Gandhinagar: વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષક સંઘે નોંધાવ્યો વિરોધ, 13 મુદ્દાઓ પર રજૂઆત
- વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષક સંઘે નોંધાવ્યો વિરોધ
- વસ્તી ગણતરી માટે શૈક્ષિક સંઘની વિવિધ 13 મુદ્દાઓ પર રજૂઆત
- વસ્તી ગણતરી અને તે પહેલાની મકાનોની ગણતરી માટે રજૂઆત
- વસ્તી ગણતરીમાં અન્ય સરકારી કેડરનો સમાવેશ કરવા રજૂઆત
- સરકારના વિવિધ 26 વિભાગોમાંથી કર્મચારીઓને સમાવવા રજૂઆત
- સહાયક અને શિક્ષકોને રૂપિયા 2 કરોડનો વિમો આપવા માગ
Gandhinagar: ભારતમાં આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયાને લઈને ગુજરાતના શિક્ષક સંઘે મોરચો માંડ્યો છે. વસ્તી ગણતરી અને તે પહેલાં થનારી મકાનોની ગણતરીની કામગીરીમાં શિક્ષકોને સોંપવામાં આવતી જવાબદારીઓ સામે શૈક્ષિક સંઘે સવાલો ઉઠાવ્યા છે. સંઘ દ્વારા વિવિધ 13 મુદ્દાઓ સાથે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં કામગીરીના ભારણથી લઈને સુરક્ષા સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
અન્ય વિભાગોને પણ સામેલ કરવાની માગ
શિક્ષક સંઘની મુખ્ય રજૂઆત એ છે કે વસ્તી ગણતરી જેવી વિશાળ કામગીરી માત્ર શિક્ષકોના માથે ન નાખવી જોઈએ. સરકારના અન્ય 26 જેટલા વિભાગો અને વિવિધ કેડરમાંથી કર્મચારીઓને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સંઘનું કહેવું છે કે અન્ય વિભાગોના કર્મચારીઓને જોડવાથી કામગીરી ઝડપી બનશે અને શિક્ષણ કાર્ય પર તેની નકારાત્મક અસર નહીં પડે.
2 કરોડનો વીમો અને ટેકનિકલ સહાય
સુરક્ષાના મુદ્દે સંઘે આક્રમક માગણી કરી છે. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સામેલ સહાયકો, શિક્ષકો, સર્વે કરનાર કર્મચારીઓ અને ટેકનિકલ સ્ટાફને રૂપિયા 2 કરોડનું વીમા કવચ પૂરું પાડવા રજૂઆત કરવામાં આવી છે. અગાઉની પ્રક્રિયાઓમાં જે પ્રકારની ખામીઓ જોવા મળી હતી, તેવું પુનરાવર્તન ન થાય અને કર્મચારીઓને પૂરતી સાધન-સુવિધા મળે તેની ખાતરી કરવા જણાવાયું છે.
વોરંટ ઈશ્યુ ન કરવા વિનંતી
રજૂઆતમાં સૌથી મહત્ત્વનો મુદ્દો કામગીરીને લઈને ઈશ્યુ કરવામાં આવતા વોરંટ અંગેનો છે. સંઘે માગ કરી છે કે જે શિક્ષકો કે કર્મચારીઓ વસ્તી ગણતરીમાં જોડાય, તેમને કામગીરીના દબાણ હેઠળ વોરંટ ઈશ્યુ કરવામાં ન આવે. અગાઉ 'સર' (SIR) પ્રક્રિયા દરમિયાન સંકલનના અભાવે જે અરાજકતા અને હાલાકી સર્જાઈ હતી, તેવી સ્થિતિ વસ્તી ગણતરીમાં ન સર્જાય તે માટે અત્યારથી જ યોગ્ય આયોજન કરવા લેખિત અનુરોધ કરવામાં આવ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે સરકાર શિક્ષકોની આ 13 મુદ્દાની માગણીઓ પર કેવું વલણ અપનાવે છે. જો યોગ્ય નિકાલ નહીં આવે, તો આગામી દિવસોમાં શિક્ષક સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન વધુ તેજ બનાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો: Mahesana: વરરાજાનો વરઘોડો નિકળતા જ વરસ્યા પથ્થર, સતલાસણામાં કેમ ઉભી થઈ તણાવની સ્થિતિ?


