Geopolitics 2026: વૈશ્વિક જંગલરાજના સરતાજ બનવાની Trump ની મહત્વકાંક્ષામાં પંક્ચર પાડશે અમેરિકાનો 'ભસ્માસુર'!
. ટ્રમ્પ (Trump) યુગ વૈશ્વિક વ્યવસ્થાનો અંત
. China ના ઉદય પાછળ US ની વ્યૂહાત્મક ભૂલ જવાબદાર
. અમેરિકાના ટ્રમ્પની જોહુકમી રોકવાની ચીન પાસે છે શક્તિ
. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નૈતિકતાના પતન વચ્ચે રાષ્ટ્રહિત સર્વોપરિનો ભારત માટે ચેતવણીરૂપ સંકેત
. અમેરિકાની આંતરિક લોકશાહી અને ટ્રમ્પની નિરંકુશ વિદેશ નીતિ વચ્ચે પણ બનવા લાગી છે ટકરાવની સ્થિતિ
આનંદ શુક્લ : ભારતીય ચિંતન કહે છે કે માણસ અને પશુમાં અંતર માત્ર ધર્મનું છે. ધર્મ એટલે કોઈ પૂજાપદ્ધતિ સુધી સીમિત અર્થ નહીં. પણ ધર્મ એટલે મૂલ્યો, નૈતિકતા, આચાર-વિચાર, નિયમ-સિદ્ધાંતો સાથેની જીવન શૈલી અને વિશ્વનું કલ્યાણ કરવાની ઉદ્દાત ભાવના.
ટ્રમ્પ (Trump) ની જગત જમાદારી
પણ હાલ વિશ્વમાં જે પ્રકારે અસ્થિરતા અશાંતિનું રૂપ લઈ રહી છે, તેવા સંજોગોમાં વૈશ્વિક વ્યવસ્થા કે વર્લ્ડ ઓર્ડર જેવા શબ્દોમાં હવે કોઈ દમ દેખાઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડોનરો સિદ્ધાંત અને વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્નીના અપહરણ કરીને પોતાના દેશની કોર્ટમાં તેમના પર કેસ ચલાવવા જેવી બાબતો હવે આવા વર્લ્ડ ઓર્ડરને એક ભ્રમમાં પરિવર્તિત કરી ચુકી છે.
અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર પરમાણુ સમજૂતીનું દબાણ કરી રહ્યા છે અને અમેરિકાનો નૌસૈન્ય કાફલો યુએસએસ અબ્રાહમ લિંકન ઓમાન અને હર્બુજની ખાડીની નજીક છે અને કોઈપણ સમયે હુમલો કરવા માટે આદેશની રાહ જોઈ રહ્યો છે.
20 જાન્યુઆરીએ ટ્રમ્પે પોતાના સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ નિર્મિત એક વિવાદીત તસવીર શેયર કરી હતી અને તેમાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાનો વિસ્તાર ગણાવાયો છે. આ તસવીર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયની હતી અને તેમાં ટોચના યૂરોપિયન નેતાઓ પણ હાજર હતા. આ તસવીર શેયર કર્યાના કેટલાક દિવસ પહેલા 8 જાન્યુઆરીએ, અમેરિકાના અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે મારે કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાઓની જરૂરત નથી, મારી શક્તિની સીમા માત્ર મારી નૈતિકતા છે.
આ પણ વાંચો: Gangster Imperialism: ટ્રમ્પ અમેરિકાના 'કિમ જોંગ ઉન'? ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા!
રશિયા (Russia) અને યુક્રેન (Ucraine) યુદ્ધને બંધ કરાવવા માટે શાંતિ સમજૂતી માટે ટ્રમ્પ પુતિન (Putin) ને મળી ચુક્યા છે અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે 'કભી ખુશી કભી ગમ'ની અદાઓવાળી મુલાકાતો પણ કરી ચુક્યા છે. પણ હજી સુધી તેમને આમા કોઈ સફળતા મળી નથી.
આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે
7થી 8 દેશોની વચ્ચેના યુદ્ધો રોકવાનો દાવો કરીને ટ્રમ્પ નોબલ શાંતિ પુરસ્કાર પર પણ દાવો કરી ચુક્યા છે. પણ તે તેમને આપવામાં આવ્યો નથી. અમેરિકા આર્થિક અને સૈન્ય દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી મહાસત્તા છે. આમા કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ તેની મહાસત્તા તરીકેના વર્ચસ્વને ચીન-રશિયા પડકારી રહ્યા છે. તો ઈરાને (Iran) પણ વળતા ઘૂરકિયાં કરીને ખબર પાડી દેવા જેવી શબ્દાવલિનો ઉપયોગ કરીને ટ્રમ્પને સાવધાન કર્યા છે. ટ્રમ્પની જીદ વિશ્વને એક મોટી મુસીબત સંભવત્ વિશ્વ યુદ્ધ કે તેના જેવી પરિસ્થિતિથી લઈને પરમાણુ હુમલા જેવી ગંભીર બાબતો તરફ દોરી જાય તો માનવતાને મોટું નુકશાન થશે, પૃથ્વીને પણ આના દુષ્પરિણામો ભોગવવા પડશે.
યૂરોપિયન સામ્રાજ્યવાદીઓ કરતા પણ ટ્રમ્પની મહત્વકાંક્ષા વધુ જોખમી!
1492માં સ્પેનના ખ્રિસ્તી રાજા માટે ઈટાલિયન ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી. તેના પછી યૂરોપિયન સામ્રાજ્યવાદી શક્તિઓની પકડમાં અમેરિકાના સ્થાનિકો કે જેમણે કોલંબસનું સ્વાગત કર્યું હતું, તેમની સંસ્કૃતિ અને સભ્યતાને અમેરિકાના સંગ્રહાલય સુધી જ આવી સામ્રાજ્યવાદી શક્તિઓએ મર્યાદીત કરી દીધી છે. અમેરિકાએ આ યૂરોપિયન સામ્રાજ્યવાદી શક્તિઓના નિયંત્રણ સામે વિરોધ કરીને પોતાનું અસ્તિત્વ કંડાર્યું છે. પણ આજે આ જ અમેરિકામાં ટ્રમ્પના નેતૃત્વમાં વૈશ્વિક જંગલરાજની વ્યવસ્થા તરફ લઈ જનારો ગુંડાશાહી જેવો સામ્રાજ્યવાદ ભવિષ્યના ગર્ભમાં ઉછરતો જોઈને યૂરોપની ભૂતપૂર્વ સામ્રાજ્યવાદી શક્તિઓ પણ થથરી ઉઠી છે.
આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે
ટ્રમ્પની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષાઓ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદથી લઈને પશ્ચિમી ગોળાર્ધ પર અમેરિકાના વર્ચસ્વ સુધી વિસ્તરી ચુકી છે. આજે પણ કેરેબિયન ક્ષેત્રથી લઈને હિંદ મહાસાગરના ઘમાં ક્ષેત્રોમાં પોતાનું પ્રશાસન ચલાવી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંએ દાવોસના વિશ્વ આર્થિક મંચ પર ટ્ર્મ્પને ઘેરતા કહ્યુ હતુ કે આ નવા સામ્રાજ્યવાદનો સમય નથી. ફ્રાંસના તાબા હેટળ આજે પણ દુનિયાના સૌથી વધુ 12 કે 13 ટાઈમઝોનમાં પ્રસરતા વિસ્તારો છે. અલ્જીરિયાને ફ્રાંસના શાસન વિરુદ્ધના સ્વતંત્રતાસંગ્રામમાં 1954થી 1962 વચ્ચે અંદાજે 15 લાખ લોકોના જીવનની આહૂતિ આપવી પડી હતી.
પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં જે જર્મનીની પ્રતિનાયકની ભૂમિકા હતી, તેના બીજા વિશ્વયુદ્ધ બાદ ટુકડા થયા અને પછી પૂર્વ-પશ્ચિમ જર્મની એક થયા અને હવે તેના નાણાં મંત્રીએ ચેતવણી આપી છે કે તેઓ ટ્રમ્પના દબાણમાં ઝુકશે નહીં. ટ્રમ્પના ટેરિફથી અમેરિકાના 250 વર્ષ જૂના સહયોગી દેશો પણ હવે પીડિત છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ વૈશ્વિક વ્યવસ્થાને સુખદ ભ્રમનો અંત ગણાવીને કૂટનીતિક વિશ્વની સચ્ચાઈ દુનિયાની સામે મૂકી દીધી છે. કેનેડાને પણ ટ્રમ્પ અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માંગતા હોવાની પણ ખાસી ચર્ચા છે. પણ અહીં સામ્રાજ્યવાદના ખેલાડી રહી ચુકેલા યૂરોપના દેશો પણ ટ્રમ્પ સ્ટાઈલના અમેરિકન સામ્રાજ્યવાદથી ખળભળી ઉઠયા છે. મતલબ કે આ વૈશ્વિક જંગલરાજ એક મોટી અવ્યવસ્થા, અશાંતિ અને અરાજકતા તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?
અમેરિકાનો ઉભો કરેલો 'ભસ્માસુર'
અમેરિકાને હાલ વિશ્વમાં પડકારી શકે તેવી આર્થિક અને સૈન્ય શક્તિ માત્ર ચીન પાસે છે, તેવું ઘણાં જાણકારો માની રહ્યા છે. આની પાછળ પણ કારણભૂત અમેરિકાની વ્યૂહાત્મક ભૂલ છે. અમેરિકાએ જ વિસ્તારવાદી ચીનના વૈશ્વિક ઉદયનો માર્ગ 1990માં વ્યાપાર સમજૂતી અને 2001માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પ્રવેશ અપાવીને ચીનના ઉત્પાદનોને વૈશ્વિક કેન્દ્ર બનાવી દીધા. તે સમયે ચીનની જીડીપી 1.2 ટ્રિલિયન ડોલર હતી, જ્યારે અમેરિકાની જીડીપી 10.3 ટ્રિલિયન હતી.
આજે ચીનની ઈકોનોમી 19.5 ટ્રિલિયન ડોલરની છે અને તે અમેરિકાની ઈકોનોમી 28થી 29 ટ્રિલિયન ડોલરની વચ્ચે છે. જો કે બંને વચ્ચેનો તફાવત હજીપણ 9થી 10 ટ્રિલિયન ડોલર વચ્ચેનો છે.
આ પણ વાંચો: પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?
ચીને તિબેટ જેવા સ્વતંત્ર દેશ પર 1949-50 દરમિયાન જ કબજો કરી લીધો. ભારત સહીતના ચીનની સીમાને સ્પર્શતા કે નજીકના દેશો સાથે તેનો જમીન કે સમુદ્રી સરહદી વિવાદ ચાલી રહ્યો છે અને તેની દૂષિત કર્જ નીતિ શ્રીલંકા જેવા દેશોને તબાહ કરી ચુકી છે.
અમેરિકાએ પણ દશકાઓ સુધી પોતાની શક્તિનો બેફામપણે ઉપયોગ કર્યો છે. વિયતનામમાં વિધ્વંસ છતાં કારમી હાર તેના સૈન્ય ઈતિહાસનું કલંકિત પૃષ્ઠ છે. જ્યારે ઈરાકમાં સામુહિક નરસંહારના હથિયારોના નામે બે વખતના હુમલા અને સદ્દામ હુસૈનનો અંત, વેનેઝુએલાની તાજેતરની કાર્યવાહી આના ઉદાહરણ છે. અફઘાનિસ્તાન એક સ્પેશયલ કેસ છે. જેમાં 1980ના દાયકામાં સોવિયત સેનાઓ સામે લડવા પાકિસ્તાનના જનરલ ઝીયા ઉલ હક સાથે મળીને અમેરિકાના બદમાશ વ્યૂહરચનાકારોએ મજહબી વિચારધારાત્મક હથિયાર તરીકે ગ્લોબલ જેહાદ નેટવર્કનો ઉપયોગ કર્યો અને સોવિયત સંઘની અહીં હારથી માંડીને તેના વિખંડન સુધીની કૂટનીતિક-સૈન્ય રમતો કરી.
અફઘાનિસ્તાનની કહાની અહીં જ પુરી થતી નથી. અમેરિકાએ પાકિસ્તાનની મદદથી ઉભું કરેલું આઈડિયોલોજિકલ વેપન 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાનું કારણ બન્યું. તેના પછી આ આઈડિયોલોજિકલ વેપન વિશ્વમાં આતંકવાદનું કારણ બની ચુક્યું છે. અફઘાનિસ્તાનમાં જેમનો સોવિયત રશિયા સામે ઉપયોગ કર્યો હતો તેવા આઈડિયોલોજિકલ વેપન સમાન સંગઠનોના નવા સ્વરૂપો સામે અમેરિકાને 18 વર્ષ લાંબી લડાઈ લડવી પડી અને તેમાં પણ આવા ગ્લોબલ જેહાદી તત્વોના પ્રતિનિધિ એવા તાલિબાનો સાથે સમજૂતી કરીને હથિયારો મૂકીને અમેરિકાની સેનાઓને ત્યાંથી નીકળી જવું પડયું. અફઘાનિસ્તાનની અસ્થિરતા માત્ર પ્રાદેશિક સ્તરે જ વ્યૂહાત્મક પડકાર નથી, પણ આખી દુનિયા સામે એક મોટો રણનીતિક ખતરો છે.
આ પણ વાંચો: Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક
એક રાહતની વાત એ છે કે અમેરિકામાં લોકશાહી છે અને ચૂંટણી થાય છે- અદાલતો છે, તેથી તેમાં સુધારો થવાની સંભાવના વધારે છે. પરંતુ ચીનમાં આવું કંઈ નથી. ત્યાં સત્તા કેન્દ્રીકૃત છે અને વન પાર્ટી સિસ્ટમ છે. વિરોધ-અસંમતિઓને ચીનમાં કોઈ સ્થાન નથી. તેના કારણે ચીનનો ઉદય વધારે ચિંતાજનક છે. હવે અમેરિકાએ ઉભો કરેલો ચીનનો ભસ્માસુર તેના જ માથા પર હાથ મૂકવા માટે કૂટનીતિક-રણનીતિક-સૈન્ય રાહે સક્રિય છે. અમેરિકાના વ્યૂહરચનાકારો પણ આનાથી અજાણ હોઈ શકે નહીં.
China’s deployment of advanced stealth destroyers near the Iranian coast is far from a routine drill. Rather, it stands as a direct challenge to the United States and its forces, which have been threatening war against Iran.
The vessel featured in the attached video is a Chinese… pic.twitter.com/WTVxWGcvqM— IntelSky (@Intel_Sky) February 1, 2026
શક્તિના વર્ચસ્વનો ખેલ સંતુલન સુધી બનશે ખતરનાક
શક્તિનો આ ખેલ વર્ચસ્વ સ્થાપનાથી સંતુલન સુધીના સમયગાળા દરમિયાન ઘણો કઠોર રહેવાનો છે. ભારત માટે સમર્પણ નહીં કરવાનો બિલકુલ સ્પષ્ટ સંદેશ છે. કૂટનીતિક ચાસણીમાં ડૂબેલા શબ્દો ભરોસાને લાયક નથી. આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિ ભાવનાઓથી નહીં, હિતો અને શક્તિથી ચાલે છે, તેને સમજવાની જરૂર છે. સમરથ કો નાહી દોષ ગુંસાઈ... આ વૈશ્વિક સચ્ચાઈ છે. નબળાઓની નૈતિકતા ઉપદેશ બની જાય છે અને સબળાઓની નૈતિકતા નિયમ બની જાય છે. આ વાત મારી શેરીથી માંડીને વૈશ્વિક કૂટનીતિ-સૈન્યનીતિના વર્તુળોમાં સાચી સાબિત થઈ રહી છે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જગત જમાદારી આનું સૌથી મોટું પ્રતીક બની ચુકી છે.
One year of President Trump and Secretary Hegseth: pic.twitter.com/93i8eOiHzT
— Department of War 🇺🇸 (@DeptofWar) January 20, 2026
આ પણ વાંચો: અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે


