12 Years Modi Rule : ગુજરાતનો વિકાસ ઉત્સવ: મોદી શાસનનાં 12 વર્ષ
12 Years Modi Rule : ગુજરાત સરકાર ઉજવશે PM મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ! CM ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 6 કરોડ વૃક્ષોનું વાવેતર, ઘરઆંગણે સેવા આપતી ‘જનકલ્યાણ શિબિરો’ અને 1,000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ જેવા ભવ્ય આયોજનો થશે.
12 Years Modi Rule : કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો આધાર તેના સક્ષમ નેતૃત્વ પર રહેલો છે. જ્યારે નેતૃત્વ વિઝનરી અને પ્રજાભિમુખ હોય, ત્યારે શાસન માત્ર વહીવટ નથી રહેતું, પણ જનસેવાનો ઉત્સવ બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના સફળ નેતૃત્વ હેઠળ ભારત સરકારે ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 12 વર્ષો એટલે દેશના ‘વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ સુવર્ણ વર્ષો રહ્યા છે.
ગુજરાતના પનોતા પુત્રના આ અવિરત સુશાસનની સફરને જન-જન સુધી પહોંચાડવા અને દેશના વિકાસને નવી ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે એક ભવ્ય, રાજ્યવ્યાપી સેવાયજ્ઞનું આયોજન કર્યું છે, જે શાસનની નૂતન મિસાલ બનશે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગર્વભેર જણાવ્યું કે, આ કોઈ પરંપરાગત સરકારી ઉજવણી નથી, પરંતુ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના મંત્રને સાર્થક કરતું એક મોટું જનઆંદોલન છે. આ પ્રશંસનીય પ્રયાણની શરૂઆત 8 અને 9 જૂનના રોજ નવી દિલ્હી ખાતે મીડિયા સંવાદથી થશે. ત્યારબાદ 11-12 જૂને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળના સભ્યો પત્રકારો સાથે ખાસ સંવાદ યોજી 12 વર્ષના પરિવર્તનની વિગતો આપશે.
આગામી દિવસોમાં ગુજરાતમાં કયા કયા લોકભોગ્ય કાર્યક્રમો ધૂમ મચાવશે, આવો જાણીએ તેની વિગતો:
12 Years Modi Rule : ‘એક પેડ મા કે નામ’ - ગુજરાત બનશે વધુ હરિયાળું
પર્યાવરણની રક્ષા એ આપણી સંસ્કૃતિ છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને આગામી 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ(World Environment Day)થી રાજ્યભરમાં એક ભવ્ય વૃક્ષારોપણ અભિયાન શરૂ થશે. શાળાઓ, યુનિવર્સિટીઓ અને સામાજિક સંસ્થાઓના સાથ-સહકારથી ગુજરાતના ખૂણે-ખૂણે 6 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો ઐતિહાસિક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તમામ ગામડાં અને શહેરોમાં વ્યાપક સફાઈ ઝુંબેશ ચલાવાશે.
12 Years Modi Rule : 'જનકલ્યાણ શિબિરો' - સરકારી યોજનાઓ હવે તમારા ઘરઆંગણે!
સાચો ઉત્સવ તો જનતાના કલ્યાણમાં છે. આથી, આગામી 12 થી 20 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં 'સેવા સેતુ'ના મોડલ પર ‘જનકલ્યાણ શિબિરો’(Jankalyan Shibir) યોજાશે. આ શિબિરોમાં નાગરિકોને વહીવટી સરળતા રહે તે માટે:
આયુષ્માન ભારત કાર્ડ
પીએમ સૂર્ય ઘર યોજના (મફત વીજળી માટે)
લખપતિ દીદી યોજના
પીએમ સ્વનિધિ યોજના
જેવી અનેક ફ્લેગશિપ યોજનાઓનું સ્થળ પર જ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પણ મળશે.
મિશન "પ્રાકૃતિક કૃષિ" - ધરતી માતા અને સ્વાસ્થ્યની રક્ષા
આપણી જમીનની ફળદ્રુપતા વધારવા અને નવી પેઢીને કેમિકલમુક્ત તંદુરસ્ત ખોરાક આપવા માટે પ્રાકૃતિક ખેતી વેગ પકડશે. ગુજરાતમાં 1,000 થી વધુ સ્થળોએ વર્કશોપ અને પ્રદર્શનો યોજાશે. ખેડૂતોની મૂંઝવણો દૂર કરવા માટે તેમને સફળ પ્રાકૃતિક ફાર્મ્સની રૂબરૂ મુલાકાત કરાવાશે. એટલું જ નહીં, પ્રાકૃતિક પાકના વેચાણ માટે જાહેર સ્થળોએ ખાસ વેચાણ કેન્દ્રો અને ઓનલાઇન માર્કેટીંગની સુવિધા પણ સરકાર પૂરી પાડશે.
'પ્રગતિપથ યાત્રા' અને ભવ્ય પ્રદર્શનો
8 થી 14 જૂન દરમિયાન યોજાનારી ‘પ્રગતિપથ યાત્રા’ દ્વારા રાજ્યના પ્રગતિશીલ અને મોટા પ્રોજેક્ટ્સની રૂબરૂ મુલાકાત લેવાશે. દરેક જિલ્લામાં 3 દિવસ માટે મોદી સરકારની 12 વર્ષની સિદ્ધિઓ દર્શાવતું ભવ્ય પ્રદર્શન યોજાશે, જ્યાં નાગરિકો પોતાના સીધા પ્રતિભાવો અને સૂચનો પણ આપી શકશે.
સમાજના પ્રબુદ્ધ વર્ગોનો સાથ અને 'યોગ દિવસ' (Yoga Day)પર પૂર્ણાહુતિ
આ મહા-અભિયાનને જનતાનું પોતાનું અભિયાન બનાવવા માટે ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષણવિદો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે ખાસ બેઠકો થશે. આદિવાસી, દલિત, પછાત વર્ગો, ખેડૂતો અને યુવાનો સહિત સમાજના દરેક તબક્કાને આ વિકાસયાત્રામાં જોડવામાં આવશે.
આ સમગ્ર સેવાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ 21 જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે, જ્યાં ગુજરાત યોગ બોર્ડના સહયોગથી દરેક તાલુકા મથકે હજારો નાગરિકો સાથે મળીને સામૂહિક યોગાભ્યાસ કરશે.
ઉપરોક્ત તમામ આયોજનો પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાત સરકારની આ ઉજવણી માત્ર કોઈ સરકારી આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા 12 વર્ષમાં દેશ અને રાજ્યમાં આવેલા અભૂતપૂર્વ સકારાત્મક પરિવર્તનનો વાસ્તવિક આનંદ છે.
પર્યાવરણની જાળવણીથી લઈને છેવાડાના માણસના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સુધીની ચિંતા આ સમગ્ર અભિયાનમાં વણાયેલી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)ના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના અવિરત સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો આ એક નમ્ર અને પ્રશંસનીય પ્રયાસ છે. આવો, આપણે સૌ પણ આ ‘વિકાસ ઉત્સવ’ના સહભાગી બનીએ અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવા માટે આપણું યોગદાન આપીએ.
આ પણ વાંચો : Gujarat Cabinet Decisions :નિયમો સરળ, કામ ઝડપી અને ગુજરાત હરિયાળું: મંત્રીમંડળની બેઠકમાં લેવાયા જનહિતના નિર્ણયો


