Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

સોમનાથ મંદિર તોડનારા મહમૂદ ગઝનવીના તિલક અને સુંદર નામના હિંદુ સેનાપતિઓ હતા!

સોમનાથ મંદિર તોડનાર મહમૂદ ગઝનવીના સૈન્યમાં તિલક અને સુંદર નામના પરાક્રમી હિંદુ સેનાપતિઓ હતા. ઐતિહાસિક તથ્યો મુજબ, ગજનીમાં તે સમયે હિંદુઓની મોટી વસ્તી હતી અને ગઝનવીએ વિદ્રોહી મુસ્લિમ સરદારોને ડામવા માટે હિંદુ સૈનિકોનો ઉપયોગ કર્યો હતો. કાબુલના પૂર્વ રાજવંશ સાથે સંકળાયેલા આ હિંદુ સરદારો સૈન્યમાં ઉચ્ચ હોદ્દા પર હતા.
સોમનાથ મંદિર તોડનારા મહમૂદ ગઝનવીના તિલક અને સુંદર નામના હિંદુ સેનાપતિઓ હતા
Advertisement

. મહમૂદના શાસનકાળ વખતે ગજનીમાં હિંદુઓની મોટી વસ્તી હતી
. મહમૂદના સૈન્યમાં હિંદુ સેનાપતિઓ અને હિંદુ સૈનિકો હતા
.મહમૂદ હિંદુ સેનાપતિ-સૈનિકોને મુસ્લિમ વિદ્રોહી સરદારો સામે લડાઈમાં મોકલતો

આનંદ શુક્લ: હિંદુ કે બૌદ્ધ પૂર્વજો ધરાવતા સબક્તગીનના પુત્ર મહમૂદ ગઝનવીએ ખલીફાને આપેલા વાયદા મુજબ, બિનમુસ્લિમ એવા હિંદુઓના પ્રદેશ ભારત પર 17 આક્રમણો કર્યા હતા અને લૂંટફાટ કરી હતી.

Advertisement

પણ આશ્ચર્ય એ વાતનું છે કે મહમૂદ ગઝનવીના સમયમાં ગજનીમાં હિંદુઓની મોટી વસ્તી હતી અને તે વેપાર તથા સૈન્યમાં અગ્રસ્થાને હતા.

Advertisement

તારીખે સબક્તગીન, બઈહાકીને ટાંકીને 'પ્રભાસ અને સોમનાથ' (લે. શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન-1965) પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક-156 મુજબ, વિદેશોમાં વિજય પતાકા ફરકાવનાર મહમૂદ તેમને (હિંદુઓને) કાંઈ કરી શક્યો નહીં, ઉલ્ટાના તેણે તેના આગેવાનોને મોટા મોટા હોદ્દાઓ આપેલા અને તેમના દ્વારા તેમના પાડોશી અમીરોના પ્રદેશો પ્રાપ્ત કરેલા, બલ્ખના અમીર ઈલાકખાન ઉપર મહમૂદે મોકલેલા સૈન્યમાં હિંદુઓ જ હતા.

મહમૂદ ગઝનવીની સેનામાં સમાઓ અને ભટ્ટીઓનું પ્રાબલ્ય પણ વિશેષ પ્રમાણમાં હતું અને મહમૂદે તેમનો સહકાર અને સેવાઓ પણ મેળવેલા. મહમૂદના હસ્તિદળનો સેનાપતિ હિંદુ હતો અને દરેક હસ્તિપાલ પણ હિંદુ હતા.

મહમૂદના સેનાપતિ તિલક-સુંદર

કાબુલના ભૂતપૂર્વ કાટોર રાજવંશનો અંત આવ્યો હતો, છતાં તેના સૈન્ય અને સરદારોનો પ્રભાવ હતો. તેઓનો મુખ્ય સરદાર તિલક નામનો હિંદુ હતો. તિલક આમ તો હજામનો પુત્ર હતો, પરંતુ રૂપાળો, બહાદૂર અને વાચાળ હતો. તે હિંદી અને ફારસી સરળતાથી બોલી શકતો હતો. તેણે કાશ્મીરમાં રહી મેલી વિદ્યા-તંત્ર-મંત્ર વગેરેનો અભ્યાસ કર્યાનો પણ પ્રભાસ અને સોમનાથ પુસ્તકમાં ઉલ્લેખ છે.

કાઝી શિરાઝ અબુ અલ હસને તેનાથી ખુશ થઈને તેને પોતાની પાસે રાખ્યો હતો. તિલક એકવાર ગજનીના મુખ્યમંત્રી ખ્વાજા અહમદ હસન પાસે પહોંચી ગયો અને તેનો પ્રિય પણ બની ગયો. તે ખ્વાજા અહમદ હસનનો રહસ્ય સચિવ પણ બન્યો અને ભારતીય રાજાઓ તથા પ્રજાજનોનો દુભાષિયો પણ બન્યો. તિલકે જ કાટોર રાજાના સૈનિકોને મહમૂદના સૈન્યમાં દાખલ કરાવ્યા હતા.

તિલકનો જોડીદાર સુંદર નામનો હિંદુ સરદાર હતો અને તેને તથા તિલકને મહમૂદે પોતાના સૈન્યમાં ઉંચા હોદ્દા આપ્યા હતા. તિલકને તેના મહાલય પર ચોઘડિયાં વગાડવાની રજા આપીને તેનું બહુમાન પણ કરાયું હતું.

અહમદ ન્યાલતીગીન નામના બળવાખોર સામે તિલક તેના હિંદુ સૈનિકોની સેના લઈને લડયો હતો. અહમદ ભાગી ગયો અને જાટોએ તેનું માથું કાપીને તિલકને એક લાખ દીરમમાં વેચ્યું હતું. તિલકે અહમદના મુસ્લિમ સાથીદારોના હાથ કાપી નાખવાની સજા પણ આપી હતી.

'પ્રભાસ અને સોમનાથ' (લે. શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન-1965) પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક 157ના ઉલ્લેખ મુજબ, "એ રીતે મહમૂદે હિંદુઓની સંસ્કૃતિ, ધર્મ, સભ્યતા અને સત્તાને નાશ કરવા પરિશ્રમ કર્યા છતાં તેના સૈન્યમાં હિંદુ સરદારો તથા સૈનિકોને રાખવા પડયા અને તેઓ પેટ ખાતર મુસ્લિમોના જૂલ્મોમાંથી બચવા ખાતર કે પ્રભુ જાણે શા માટે તેના દાસ થઈને રહ્યા. મહમૂદે તેનો ઉપયોગ તેના સહધર્મીઓ સામેના યુદ્ધોમાં કરવા માટે અથવા તેમના તરફથી વિદ્રોહનો ભય ન રહે તે માટે તેમને ઉંચા સ્થાન આપી નિભાવ્યા અને તેઓ મહમૂદના નિર્દય અને ઘાતકી કૃત્યો, તેમના ધર્મ બાંધવોની હત્યા અને તેમના ધર્મસ્થાનોના નાશ મૂંગા મૂંગા જોયા કર્યા."

આ પણ વાંચો:સરદાર પટેલે સમુદ્રની અંજલિ લઈને કરી ભીષ્મ પ્રતિજ્ઞા, નહેરુના વિરોધ વચ્ચે થયું સોમનાથ મંદિરનું પુનર્નિમાણ

Tags :
Advertisement

.

×