Gujarat Rain Forecast: અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી, આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
Ambhalal Patel Gujarat Rain Forecast: રાજ્યમાં ગરમીના કહેર બાદ હવે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambhalal Patel) ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા રાજ્યમાં ચોમાસાના આગમન અને વરસાદના રાઉન્ડ અંગે મહત્વની આગાહી કરી છે.
આજ થી 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 30 મે એટલે કે આજથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજથી લઈને 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં 2 થી 2.5 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરા અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની પ્રબળ શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
7 જૂન સુધી વરસાદી માહોલ
હવામાન નિષ્ણાતના મતે, 7 જૂન સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે. રોહિણી નક્ષત્ર ઉતરતા હોવાથી શરૂઆતી વરસાદ સારો રહેવાની આશા છે, ત્યારબાદ સૂર્યનું મૃગશિષ નક્ષત્ર બેસતા પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.
8-9 જૂને ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 8 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ક્યાંક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ચોમાસાનું સત્તાવાર આગમન
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમન અંગે તેમણે 15 જૂન સુધીની સમયરેખા આપી છે. આ ઉપરાંત 19 થી 20 જૂન દરમિયાન રાજ્યમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, જ્યારે 23 થી 28 જૂન દરમિયાન સારો વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ શરૂ થઈ શકે છે.
ચોમાસામાં વિલંબના કારણો
અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે અલનીનોની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વત્તું-ઓછું રહેવાની શક્યતા પણ નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આમ, આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને મેઘરાજાના આગમન સાથે જ ગરમીથી લોકોને રાહત મળશે તેવું જણાય છે.
આ પણ વાંચો: Rain News : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન ! કાળઝાળ ગરમીથી લોકોને મળી રાહત


