Ahmedabad Ebola case: અમદાવાદમાં આફ્રિકન વાયરસનો ફફડાટ, યુવકના બ્લડ સેમ્પલ તપાસમાં, તંત્ર એલર્ટ!
Civil Hospital Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઇબોલા વાયરસ (Ebola virus) નો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આફ્રિકન દેશ કોંગો (Congo) નો વતની એક યુવક તાજેતરમાં જ ભારત આવ્યો હતો. આ યુવક સૌપ્રથમ મુંબઈ (Mumbai) એરપોર્ટ પર ઉતર્યો હતો અને ત્યાંથી મુસાફરી કરીને વડોદરા (Vadodara) પહોંચ્યો હતો. વડોદરાથી આ યુવક અમદાવાદ આવી પહોંચતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ ક્વોરન્ટાઇન
યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અને દેશમાં ચાલી રહેલા હેલ્થ એલર્ટને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે. તબીબોની સલાહ અનુસાર, આ દર્દીને સિવિલના ખાસ વોર્ડમાં આગામી 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન (Quarantine) રાખવામાં આવશે, જેથી વાયરસના ફેલાવાની કોઈ શક્યતા ન રહે.
બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
આ શંકાસ્પદ કેસની ચોક્કસ પુષ્ટિ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા યુવકના બ્લડ સેમ્પલ (Blood samples) લેવામાં આવ્યા છે. આ સેમ્પલને તાત્કાલિક અસરથી હાઈ-ટેક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે કહી શકાશે કે યુવક ઇબોલા પોઝિટિવ છે કે નહીં.
મોટા પાયે હોમ આઇસોલેશનની કામગીરી
આ ઉપરાંત, વિદેશથી ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી તાજેતરમાં જ અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવેલા પ્રવાસીઓ અંગે પણ તંત્ર એલર્ટ બન્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આફ્રિકાના યુગાન્ડા (Uganda) દેશથી ભારત આવેલા 11 જેટલા લોકોને હોમ આઇસોલેશન (Home Isolation) માં રાખવામાં આવ્યા છે. આ 11વ્યક્તિઓ પૈકી 9 વ્યક્તિઓ મૂળ ભારતીય (Indian Citizens) છે જેઓ વિદેશ પ્રવાસે અથવા રોજગાર અર્થે ગયા હતા, જ્યારે 2 વ્યક્તિઓ યુગાન્ડાના જ નાગરિકો (Uganda Nationals) છે. આ ઉપરાંત સાઉથ સુદાન (South Sudan) અને કોંગોથી આવેલા તમામ મુસાફરોને પણ સાવચેતીના ભાગરૂપે હોમ આઇસોલેશનમાં રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. ભૌગોલિક વિતરણની વાત કરીએ તો, અમદાવાદના પોશ ગણાતા થલતેજ (Thaltej) વિસ્તારના 10વ્યક્તિઓ અને જોધપુર (Jodhpur) વિસ્તારના એક વ્યક્તિને હાલ હોમ આઇસોલેશન હેઠળ રાખીને તેમના સ્વાસ્થ્યની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે.
તંત્રની અપીલ: ગભરાવાની જરૂર નથી
આરોગ્ય સત્તાધીશોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ આફ્રિકન યુવકને માત્ર સામાન્ય તાવ (Fever) ની જ ફરિયાદ હતી. રાહતની વાત એ છે કે હાલમાં યુવકમાં ઇબોલા વાયરસના કોઈ ગંભીર કે જીવલેણ લક્ષણો (Severe symptoms) જોવા મળ્યા નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તથા ન ગભરાવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન: જનતાને અપીલ
સમગ્ર રાજ્યમાં આ ન્યૂઝ ફેલાતા નાગરિકોમાં કોઈ ભયનો માહોલ ન સર્જાય તે માટે ગુજરાતના આરોગ્ય મંત્રી (Health Minister of Gujarat) એ પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "હાલના તબક્કે સમગ્ર ગુજરાત કે અમદાવાદમાં એક પણ વ્યક્તિનો ઇબોલા ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. આ કેસ માત્ર અને માત્ર શંકાસ્પદ શ્રેણી હેઠળનો છે અને વહીવટી તંત્ર દ્વારા જે પણ પગલાં લેવામાં આવ્યા છે તે કેવળ આગોતરી સતર્કતા અને આંતરરાષ્ટ્રીય હેલ્થ ગાઇડલાઇન્સના ભાગરૂપે જ લેવાયા છે."
આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, "આફ્રિકાના કોંગો દેશથી આવેલા વ્યાપારીની ટ્રાવેલ હિસ્ટ્રી હાઈ-રિસ્ક ઝોનની હોવાથી અને તેમને તાવ આવ્યો હોવાથી જ તેમને આઇસોલેટ કરાયા છે. વાયરસના કોઈ દેખીતા ભયજનક લક્ષણો દર્દીમાં નથી. તેથી ગુજરાતની જનતાએ સહેજ પણ ગભરાવાની કે અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. આપણું આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ અને સક્ષમ છે." સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સરકારી હેલ્થ બુલેટિન પર જ વિશ્વાસ રાખવા માટે પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Patan Ashant Dhara: લોટેશ્વર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગ, રહીશોની કલેક્ટર કચેરીમાં રજૂઆત


