Jayant Pandya vs Ambalal Patel: રાજ્યમાં વરસાદની આગાહીને લઈને ચાલી રહેલો વિવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વરસાદી આગાહીકારો સામે મોરચો માંડ્યો છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ સમગ્ર મામલે મોટી જાહેરાત કરતા હવે આગાહી ન કરવાની સ્પષ્ટતા કરી છે.
જયંત પંડ્યાના આકરા પ્રહાર
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વરસાદી આગાહી કરનારાઓ પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના 60 જેટલા તાલુકાઓમાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ નિષ્ફળ ગયા છે, જે માટે આ 'વરતારા' કરનારાઓ જવાબદાર છે. પંડ્યાના મતે, વરતારા કરનારાઓ પાસે એકપણ વિજ્ઞાન આધારિત ઉપકરણ નથી અને તેમની આગાહીઓ સંપૂર્ણપણે બોગસ સાબિત થઈ રહી છે. તેમણે ખેડૂતોને ચેતવણી આપતા કહ્યું હતું કે, આવા આગાહીકારો પર ભરોસો કરવો એટલે જાણે પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે. પંડ્યાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જ્યારે આગાહીઓ ખોટી પડે છે ત્યારે આ લોકો માત્ર તારીખો બદલીને ફરી ફરીને વાતો કરે છે. તેમણે આ આગાહીકારો સામે કડક ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે.
અંબાલાલ પટેલનો પલટવાર અને આગાહીથી કિનારો
આ વિવાદ વચ્ચે અંબાલાલ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જયંત પંડ્યાના નિવેદનોને 'પરંપરાગત જ્ઞાન પર કુઠારાઘાત' સમાન ગણાવ્યા હતા. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તેઓ હંમેશા લોક-કલ્યાણના હેતુથી જ આગાહી કરતા હતા. જોકે, હવે આ વિવાદમાં વધુ પડવા માંગતા નથી તેમ કહીને તેમણે જાહેરાત કરી છે કે, તેમની વધતી જતી ઉંમરને ધ્યાનમાં લેતા હવે તેઓ કોઈ પણ પ્રકારની આગાહી આપશે નહીં.
આ ઘટનાક્રમ રાજ્યમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં એક તરફ વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન વચ્ચેની લડાઈ તેજ બની છે, તો બીજી તરફ ખેડૂતોના હિતોને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: Unjha Jeera GI Tag: સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ, ઊંઝાના જીરા અને વરિયાળીને 'GI ટેગ' એનાયત