US-israel V/S Iran War: ઈરાન યુદ્ધ નવા "રક્તબીજ" પેદા કરશે!
. ઈરાનનું ૬૦% સંવર્ધિત યુરેનિયમ ક્યાં છે તેની જાણકારી ન હોવી એ ભવિષ્ય માટે મોટું જોખમ છે
. મધ્યપૂર્વમાં દરેક વખતે જૂના શાસકના અંતે નવા અને વધુ ક્રૂર આતંકી જૂથો પેદા થયા છે
. ઈરાનમાં સર્જાયેલો સત્તાનો શૂન્યાવકાશ માત્ર મધ્ય-પૂર્વ, અમેરિકા અને વિશ્વની શાંતિ માટે જોખમી
આનંદ શુક્લ: ઈઝરાયલ-અમેરિકા (Israel - US) દ્વારા ઓપરેશન રોરિંગ લાયન (Operation Roaring Lion) અને એપિક ફ્યૂરી (Operation Epic Fury) હેઠળ ઈરાન (Iran) પર ભીષણ હુમલા કરીને તેના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખુમેનેઈ (Ayatullah Ali Khamenei) સહીત 50થી વધુ ટોચના મંત્રીઓ અને અધિકારીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ ઈરાન પર 900થી વધુ હવાઈ હુમલા થયા છે. આવા સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે અમેરિકા-ઈઝરાયલ (US- Israel) ઈરાન (Iran) સામે યુદ્ધ જીતી ગયા છે કે જીતી રહ્યા છે. પરંતુ જીતની ઉજવણી હજી વહેલી ગણાશે.
આ સંયુક્ત કાર્યવાહીથી શિયા મુસ્લિમ દેશ ઈરાન નિશ્ચિતપણે ભયાનક રીતે ઘવાયો છે. પરંતુ હજી સુધી તેની સત્તાનું માળખું ધ્વસ્ત થયું નથી. ઈરાનના લોકોમાં ખુમેનેઈના સત્તાના માળખાનો ખોફ યથાવત છે. ઈઝરાયલ અને અમેરિકા બંને ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોવા જોઈએ, તેવા ટાર્ગેટ સાથે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: Israel US Iran War: સુન્ની મુસ્લિમ દેશોની શિયા ઈરાન સાથે ગદ્દારી, યહૂદી ઈઝરાયલના બન્યા 'રક્ષક' !
ઈઝરાયલ માટે તો અસ્તિત્વનો સવાલ છે કે ઈરાનના પરમાણુ હથિયારો તેની સામે ઉપયોગ કરવામાં આવે તેવી તેને સતત ભીતિ હતી. પરંતુ અમેરિકા સુધી ઈરાનની એકપણ મિસાઈલ પહોંચી શકે તેમ નથી. આ સિવાય ઈરાન પાસે 60 ટકા સંવર્ધિત યૂરેનિયમ છે. પરમાણુ હથિયાર બનાવવા માટે 90 ટકા સંવર્ધિત યૂરેનિયમ (Uranium) જરૂરી છે. વળી ગત વર્ષ જૂનમાં 12 દિવસ ચાલેલા યુદ્ધમાં દાવો કરાયો હતો કે ઈરાનની પરમાણુ સુવિધાઓને નષ્ટ કરવામાં આવી છે. જો આ સાચું હોય તો અત્યારે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવાની શક્યતા નથી. પરંતુ ઈરાનનું સેંકડો કિલોગ્રામ 60 ટકા સંવર્ધિત યૂરેનિયમ ક્યાં છે? તેની કોઈ જાણકારી હજી સુધી સામે આવી નથી.
આમ ઈઝરાયલ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહીના ઘણાં બધાં સૈન્ય લક્ષ્યાંકો હજી બાકી છે. આવા સંજોગામાં ખુમેનેઈના મોતને જીત માનીને જશ્ન મનાવવો ઘણું વહેલું છે.
હાલ મધ્યપૂર્વ (Middle- East) માં સમીકરણોને ફરીથી આકાર અપાઈ રહ્યો છે. ઈરાન યુદ્ધ બાદ આવા નવા સમીકરણો ખાડી દેશોમાં જોવા મળી શકે છે. પરંતુ અમેરિકાની ભૂતકાળની મધ્યપૂર્વ ખાતેની કાર્યવાહીઓમાં દર વખતે નવા રક્તબીજ (Raktabeej) જેવા રાક્ષસી તત્વોનો જન્મ પણ થયો છે. આ વાતને નજરઅંદાજ કરવી બેહદ ખતરનાક છે. આનાથી વૈશ્વિક શાંતિ ખરેખર ખતરામાં આવી શકે છે.
આ પણ વાંચો: US Israel Iran War: ઈરાનની Mosaic રણનીતિ, 4 દિવસના યુદ્ધમાં જ હાંફવા લાગ્યા ટ્રમ્પ!
1982માં Lebanon પર હુમલો
1982માં અમેરિકાના સમર્થનથી ઈઝરાયલે લેબનોન પર હુમલો કર્યો હતો. અમેરિકાની સૈન્ય તેનાતીને કારણે PLO એટલે પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (Palestine Liberation Organization) ને હટાવવામાં આવ્યું. પરંતુ તેના કારણે હિઝબુલ્લાહનું સર્જન થયું અને ઈરાનનો પ્રભાવ અહીં વિસ્તર્યો.
