Bengal Assembly Election: બંગાળમાં બાબરીવાળા હુમાયૂં-ઓવૈસીના ગઠબંધનના કારણે મમતા બેનર્જી BJP સામે હારશે?
. હુમાયૂં કબીર અને AIMIM ગઠબંધન 182 બેઠકો પર ચૂંટણી લડીને મુસ્લિમ મતોમાં ગાબડું પાડી શકે છે
. 2021ની સરખામણીએ આ વખતે મુસ્લિમ મતદારો ટીએમસીને બદલે મુસ્લિમ રાજકીય વિકલ્પ પસંદ કરે તેવી સંભાવના છે
. જો મુસ્લિમ મતો વહેંચાય, તો ભાજપને સીધો ફાયદો થઈ શકે છે અથવા બંગાળમાં ત્રિશંકુ વિધાનસભા સર્જાઈ શકે છે
આનંદ શુક્લ: પશ્ચિમ બંગાળ (West Bengal) એક ક્રાંતિકારી રાજ્ય છે. સ્વતંત્રતા પહેલા થયેલી સશસ્ત્ર ક્રાંતિઓનું કેન્દ્રબિંદુ રહેલું પશ્ચિમ બંગાળ હવે ભારત (India - Bharat) ની ભવિષ્યની રાજનીતિનું પણ કેન્દ્રબિંદુ બનવા જઈ રહ્યું છે. (આની એક અલગ ચર્ચા છે, તેથી અહીં આપણે તે નથી કરી રહ્યા.)
West Bengal ની પ્રારંભિક રાજનીતિ
પણ સ્વતંત્રતા બાદ કૉંગ્રેસ (Congress) નો ગઢ રહેલું પશ્ચિમ બંગાળ કમ્યુનિસ્ટ-લેફ્ટિસ્ટ (Communist-leftist) પાર્ટીઓના મોરચાનું લગભગ 3.5 દાયકા સુધી સત્તાકેન્દ્ર રહ્યું. જ્યોતિ બસુ (Jyoti Basu) અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (Buddhdev Bhattacharya) ની ડાબેરી મોરચા (Left Front) ની સરકારો પશ્ચિમ બંગાળને ભારતના રાજકીય નક્શામાં એક અલગ અંદાજમાં રજૂ કરતું હતું.
ડાબેરી મોરચાને ખસેડી Mamata Benerjee એ સત્તા મેળવી
પણ કૉંગ્રેસમાંથી અલગ થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી બનાવનારા મમતા બેનર્જી (Mamata Benerjee) એ ડાબેરી મોરચાને સત્તામાંથી હટાવીને 2011માં સત્તા પ્રાપ્ત કરી હતી. આના માટે તેમણે 2006માં સિંગુર અને 2007માં નંદીગ્રામમાં મા, માટી અને માનુષનો અવાજ બુલંદ કર્યો હતો. 2011માં ખેલા હોબે-નો પડકાર આપીને ટીએમસીને ચૂંટણી જીતાડીને મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા.
2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી હતી. પણ મમતા બેનર્જીની સાથે પશ્ચિમ બંગાળનો મુસ્લિમ વોટર મજબૂતાઈથી જોડાયેલો હતો અને તેને કારણે મત સમીકરણો ટીએમસીના પક્ષમાં ગયા હતા.
આ પણ વાંચો: પ.બંગાળમાં 'BABRI MOSQUE વાળો ખેલ': મમતા બેનર્જીથી મુસ્લિમ વોટર્સ કેટલા દૂર, કેટલા પાસે?
પશ્ચિમ બંગાળમાં Muslim મતસમીકરણ
2011ની વસ્તીગણતરી મુજબ, પશ્ચિમ બંગાળની કુલ વસ્તી 9.13 કરોડ હતી અને તેમાં મુસ્લિમો 2.5 કરોડ જેટલા હતા. હાલ પશ્ચિમ બંગાળની વસ્તી 10.5 કરોડ હોવાનો અંદાજ છે અને તેમાં મુસ્લિમોની સંખ્યા 3 કરોડથી વધુ હોવાની સંભાવના દર્શાવાય છે.
પશ્ચિમ બંગાળના મુસ્લિમોની મોટી વસ્તી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 66.3 ટકા મુસ્લિમોની વસ્તી સાથે મુર્શિદાબાદ (Murshidabad) , 51.3 ટકા મુસ્લિમો સાથે માલદા (Malda) , 50 ટકા મુસ્લિમો સાથે ઉત્તર દિનાજપુર (North Dinajpur) જિલ્લાઓ મુસ્લિમ (Muslim) બહુમતીવાળા જિલ્લાઓમાં સામેલ છે. આ સિવાય 37 ટકા મુસ્લિમો ધરાવતા બીરભૂમ (Birbhum) , 35.5 ટકા મુસ્લિમ ધરાવતા દક્ષિણ 24 પરગના (South 24 Pargana) અને 26.7 ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતા નાદિયા (Nadia) જિલ્લાની વિધાનસભા બેઠકોના સમીકરણો પણ મુસ્લિમ મતસમીકરણો (Muslim Vote Equation) ની વ્યાપક અસર ધરાવે છે.
