Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Casteism: વાત ભારતને એક કરવાની હતી, પણ જ્ઞાતિઓ એક થવાના નામે સામસામે !

ભારતમાં રાષ્ટ્રીય એકતા સામે જાતિવાદ ફરી એકવાર પડકાર બનીને ઉભર્યો છે. ભૂતપૂર્વ અધિકારી અલંકાર અગ્નિહોત્રીએ SC-ST એક્ટના વિરોધમાં દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અધિકારીઓ અને નેતાઓ દ્વારા જાતિગત નિવેદનોની હોડ જામી છે. લેખક ચેતવણી આપે છે કે ચૂંટણીલક્ષી સ્વાર્થ માટે જાતિઓને સામસામે લડાવવાની આ પ્રવૃત્તિ ભારતીય બંધારણની મૂળ ભાવના અને દેશની અખંડિતતા માટે જોખમી છે
casteism  વાત ભારતને એક કરવાની હતી  પણ જ્ઞાતિઓ એક થવાના નામે સામસામે
Advertisement

. જાતિવાદ (Casteism) નો નવો ચક્રવ્યૂહ ઉત્તરપ્રદેશથી લઈ રહ્યો છે આકાર
. SC-ST એક્ટને સમાપ્ત કરવાની માગણી સાથેનું અલ્ટીમેટમ
.  બરેલીના પૂર્વ સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રી (Alankar Agnihotri) નું દિલ્હી કૂચનું અલ્ટીમેટમ

આનંદ શુક્લ : ભારતીય સમાજનીતિ-રાજનીતિની હાલની સ્થિતિ માટે જવાબદાર જાતિવાદ છે. જાતિવાદને અપાતું પ્રોત્સાહન દેશની સામાજિક-રાષ્ટ્રીય એકતા સામે મોટો પડકાર છે. તેમાં વોટબેંકની રાજનીતિ તેને વધુ ગંભીર જોખમ બનાવે છે. દેશના અન્ય ભાગોમાં અને ગુજરાતમાં પણ આવા પ્રકારની સ્થિતિ છે. જાતિ એક થવાના નામે બીજી જાતિની સામે આવી જાય છે. આ તો કેવી સ્થિતિ કહેવાય? જાતિના અભિમાન કે ગુમાનને બતાવવા માટે એકબીજાની સામે આવવું રાષ્ટ્રીય હિત માટે કેટલું ખતરનાક છે? તેની તો કલ્પના જ કરવી કઠિન છે.

Advertisement

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકર પણ જાતિવાદને નુકશાનકારક ગણાની જાતિભેદના વિનાશની વાત કરી ચુક્યા છે. વિનાયક દામોદર સાવરકર ઉપાખ્ય વીર સાવરકર પણ જાતિ-રોટી બંધન સાથેના સાત બંધનોને તોડવાની વાત કરી ચુક્યા છે.

Advertisement

જો ભારતીય સમાજ એકજૂટ હોત, તો કદાચ ભારતના ભાગલા પણ થયા ન હોત અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પંથ-સંપ્રદાય-મજહબની આરપાર દેશના તમામ લોકોના મન-હ્રદયમાં સ્થપાયેલો હોત. જો આમ થયું હોત તો ભારત આજે અખંડ હોત. દેશનું અખંડ રહેવું દેશના સમાજની અખંડિતતા પર નિર્ભર કરે છે. જાતિ-વર્ગો-પંથ-સંપ્રદાયો-મજહબ, એ સામાજિક વિવિધતા છે અને તેમાં એકતાનું સૂત્ર ભારત અને તેની ભારતીયતા છે.

આ પણ વાંચો : Gandhinagar માં કોળી સમાજની મહાબેઠક, હીરાભાઈ સોલંકી કહ્યું સમાજ એક થાય તો..!

SC-ST Act સમાપ્ત કરવાની માંગ અને અલ્ટીમેટમ

પરંતુ જ્યારે રાજકીય, સામાજિક સ્વાર્થ પ્રેરીત જાતિવાદી સમાજકારણ અને રાજકારણ ચાલે, ત્યારે આવી વિવિધતામાં એકતા મતભેદોથી મનભેદો સુધી લોકમાનસને લઈ જઈ શકે છે. યુજીસી (UGC) ના નવા નિયમો અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેસ્વરાનંદ સરસ્વતી સાથેના વ્યવહારથી વ્યથિત થવાનું કારણ આપીને બરેલીના સિટી મેજિસ્ટ્રેટ પદેથી રાજીનામું આપનારા અલંકાર અગ્નિહોત્રી (Alankar Agnihotri) હવે દાવો કરી રહ્યા છે કે દેશની 85 ટકા વસ્તી એસસી-એસટી કાયદા (SC-ST Act)ના હાલના સ્વરૂપ સાથે સંમત નથી. તેમનું કહેવું છે કે સામાન્ય વર્ગ અને ઓબીસી ખુદને હાંસિયામાં મહસૂસ કરી રહ્યા છે. લોકશાહીમાં તેમણે વિલ ઓફ ધ પીપલનું સમ્માન જરૂરી હોવાનું જણાવીને જો બહુમતી વસ્તી કોઈ કાયદાને અન્યાયપૂર્ણ માને છે, તો સંસદે તેના પર પુનર્વિચારણા કરવી જોઈએ તેવું પણ જણાવી રહ્યા છે.

હવે અલંકાર અગ્નિહોત્રીએ 6 ફેબ્રુઆરીનું અલ્ટીમેટમ આપીને સંસદનું વિશેષ સત્ર બોલાવીને એસસી-એસટી એક્ટને સમાપ્ત કરવાની માગણી કરી છે. અલ્ટીમેટમ બાદ માંગ પુરી નહીં થાય, તો 7મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી દિલ્હી કૂચ કરવાનું પણ તેમણે એલાન કર્યું છે.

અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિને અનામતનો અધિકાર તેમની સદીઓની સામાજિક સ્થિતિ અને તેમની સાથેના વ્યવહારને ધ્યાનમાં રાખીને ભારતીય બંધારણે તેમને આપ્યો છે. એસસી-એસટી એક્ટ પણ આવા જાતિ-જ્ઞાતિ વર્ગોની સાથેના દુર્વ્યવહારને રોકવા માટેનું સુરક્ષા કવચ છે. આ કાયદામાં રહેલી જોગવાઈઓને લઈને ઘણીવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તો તેના માટે કાયદાકીય લડાઈને કોઈ અવકાશ હોય, તો તે કરવાને સ્થાને આવા અલ્ટીમેટમો જાતિ-વર્ગ ભેદોમાં વધારો કરશે.

આ પણ વાંચો : Bhavnagar કોળી સમાજ મહાસંમેલન : બગદાણા વિવાદમાં સમાજને હાંકલ, વિવાદમાં વધુ ભડકાના એંધાણ

2027 પહેલા ઉત્તર પ્રદેશમાં 'જાતિવાદ'નો કોઈ પ્રયોગ તો નથી થઈ રહ્યો ને?

આની પણ પૃષ્ઠભૂમિ છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. આ ચૂંટણીઓ પહેલા ઉત્તરપ્રદેશમાં મજબૂત થયેલી હિંદુત્વની રાજનીતિ સામે જાતિવાદનું ઝેર નાખીને તેને નબળી પાડવાની કોશિશો અલગ-અલગ પ્રકારે થઈ રહી હોવાના કેટલાક દાવાઓ પણ થયા છે. હિંદી બેલ્ટના મુખ્ય રાજ્યો ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભાજપની સ્થિતિ બેહદ મજબૂત છે. આ રાજકીય વર્ચસ્વને તોડવા માટે જાતિવાદના ચક્રવ્યૂહના સાત કોઠા રચાઈ રહ્યા છે. અલંકાર અગ્નિહોત્રી ખુદને રાજનીતિથી દૂર ગણાવી રહ્યા છે અને તેમની મહેચ્છા દેશના કલ્યાણની હોવાનીવાત કરી રહ્યા છે. તેઓ એ વાત પર ભાર મૂકી રહ્યા છે, કે આદોલનનો ઉદેશ્ય સત્તા હાસિલ કરવાનો નથી, પરંતુ નીતિઓમાં બદલાવ લાવવાનો છે.

