અંબાજી મંદિરે આજથી બે મંગળા આરતીનો પ્રારંભ, આઠમ સુધી ચાલુ રહેશે
- અંબાજી મંદિરમાં બે મંગળા આરતીનો પ્રારંભ
- ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી શક્તિપીઠમાં વિશેષ આરતી
- બીજા નોરતાથી આઠમ સુધી અંબાજી મંદિરમાં બે મંગળા આરતી
Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ચૈત્રી નવરાત્રી પર્વ હાલમાં ચાલી રહ્યો છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવ્યું હતું. સરસ્વતી નદીના જળ લાવીને વિવિધ અનાજ સાથે ઝવેરા વિધિ યોજાઈ હતી. આજે બીજું નોરતું હોઈ અંબાજી મંદિરમાં સવારે બે મંગળા આરતી કરવામાં આવી.
બીજા નોરતાથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં બીજા નોરતાથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર જ્યારે બીજી આરતી ઘટસ્થાપના પાસે થાય છે. અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખ ધરાવે છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રી પર્વમાં દેશ વિદેશમાંથી માતાજીના દર્શન કરવા પહોંચે છે. અંબાજી મંદિરમાં ફૂલોનો પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી પણ શણગારવામાં આવ્યું છે.
બે મંગળા આરતીથી વિશેષ ઓળખ ધરાવે છે
ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી પર્વ દરમિયાન બીજા નોરતાથી આઠમ સુધી શક્તિપીઠ અંબાજી મંદિરમાં વહેલી સવારે બે મંગળા આરતી વર્ષોથી કરવામાં આવે છે. ગર્ભગૃહની અંદર આરતી પૂર્ણ થયા બાદ બીજી આરતી ઘટ સ્થાપના પાસે ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાતા હોય છે.
સતત બીજા દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ
પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા, આજે બીજા નોરતે પણ વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં રેલિંગમાં ઉભેલા જોવા મળ્યા હતા. લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા અને મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું.
સાત નંબર ગેટથી માત્ર સ્થાનિકોને જ પ્રવેશ
પ્રથમ નોરતે ભારે ભીડ રહેવાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા ગેટ નંબર સાતથી માત્ર સ્થાનિક લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, તેવું સૂચન બોર્ડ આજે લગાવવામાં આવ્યું છે. સાત નંબર ગેટથી બહારના યાત્રિકો મોટી સંખ્યામાં જતા હોવાથી અવ્યવસ્થા સર્જાતી હતી એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિકો માટે સાત નંબર ગેટ પર બોર્ડ લગાવેલ છે.
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત,અંબાજી
આ પણ વાંચો : Ambaji : ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર