Har Ghar Tiranga Campaign: રાજધાની ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય 'શ્રી કમલમ' (Shree Kamalam) ખાતે સંગઠનની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનને (Har Ghar Tiranga Campaign) સફળ બનાવવાના હેતુથી આ બેઠક યોજાઈ હતી. રાજ્યભરમાં તિરંગા યાત્રા અને દેશભક્તિના વિવિધ કાર્યક્રમોને ભવ્ય રીતે યોજવા માટે સંગઠન દ્વારા વિસ્તૃત પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા પ્રભારીઓની ઉપસ્થિતિ
આ મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માની (Jagdish Vishwakarma) ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી, પ્રદેશના વિવિધ મહામંત્રીઓ તેમજ તમામ જિલ્લાઓના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓએ હાજરી આપી હતી. સંગઠનાત્મક માળખાને મજબૂત કરીને ઘર-ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવા અને લોકોમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે નેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
9 થી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે તિરંગા અભિયાન: અનિલ પટેલનું નિવેદન
બેઠકના નિર્ણયો અંગે માહિતી આપતાં ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલભાઇ પટેલે (Anil Patel) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના આહ્વાન પર આ વર્ષે પણ 9 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવવામાં આવશે.
રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા (Tiranga Yatra) ગાંધીનગર શહેરમાં યોજાશે. ગાંધીનગર બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્રમશઃ તિરંગા યાત્રા અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. રાજ્યના દરેક નાગરિક પોતાના ઘર પર સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે તે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને કલોલ ખાતે પ્રશિક્ષણ વર્ગ
અનિલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, તિરંગા અભિયાન ઉપરાંત આગામી દિવસોમાં અન્ય ચાર મહત્વના કાર્યક્રમો પણ યોજાશે. 14 ઓગસ્ટે ભારત દેશના વિભાજનની વેદનાને યાદ કરતા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' (Partition Horrors Remembrance Day) અંતર્ગત વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે.
આ ઉપરાંત, આવતીકાલે પ્રદેશના વક્તા માટે ખાસ 'પ્રશિક્ષણ વર્ગ'નું આયોજન કલોલ (Kalol) ખાતે કરવામાં આવ્યું છે. તેમજ સંત શિરોમણી રવિદાસ મહારાજની (Ravidas Maharaj) જન્મ જયંતિ નિમિત્તે આગામી 20 તારીખે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ અને સામાજિક સમરસતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.