જ્યારે જ્યારે પણ આપણે આપણાં ‘મલક’ની એટલે કે આપણાં પ્રદેશની વાત કરીએ છીએ ત્યારે આપણી માનસભૂમિ ઉપર આપણાં શહેરો નહીં પણ આપણાં ગામડાંઓ યાદ આવી જાય છે. આપણાં પ્રદેશની જ વાત કરવાની હોય તો એ ઐતિહાસિક સત્ય છે કે, ગુજરાતમાં મોટા શહેરો અને શહેરી જીવનનો આજનો અસબાબ અને તેનો ઇતિહાસ છ સાત દાયકાથી વધારે જૂનો નથી અને કદાચ તેથીજ અમદાવાદ, વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરોના ઘરોમાં ને એ પરિવારોમાં અચૂકપણે તમને એક કે બે શહેરમાં રહેતા શહેરના બંગલા કે ફ્લેટમાં રહેતા હોવા છતાં ચિત્તમાંને સ્મરણમાં પોતાનું ગામડું લઇને જીવતા 60,70, કે 80 વર્ષના એક બે વયસ્કો અચૂક મળવાના અને એ વયસ્કોના મોર્નીંગ વોકમાં કે સાંજની મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં ભરાતી બાકડા સભાઓમાં મોટાભાગની ચર્ચાઓમાં વતનના ઝુરાપાનો વિષાદ વાગોળાતો સંભળાય છે. ગાર માટીથી ઉભી કરેલી દિવાલોને વાંસ લાકડાંના માળા ઉપર ગોઠવાયેલા દેશી નળિયાઓનું છત - ઓરડો, પરસાળ અને આંગણું, આંગણાંના કિનારે ઉભેલું એકાદ લીમડાનું ઝાડ, ઝાડની એકાદ ડાળી પર બાંધેલું પંખાઓને પાણી પીવાનું ઠીબ, આંગણાંના છેવાડે કૂતરાઓને ખાવા માટે મુકેલી ચાટ, દર દિવાળીએ ગાર, માટી અને છાણથી લીપાતા આંગણાના એક ખૂણે વાણના ખાટલા ઉપર હોકો ગગડાવતા દાદાને એવા એક કરતા અનેક ઘરોના સમૂહનું એક ફળિયું. ખેડૂતનું ઘર હોય તો આંગણાંની પાસે જ ઢોર બળદની ગમાણને ઘરની પછીતે એક રૂપાળો વાડો જ્યાં બગીચો અને બાથરૂમ, તુલસી અને તડકો બધાં ભેગા મળીને પરિવારની સ્વચ્છતા અને સ્વસ્થતાનું પ્રાકૃતિક સંરક્ષણ કરતાં આજે છે તેવી જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેની કોઇ ભેદરેખાઓ નહોતી ને છતાંય પ્રત્યેક ગામમાં સુથારનું ફળિયું, સોનીફળિયું, ઘાંચી ફળિયું પોતાની આગવી આઇડેન્ટીટી જાળવીને પણ સાથે મળીને સમરસતાથી જીવતા. મોટાભાગના ગામોને પોતાની ભાગોળ ગામ પૂરું થયાની ઓળખ બનતું અને ભાગોળ પછી વહેતી નાની નદી કે નાનું તળાવ બાળકો અને ગૃહિણીઓ માટે સ્વીમીંગ પુલકે કીટી પાર્ટીનું સ્થાન બની જતા. આપણું પ્રાચીન ગ્રામીણ જીવન અને તેનું અર્થતંત્ર સંપૂર્ણ આત્મનિર્ભર હતાં. લગભગ બધી જ જરૂરિયાતો ગામમાંથી જ ઉત્પાદિત અનેવિતરીત થાય એવી સ્વનિર્ભર વ્યવસ્થાઓ એ ગામ આપણાં પ્રાચીન ગ્રામ્ય જીવનની અભ્યાસ માંગી લે તેવી વિશેષતા છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વમાં થયેલા પરિવર્તનો આપણે ત્યાં પણ પડઘાયા, શહેરો સર્જાયાને પછી આત્મનિર્ભર ગામડાંઓ ધીરે ધીરે શહેર નિર્ભર બનતાં ગયા એ તો અર્થતંત્રના અભ્યાસનો વિષય છે એમાં ન જઇએ તો પણ ઉપર કહ્યું તેવું ‘ગોકુળીયું ગામ’ ધીરે ધીરે પોતાની જૂની ઓળખ ગુમાવી રહ્યું છે. કદાચ તેથી જ સાહિત્યકાર કવિ મણીલાલ પટેલે પોતાના ગામડાને યાદ કરતાં કરતાં તેના આજના પરિવેશના સંદર્ભે કહ્યું કે કહેવાઇ ગયું છે કે, “ હે કવિ, તુ ગામ દવાની જીદ છોડી દે!” કદાચ આ મારી, તમારી- આપણાં સહુની હૈયાવરાળ છે.