પણ ભૂતકાળમાં છેલ્લે 2012માં થયેલા અન્ના આંદોલન વખતે ભ્રષ્ટાચારનો વિરોધ અને લોકપાલની માગણીના નામે આંદોલનમાંથી રાજકારણમાં એન્ટ્રી લઈ ચુકેલા નેતાઓ આપણે જોઈએ જ છીએ. ભ્રષ્ટાચાર યથાવત છે. આવી જ કોઈ ઘટના અલંકાર અગ્નિહોત્રીની માંગમાંથી પેદા થવાની સંભાવના ધરાવતા આંદોલનમાં નહીં થાય તેની કોઈ ખાત્રી આપી શકે તેમ નથી.

આ પણ વાંચો : Bhavnagar : કોળી સમાજના મહામંત્રીનું મોટું નિવેદન : રાજકીય સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

Alankar Agnihotri સમાજવાદી પાર્ટીના 'ટચ'માં હોવાનો રાજભરનો દાવો

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના અધ્યક્ષ અને યુપી કેબિનેટમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભરે તો દાવો કર્યો છે કે પીસીએસ અધિકારી અલંકાર અગ્નિહોત્રી સમાજવાદી પાર્ટીના સંપર્કમાં હતા. તેમણે આ નિવેદન વારાણસીમાં પત્રકારોના સવાલના જવાબમાં આપ્યું. તેમને પુછવામાં આવ્યું કે તેઓ કેવી રીતે કહી શકે કે અલંકાર અગ્નિહોત્રી સમાજવાદી પાર્ટીના સંપર્કમાં હતા, તો ઓમ પ્રકાશ રાજભરે ભડકતા કહ્યુ કે માતાપ્રસાદ પાંડે સાથે કોણે વાત કરી હતી, તમે લોકો પહેલા જાણકારી મેળવો, પછી વાત કરો. આમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. માતા પ્રસાદ પાંડે સમાજવાદી પાર્ટીના નેતા અને યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા છે. જો કે કોઈ રાજનેતાના સંપર્કમાં હોવા માત્રથી સામાજિક આંદોલન તેમના દોરીસંચાર હેઠળ જ થઈ રહ્યું હોવાનું સાબિત થતું હોતું નથી. પરંતુ આવી શક્યતાઓ તો પ્રબળ જ હોય છે. રાજનીતિ અને સમાજનીતિને નજીકથી જોનારાઓ હંમેશા માને છે કે આ બંને ક્ષેત્રોમાં થનારા આંદોલનો અને પરિવર્તનો એકબીજા સાથે જોડાયેલા હોય છે.

આ પણ વાંચો : બગદાણા હુમલા કેસ : કોળી-આહિર સમાજ વચ્ચે તણાવ વકર્યો, રાજકીય મુલાકાતોનો દોર ચાલુ

મધ્યપ્રદેશમાં પણ જાતિવાદી ચર્ચા

ઉત્તરપ્રદેશ પછીના હિંદી બેલ્ટના રાજ્ય મધ્યપ્રદેશમાં અધિકારીઓમાં તો જાણે કે બ્રાહ્મણો પર ટીપ્પણીઓ કરવાની હોડ મચી છે. સૌથી પહેલા આઈએએસ સંતોષ વર્માએ બ્રાહ્મણની દિકરીઓ પર વિવાદીત કોમેન્ટ કરી અને તેમના આ વક્તવ્યને લઈને હંગામો મચ્યો. મધ્યપ્રદેશના એક અન્ય આઈએએસ નિયાજ ખાને સોશયલ મીડિયા પર એક નિવેદનમાં બ્રાહ્મણોને અનામત આપવાની વાત કહેતા તેમના પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. સોમવારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ આઈએએસ મનોજ શ્રીવાસ્તવે ફેસબુક પર બ્રાહ્મણોની ખાસી પ્રશંસા કરી.

હવે મધ્યપ્રદેશના જ એક વરિષ્ઠ નેતા કે જેઓ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે, તેવા ગોપાલ ભાર્ગવે સાગરમાં બ્રાહ્મણ સમાજના મેધાવી સમ્માન સમારંભમાં એમ કહીને ખળભળાટ મચાવી દીધો કે બધાં નિયમ-કાયદા બ્રાહ્મણો વિરુદ્ધ બની રહ્યા છે. તેમણે કહ્યુ કે બંધારણીય વ્યવસ્થામાં આપણને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. ગોપાલ ભાર્ગવે કહ્યુ કે આપણે પુરાતન કાળથી ધર્મ પ્રદર્શક રહ્યા તો અમને ટાર્ગેટ કરવા માટે લોકો સનાતન ધર્મ પર કુઠારાઘાત કરવા લાગ્યા છે. તેમણે કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે પરિસ્થિતિઓ વિપરીત છે, તો ધર્મ બચાવવા માટે બ્રાહ્મણોએ એક થવું જ પડશે.

