Ambalal Patel Rain Prediction: ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં વરસાદની ઘટ અને લાંબા સમયથી ખેંચાયેલા વરસાદના કારણે રાજ્યના ખેડૂતો અને નાગરિકો ચિંતિત હતા. જોકે, હવે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આપેલી નવી આગાહી મુજબ ટૂંક સમયમાં રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે. અંબાલાલ પટેલના મતે, આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ શરૂ થશે, જે ચોમાસાના આગમન માટેના પ્રથમ સંકેતો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના પ્રથમ રાઉન્ડની તૈયારી
આગાહી મુજબ, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે. લાંબા સમયથી કોરા ધાકોર પડેલા વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને વાવણીલાયક વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળશે.
બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 2 જુલાઈના રોજ બંગાળની ખાડી (બંગાળ ઉપસાગર) માં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમની સીધી અસર ૫ જુલાઈ સુધીમાં ગુજરાત પર જોવા મળશે. પરિણામે 5 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદનો દોર શરૂ થશે. જુલાઈ મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
12 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 12 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે, જેનાથી ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થશે. ખેડૂતોને લાંબા સમયથી જે વાવણીલાયક વરસાદની પ્રતીક્ષા હતી, તે જુલાઈના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો: Morbi Farmers Protest: મોરબી જિલ્લાના 60 થી વધુ સરપંચનું સમર્થન, ખેડૂત આંદોલનને મળ્યું મોટું બળ, રૂબરૂ ચર્ચાના આમંત્રણનો અસ્વીકાર કેમ?