Gandhinagar News: 4 વર્ષિય બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલ!
Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં 15 ડિસેમ્બરના રોજ એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં રહેતી એક 4 વર્ષની માસૂમ બાળકીનું રાત્રીના સમયે ગુનાહિત માનસ ધરાવતા આરોપી રામ યાદવે અપહરણ (Kidnapping) કર્યું હતું. આરોપી બાળકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં માસૂમ બાળકી પર જબરજસ્તીથી દુષ્કર્મ (Rape) ગુજાર્યું હતુ. આ ક્રૂર કૃત્ય આચરી આરોપી બાળકીને બેભાન હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને એન્કાઉન્ટર
આ ચકચારી ઘટનાની ફરિયાદ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે આરોપી રામ યાદવની ધરપકડ કરી હતી. ઘટનાના રીકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા દરમિયાન આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસે સ્વબચાવ અને આરોપીને રોકવા માટે ફાયરિંગ (Firing) કરવાની ફરજ પડી હતી. આ ઓપરેશનમાં આરોપીના પગમાં ગોળી વાગતા તે ઝડપાઈ ગયો હતો.
માત્ર 13 દિવસમાં ચાર્જશીટ અને સ્પીડી ટ્રાયલ
ગાંધીનગર પોલીસે આ કેસમાં અત્યંત પ્રશંસનીય અને ઝડપી કાર્યવાહી કરીને માત્ર 13 દિવસની અંદર જ મેડિકલ પુરાવા અને FSL રિપોર્ટ એકત્ર કરી સ્પે. પોક્સો કોર્ટ (Special POCSO Court) માં ચાર્જશીટ (Chargesheet) દાખલ કરી દીધી હતી. ચાર્જશીટ ફાઇલ થયા બાદ સ્પે. પોક્સો જજ એસ. વી. શર્માની કોર્ટમાં આ કેસની ઝડપી સુનાવણી (Speedy Trial) શરૂ થઈ હતી.
ઐતિહાસિક ચુકાદો અને સજાની જોગવાઈઓ
સરકારી વકીલ (Public Prosecutor) સુનિલ એસ. પંડ્યાની ધારદાર દલીલો અને કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા કુલ 35 મજબૂત સાક્ષીઓના આધારે ગુનો સાબિત થયો હતો. ચાર્જશીટ ફાઇલ થયાના ટૂંકા ગાળામાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 40 વર્ષીય આરોપી રામ યાદવને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ (POCSO Act) ની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને તેના કુદરતી આયુષ્યના છેલ્લા શ્વાસ (Last Breath) સુધીની સખત આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ પીડિત બાળકીને ભોગ બનનાર વળતર યોજના હેઠળ 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને આજીવન કેદની સજા