અહીં સવાલ કોઈ સમાજ-જ્ઞાતિ-જાતિને એક કરવાનો નહીં પણ ભારતને એક કરવાનો અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાનો હોવો જોઈએ. વિવિધતામાં એકતાને વિક્ષેપિત કરવા માટે અવનવા હથકંડાઓ સ્થાપિત હિતો ધરાવતા તત્વો દ્વારા થતા જ રહેવાના છે.

આ પણ વાંચો : Gandhinagar માં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન, અલ્પેશભાઈ ઠાકોરે શું કહયું ?

જાતિગત વૈમનસ્યની સ્થિતિ રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકાર

થોડાક વર્ષો પહેલા દેશમાં અચાનક ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન (Gujarat, Maharashtra, Haryana, Rajasthan) સહીતના રાજ્યોમાં બિનઅનામત વર્ગમાં રહેલી મોટી જ્ઞાતિઓ દ્વારા અનામતની માગણી સાથેના આંદોલનો પણ થયા હતા. આ તમામ આંદોલનો એક યા બીજા અર્થમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે કેટલાક ચોક્કસ વ્યક્તિઓનું સ્વાર્થસિદ્ધિનું સાધન બન્યા, તેવો અવાજ પણ આવા આંદોલનો સાથે જોડાયેલા લોકો દ્વારા જ ઉઠયો હતો. આના કારણે સામાજિક તાંતણા વિખાયા પણ ખરાં અને સમાજો-જ્ઞાતિઓ-જાતિઓમાં કટુતાનું એક નવું ચક્ર પણ શરૂ થઈ ચુક્યું છે. ગુજરાતમાં જાતિ સંમેલનોનો ટ્રેન્ડ 2015થી ફરી એકવાર સમાજજીવન-રાજકીય ક્ષેત્રનો ભાગ બની ચુક્યો છે. જ્યારે વિધાનસભા-લોકસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે, ત્યારે જાતિવાદના કેટલાક મુદ્દાઓ જાતિ એકતાના નામે ક્યાંક ટિકિટ માટેના રાજકીય દબાણ કે વોટબેંક પોલિટિક્સનો જાણે-અજાણે ભાગ બની જતાં હોય છે. આનું કોઈ નક્કર પરિણામ સામે હજી સુધી સામે આવી શક્યું નથી. ઘણી હદે જાતિગત વૈમનસ્યની સ્થિતિ ગ્રામીણ કે અર્ધશહેરી ક્ષેત્રોમાં જોવા પણ મળે છે. આનાથી શું ભારતની રાષ્ટ્રીય એકતા મજબૂત થશે?

ભારતનું બંધારણ દરેક નાગરિકને ભારતીય તરીકે જોવે છે. પણ આવી સ્થિતિ સમાજજીવન કે રાજકીય ક્ષેત્રમાં કેમ જોવા મળી રહી નથી? હમણાં જ આપણે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી, આ દિવસે જ ભારતે પોતાનું બંધારણ માન્ય કર્યું હતું. પણ હજી સુધી બંધારણમાં દર્શાવાયેલી ભાવના અને આકાંક્ષાઓ સુધી પહોંચવાની આપણી સફર ચાલુ છે અને જાતિવાદી દુરાગ્રહોથી થતી કોઈપણ પ્રવૃત્તિ આવી સફરને ધીમી કરી શકે છે અથવા ખોરવી પણ શકે છે. શું WE THE PEOPLE OF INDIA.. આવી હરકતો માટે તૈયાર છીએ?

આ પણ વાંચો : Gandhinagar માં ઠાકોર સમાજનો શંખનાદ: 'અભ્યુદય' સંમેલનથી શક્તિ પ્રદર્શન!

Tags :
Advertisement

.

×