Gandhinagar : દહેગામમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ
- દહેગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
- મોડી રાત્રે પવન સાથે વરસાદ
- વરસાદના કારણે રાત્રે રોડ પર વાહન ચાલકોને હાલાકી
- જગતનો તાત ચિંતાતુર બાજરીનો પાકને નુકસાન જવાની ભીતિ
- ભારે પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gandhinagar : સોમવારના રોજ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે આકાશમાંથી ધોધમાર વરસાદ (Heavy rain fell) ખાબક્યો હતો. ખાસ કરીને દહેગામ (Dahegam) માં તો ભારે પવન સાથે ભારે વરસાદ (Heavy Rain) નોંધાયો, જેના કારણે વિશેષ કરીને ખેડૂતવર્ગમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે થયેલા આ વરસાદ (Rain) ના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ પાણી ભરાવાના કારણોસર કેટલાક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો.
દહેગામમાં સૌથી વધુ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયું
છેલ્લા 24 કલાકના આંકડાઓ અનુસાર, દહેગામ તાલુકામાં 33 મિમી વરસાદ નોંધાયો છે, જે જિલ્લાની અંદર સૌથી વધુ છે. કલોલમાં 5 મિમી અને ગાંધીનગર શહેરમાં 3 મિમી વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો સરેરાશ 10.3 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદ દરમિયાન ભારે પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે વાહનચાલકોને ખાસ કરીને રાત્રિના સમયે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હાલ બાજરી જેવા રવિ પાકો ઊગ્યા છે, અને ભારે પવન સાથેના વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે. "જગતના તાત" એવા ખેડૂતોએ વરસાદની અસરથી પાક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપી છે કે 10 જૂન આસપાસ ગુજરાતમાં નબળા ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે 12થી 15 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. જો હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ વધી ગયેલા ભેજના પ્રમાણના કારણે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વધુ છે.
તાપમાન અને ભેજના આંકડા
ગાંધીનગરમાં આજે સવારે તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બપોર સુધીમાં તે 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભેજનું પ્રમાણ પણ 37% થી 53% વચ્ચે રહે તેવી શક્યતા છે, જે વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની શરૂઆત પહેલા જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ખેડૂતો ચિંતિત છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકોને માર્ગો પર પડેલા પાણી અને પવન-વરસાદની અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહીઓ પ્રમાણે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે, જે માટે તૈયારી રાખવી અનિવાર્ય બની ગઈ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