report ના આધારે છેતરપિંડી, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ, હાનિકારક ખાદ્ય પદાર્થના વેચાણ, સામૂહિક અપરાધ તેમજ FSS Act ની કલમો હેઠળ ગુનો નોંધી ભરતીયા બંધુઓને ઓલપાડ પોલીસને સોંપ્યા છે.
આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?
રાજસ્થાન અને ગુજરાતમાં ચાલતો હતો કારોબાર
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પોલીસ ટીમને કેટલીક ચોંકાવનારી માહિતી પણ હાથ લાગી છે. રાકેશ ભરતીયા અને ભૂપેશ ભરતીયાની ઑફિસમાંથી Team SMC ને કેટલાંક દસ્તાવેજો હાથ લાગ્યા છે. જેમાં રાજસ્થાનની બાડમેર કોર્ટ (Barmer Court) બનાસકાંઠા જિલ્લાની સિહોરી કોર્ટે (Sihori Court) મોકલેલી નોટિસો અને ઓલપાડ પોલીસે કરેલી જાણવા જોગ નંબર 40/2023 ના દસ્તાવેજો મળ્યા છે. ભરતીયા બંધુઓ વર્ષોથી તંત્રની મીઠીનજર અને મેળાપીપણાથી મહિને કરોડો રૂપિયાનું ગાયનું નકલી ઘી (Duplicate Cow Ghee) બનાવતા હતા.