Gandhinagar: 24 કલાકમાં ટાઇફોઈડના નવા 9 દર્દીઓ દાખલ, સૌથી વધુ બાળકો! જાણો શું છે સ્થિતિ!
- Gandhinagar માં દૂષિત પાણીના કારણે ટાઇફોઈડનો મામલો
- ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું ટાઈફોડને લઈ નિવેદન
- "અત્યારે સુધી કુલ 113 ટાઈફોઈડના દર્દીઓ નોંધાયા"
Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી પુરવઠાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને બાળકોમાં ટાઈફોઈડ (Typhoid) ના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital) ના સુપ્રિટેન્ડેન્ટ ડો. મિતાબેન પરીખે (Dr. Mitaben Parikh) નિવેદન જારી કરીને વર્તમાન સ્થિતિની વિગતો આપી છે.
113 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ
સુપ્રિટેન્ડેન્ટ ડો. મિતાબેને પરીખના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં શહેરમાં કુલ 113 ટાઈફોઈડના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં કેસો સામે આવ્યા છે. હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 94 દર્દીઓ ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર હેઠળ છે. હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળકો સૌથી વધુ ભોગ બન્યા
આ રોગચાળાની સૌથી ગંભીર બાબત એ છે કે તેનો શિકાર મોટાભાગે બાળકો બની રહ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા મુજબ નોંધાયેલા તમામ દર્દીઓની ઉંમર 1 થી 16 વર્ષની વચ્ચે છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અને દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી તેઓ ઝડપથી આ બીમારીનો ભોગ બની રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે બાળકોના ખોરાક અને પાણીની બાબતમાં ખાસ તકેદારી રાખે.
Gandhinagar: 19 દર્દીઓની તબિયતમાં સુધારો, 9 નવા દાખલ
છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો, હોસ્પિટલમાંથી 19 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા (Discharge) આપવામાં આવી છે. જોકે, રાહતની સાથે ચિંતા એ પણ છે કે હજુ પણ નવા કેસો આવવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 9 નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ટોઈફોડને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ કરી ચર્ચા
ટાઈફોઈડની વકરતી જતી બીમારી અંગે જાણ થતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Amitbhai Shah) તાત્કાલિક ધોરણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સંક્રમણ અટકાવવા માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરી સ્પષ્ટ આદેશ આપ્યા છે કે તંત્ર જરા પણ ઢીલાશ ન રાખે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનિટાઈઝેશન અને શુદ્ધ પાણીની વ્યવસ્થા તાકીદે કરવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar: ટાઈફોઈડને રોકવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં, જાણો શું આપ્યા આદેશ!