1991માં Kuwait ની મુક્તિ
1991માં ઈરાકના તત્કાલિન તાનાશાહ સદ્દામ હુસૈને (Saddam Hussain) કુવૈત પર કબજો કર્યો હતો. કુવૈતને અમેરિકાએ હસ્તક્ષેપ કરીને ઈરાકના સદ્દામ હુસૈનથી મુક્તિ અપાવી હતી અને સોવિયત સંઘના વિખંડન બાદની દુનિયામાં તે એકમાત્ર મહાસત્તા હોવાનો ડંકો પણ વગાડયો હતો. પરંતુ એક જ દાયકામાં અલકાયદાનો જેવા આતંકી સંગઠન અહીંથી પાંગરવા લાગ્યા અને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર મહાભીષણ આતંકી હુમલો અલકાયદાના આતંકીઓએ કર્યો હતો. તેના પછી અમેરિકામાં લોકો પર સર્વિલાન્સમાં પણ વધારો થયો અને લોકોની નાગરિક સ્વતંત્રતા પર પણ કાપ આવ્યો.
ઓસ્લો કરાર (Oslo Accords)
1990-91ના ખાડી યુદ્ધે પ્રાદેશિક સમીકરણો પણ બદલ્યા. જેના કારણે અમેરિકાના નેતૃત્વ હેઠળ ઓસ્લો એકોર્ડ્સ અને શાંતિ પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં આખરી ફાયદો ઈરાન સમર્થિત હમાસ અને ઈઝરાયલની જમણેરી રાજકીય શક્તિઓને આનો ફાયદો થયો. આની મધ્ય-પૂર્વમાં શાંતિની સંભાવનાઓને ધુંધળી કરવામાં સૌથી મોટી ભૂમિકા છે.
2003નું Iraq પરનું આક્રમણ
2003માં ઈરાક પર આક્રમણ કરીને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન (Weapons of MassDistruction) ના નામે તાનાશાહ સદ્દામ હુસૈનને પદભ્રષ્ટ કરીને થોડા સમયમાં તેને પકડીને ફાંસી આપવામાં આવી હતી. ઈરાકમાં સત્તાના અવકાશમાં અહીં પાંગરેલા અલકાયદામાંથી જ ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાક એટલે કે આઈએસઆઈએસનો ઉદય અને પ્રભાવ વધ્યો હતો. તેના કારણે સીરિયા, ઈરાક સહીતના મધ્યપૂર્વના ઘણાં મોટાભાગમાં અશાંતિ, અસ્થિરતા અને અરાજકતાની સ્થિતિ વચ્ચે સતત હિંસાચાર થયો. આ ઘટનાક્રમનો અમેરિકાના રાજકારણ સાથે પણ ત્યારે સંબંધ આવ્યો કે જ્યારે 2016માં અમેરિકામાં જમણેરી ઉભારે ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પહેલી ટર્મમાં જીત અપાવી હતી. આ ચૂંટણીમાં અમેરિકામાં ઈસ્લામિક આતંકી જૂથ આઈએસઆઈએસના ખતરાનો મુદ્દો એક અલગ જ પ્રભાવ ધરાવતો હતો.
આ પણ વાંચો: US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!
7 ઓક્ટોબર, 2023નો Israel પર આતંકી હુમલો
7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર હમાસના આતંકીઓએ કરેલા આતંકી હુમલામાં 1200થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને ઘણી ઈઝરાયલી મહિલાઓ અને પુરુષોના આતંકીઓએ અપહરણ કર્યા હતા. તેના પછી ઈઝરાયલ દ્વારા હમાસ (Hamas) સામે ગાઝા પટ્ટી (Gaza Strip) અને વેસ્ટબેંકમાં સૈન્ય કાર્યવાહી કરાઈ હતી. ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડન દ્વારા ઈઝાયલને શસ્ત્રો પુરા પાડવામાં આવ્યા હતા. આની પાછળનો ઉદેશ્ય વિશ્વના ઉદારવાદી આંતરરાષ્ટ્રીય માપદંડોને જાળવવાનો હોવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીને ધ્વસ્ત કરવામાં આવી અને 70 હજારથી એક લાખ લોકોના મોત નીપજ્યા. આ તમામ ઘટનાક્રમોમાં ફરી એકવાર અમેરિકામાં જમણેરી ઉભારે ટ્રમ્પને બીજી ટર્મમાં કટોકટ જીત અપાવી અને વ્હાઈટ હાઉસમાં તેમની બીજી ઈનિંગ પણ શરૂ થઈ છે.
આમ ઈતિહાસ જણાવે છે કે મધ્યપૂર્વમાં લડાઈ-ઘર્ષણ કે યુદ્ધમાં અમેરિકાના નેતૃત્વને કારણે દુષ્પરિણામો અપવાદ નહીં પણ સિદ્ધાંત તરીકે સામે આવ્યા છે. આવા જ એક યુદ્ધની આગલી કડી ઈરાન યુદ્ધને કારણે રાજકીય-કૂટનીતિક ભૂકંપની સ્થિતિ છે અને તેના આફ્ટરશોક્સ ઘણાં અવાંછિત અને ખતરનાક રહેશે તેવું જાણકારો હાલ માની રહ્યા છે.
આ પણ વાંચો: Quake in Iran: શું પરમાણુ પરીક્ષણને કારણે ઈરાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો? સો. મીડિયામાં ચર્ચા