આ પણ વાંચો: RSSના વડા Mohan Bhagwat એ Babri Masjid નિર્માણ મામલે આપી મોટી પ્રતિક્રિયા
હુમાયૂં કબીર-ઓવૈસીનો મુસ્લિમ વિકલ્પ
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મુસ્લિમો ધરાવતા મુર્શિદાબાદના બેલડાંગા (Beldanga) માં બાબરી મસ્જિદ (Babri Mosque) નો પાયો નાખનારા તૃણમૂલ કૉંગ્રેસ (Trunmool Congress) ના ભૂતપૂર્વ નેતા હુમાયૂં કબીરે (Humayu Kabir) અસદુદ્દીન ઓવૈસી (Ashaddudin Owaisi) ની એઆઈએમઆઈએમ (AIMIM) સાથે ગઠબંધન કરીને તેને આઠ બેઠકો આપી છે.
હુમાયૂં કબીરની પાર્ટી 182 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની છે. હુમાયૂંએ 100થી વધુ મુસ્લિમ ઉમેદવારો ઉતારવાની ઘોષણા કરી છે. 2021ની ચૂંટણીમાં ફુરફુરા શરીફના ઈમામે પણ પોતાની પાર્ટી બનાવીને કોંગ્રેસ અને ડાબેરી મોરચા સાથે ગઠબંધન કર્યું હતું, પણ ત્યારે આ ગઠબંધનનો એટલો પ્રભાવ પડયો નહીં અને ટીએમસી સાથે બંગાળના મુસ્લિમ વોટર્સ મજબૂતાઈથી ઉભા રહ્યા. જાણકારો મુજબ ત્યારે બંગાળના મુસ્લિમ વોટર્સે ભાજપને હરાવવા માટે ટીએમસીને વોટ કર્યા હતા.
મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર, બીરભૂમ અને દક્ષિણ 24 પરગના જેવા જિલ્લાઓમાં વિધાનસભાની 85 બેઠકો છે. આ બેઠકો પર મુસ્લિમો વોટર્સની સંખ્યા 35 ટકા કે તેનાથી વધારે છે. આમાની 75 બેઠકો ગત ચૂંટણીમાં ટીએમસીએ જીતી હતી. સંદેશખાલી (Sandeshkhali) માં થયેલા હુલ્લડો દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પલાયન કર્યુ હતું. ત્યારે મમતા બેનર્જીએ કોલકત્તામાં ઈમામો અને મૌલવીઓની સભામાં હુલ્લડો માટે ભાજપ અને આરએસએસને દોષિત ઠેરવ્યા હતા. બંગાળમાં સીએએ વિરોધી આંદોલનમાં હિંસા દરમિયાન પણ મમતા સરકારે આંખ આડા કાન કર્યા હતા.
એનઆરસી અને સીએએનો ડર દેખાડીને મમતા બેનર્જી મુસ્લિમોને મહેસૂસ કરાવવા માંગે છે કે બંગાળમાં ટીએમસી સત્તામાં રહેશે તો જ તેઓ સુરક્ષિત છે. મુસ્લિમ વોટર્સને સાથે રાખવા માટે ભાજપનો ભય દેખાડવો મમતા બેનર્જી માટે મોટું રાજકીય શસ્ત્ર છે. મમતા બેનર્જીએ સચ્ચક કમિટીના રિપોર્ટને 90 ટકા લાગુ કરી દીધો છે. ચૂંટણી પહેલાના વચગાળાના બજેટમાં પણ મમતા બેનર્જીએ લઘુમતીઓના મામલા માટે 5700 કરોડ રૂપિયા જાહેર કર્યા.
આ પણ વાંચો: 2026માં 5 રાજ્યોની ચૂંટણી નક્કી કરશે દેશની રાજનીતિની આગળની દશા અને દિશા
મુસ્લિમ વોટર્સની બદલાયેલી વોટિંગ પેટર્નની બંગાળમાં અસર થશે?
પણ 2021માં જેવું થયું તેવું પશ્ચિમ બંગાળના મુસ્લિમ વોટર્સ આ વખતે ન પણ કરે. છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ વોટર્સની પેટર્ન છે કે જો તેમની સમક્ષ કોઈ મુસ્લિમ વિકલ્પ છે, તો તેઓ તેના પક્ષમાં વોટ કરે છે. બિહારમાં ઓવૈસીની પાર્ટીએ સીમાંચલમાં પાંચ વિધાનસભા બેઠકો જીતી હતી અને ઘણી બેઠકો પર ગળા કાપ ટક્કર પણ આપી હતી. મહારાષ્ટ્રમાં નગરનિગમની ચૂંટણીમાં એઆઈએમઆઈએમએ ઘણી બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. નવી બનેલી ઈસ્લામી પાર્ટીએ તો માલેગાંવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત પણ પ્રાપ્ત કરી. આ પ્રકારની પોલિટિકલ પેટર્ન દેશવ્યાપી થઈ રહી છે. 15 વર્ષથી ચાલી રહેલી મમતા બેનર્જીની સરકાર સામે એન્ટી-ઈન્કમ્બન્સીની પણ સ્થિતિ હોય તે સ્વાભાવિક છે.
પશ્ચિમ બંગાળમાં જનતા ઉન્નયન પાર્ટી બનાવનારા હુમાયૂં કબીરે ટીએમસી છોડયા પછી બાબરી મસ્જિદનો પાયો નાખીને રાજ્યના મુસ્લિમોને મુસ્લિમ પોલિટિકલ વિકલ્પ આપ્યો છે. આમા તેમણે ઓવૈસીની એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન પણ કર્યું છે. બાબરી મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે બંગાળના મુસ્લિમોની દેખાયેલી ભીડ તેમની નવી વોટિંગ પેટર્ન કે જેનાથી મમતા બેનર્જીની ટીએમસીને નુકશાન થઈ શકે છે, તેવા સંકેત પણ આપી ચુકી છે. હુમાયૂં કબીર બંગાળી મુસ્લિમોમાં એક વિકલ્પ તરીકે ઉભરી ચુક્યા છે. તેથી બંગાળમાં પણ વોટિંગ પેટર્ન મમતા બેનર્જીની તરફેણમાં ન જાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
TMC માં મુસ્લિમોને ઓછી ટિકિટ મળવાનો મુદ્દો
મમતા બેનર્જીની પાર્ટીને જેટલા મુસ્લિમ વોટ મળે છે, તેના પ્રમાણમાં તે મુસ્લિમ ઉમેદવારો ઉભા નહીં રાખતા હોવાનો પણ રાજકીય આરોપ લાગતો રહે છે. 291 વિધાનસભા બેઠકો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ગત ચૂંટણીમાં ટીએમસીએ 47 મુસ્લિમ ઉમેદવારો એટલે કે 18 ટકા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. મુસ્લિમ મતદાતાઓના વર્ચસ્વ ધરાવતી ઘણી બેઠકો પર ટીએમસીએ હિંદુ ઉમેદવારોને ટિકિટ આપી હતી. હુમાયૂં કબીર, ઓવૈસી અને અન્ય મુસ્લિમ નેતા આને મુદ્દો બનાવી ચુક્યા છે. જો હુમાયૂં કબીરનું ગઠબંધન 100થી વધુ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે છે, તો તેની વ્યાપક અસર બંગાળના મુસ્લિમ મતદાતાઓની વોટિંગ પેટર્ન પર પડવાની સંભાવના છે અને તેના કારણે મમતા બેનર્જીની ટીએમસીના ખાતામાં રાજકીય નુકશાન વધવાની પણ સંભાવના છે. હુમાયૂં અને ઓવૈસીએ વક્ફ સંશોધન કાયદાને પણ મુદ્દો બનાવ્યો છે. આ કાયદાને લાગુ નહીં કરવાની ઘોષણા કરનારા મમતા બેનર્જીની સરકારે આખરે તેને ચુપચાપ લાગુ કરી દીધો છે. જે રીતે પશ્ચિમ બંગાળની રાજનીતિ આગળ વધી રહી છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ સહિતના ઘણાં પક્ષોના નેતાઓ હુમાયૂં કબીરની પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. તેની પણ મોટી અસરની અટકળો છે.
હુમાયૂં કબીર-ઓવૈસીનું ગઠબંધન મજબૂત વિપક્ષ બનશે કે કિંગમેકર?
બંગાળમાં મુસ્લિમો પાસે તૃણમૂલ કોંગ્રેસની સમાંતર એક વિકલ્પ ઉપલબ્ધ થઈ ગયો છે. હુમાયૂં કબીર સાથે કેટલાક પ્રભાવી મુસ્લિમ નેતાઓ અને ચહેરાઓ આવી ગયા છે. આવા સંજોગોમાં બંગાળમાં ટીએમસીના વોટ સમીકરણો અસંતુલિત થવાની સ્થિતિમાં ભાજપ (BJP) ને ફાયદો થઈ શકે છે. જો ટીએમસી સત્તાની બહાર જાય અને ભાજપ સત્તામાં આવે તેવી સ્થિતિમાં હુમાયૂ-ઓવૈસીનું ગઠબંધન બંગાળમાં મજબૂત વિપક્ષ બનીને ઉભરશે. જો ટીએમસી ભાજપને બહુમતીથી રોકવામાં સફળ થાય અને હંગ એસેમ્બલી બને તો તેવા સંજોગોમાં બંગાળમાં હુમાયૂં-ઓવૈસીનું ગઠબંધન કિંગમેકર બનીને પણ ઉભરી શકે છે. કુલ મળીને આ ચૂંટણી મમતા બેનર્જી અને ટીએમસીના રાજકીય ભવિષ્યને નિર્ધારીત કરનારી બની રહેવાની હોવાનું બંગાળના રાજકીય બાબતોના નિષ્ણાતો માની રહ્યા છે.
આ પણ વાંચો: બંગાળમાં 'બાબરી નિર્માણવાળા' હુમાયૂં કબીરે પાર્ટીનું કર્યું એલાન, જાણો શું માંગી રહ્યા છે ચૂંટણી ચિન્હ?


