ત્રણ સરકારી વિભાગોનું ડિજિટલ એકત્રીકરણ
આ ભારત સરકારની એક સંકલીત અને ડેટા આધારિત પહેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા માટે કલ્યાણકારી યોજનાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકારના ત્રણ મુખ્ય વિભાગો આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ તથા શિક્ષણ વિભાગ પોતપોતાની અલગ ડિજિટલ સિસ્ટમ ઓળખ દ્વારા લાભાર્થીઓનું વ્યાપક ટ્રેકિંગ (Tracking) કરશે. આ ત્રણેય વિભાગોના ડેટાનું એકાકીકરણ કરીને એક મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે, જેથી સરકારી સેવાઓની ગણતરી અને અમલીકરણ સચોટ બને.
ગર્ભવતી મહિલાઓ અને 18 વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા
આ પ્રોજેક્ટ ગર્ભવતી મહિલાઓ (Pregnant Women), ધાત્રી માતાઓ અને જન્મથી લઈને 18 વર્ષના બાળકોના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસના પરિણામોને અસરકારક બનાવવા પર કેન્દ્રિત છે. બાળક ના જીવનચક્ર (Life Cycle) ના વ્યાપક ટ્રેકિંગથી એ સુનિશ્ચિત કરાશે કે કોઈ પણ નાગરિક સેવાઓથી વંચિત ન રહે. કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીના હસ્તે બાળકોને પ્રિ-સ્કૂલ કીટ (Pre-school Kit) અને સગર્ભા મહિલાઓને 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' અંતર્ગત વિશેષ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું સંબોધન
આ નિમિતે ઉપસ્થિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટથી કોઈ પણ બાળક કે મહિલા આરોગ્ય સેવાઓથી વંચિત નહીં રહે. ભારતમાં પોલિયો મુક્ત (Polio Free) અભિયાનની જેમ જ આ પ્રોજેક્ટ હવે 11 પ્રકારના ગંભીર રોગોની માહિતી પર સક્ષમતાથી કામ કરશે અને આરોગ્ય વિભાગની ટીમ આ પડકાર ઉપાડવા સંપૂર્ણ સજ્જ છે.
બાળકોનો સ્વાસ્થ્ય ડેટા એક જ જગ્યાએમળી રહેશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના સફળ વર્ષો દરમિયાન છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય થયું છે. પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ બાળક અને માતાના સ્વાસ્થ્યને સુરક્ષિત (Secure) કરવાનું એક નવું કદમ છે. હેલ્થ પાસપોર્ટના માધ્યમથી બાળકોનો જન્મથી લઈને 16 થી 18 વર્ષ સુધીનો તમામ સ્વાસ્થ્ય ડેટા એક જ જગ્યાએ ઉપલબ્ધ બનશે. વડાપ્રધાને દેશના 140 કરોડ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે અને આ પ્રોજેક્ટ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વની સિદ્ધિ સાબિત થશે.
દેશમાં અમૂલ પરિવર્તન અને પારદર્શિતા: અમિતભાઈ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું કે, વર્ષ 2014 એ દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ વર્ષ છે. જ્યારે પણ દેશનો આઝાદીથી 100 વર્ષનો ઇતિહાસ લખાશે, ત્યારે 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત એમ બે ભાગ સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા ગાળાના આયોજનથી દેશમાં સર્વાંગી વિકાસ થયો છે. તેમણે દેશના 70 કરોડ ગરીબોના જીવનને સુધારવાનું ઐતિહાસિક કામ કર્યું છે. અગાઉ પૂર્વાંચલ જેવા વિસ્તારોમાં ગરીબી, શૌચાલય અને વીજળીનો અભાવ હતો, જે માત્ર 12 વર્ષમાં દૂર કરાયો છે.
'1 રૂપિયો મોકલવામાં આવે તો પૂરેપૂરા પૈસા ખાતામાં જમા થાય છે'
ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આજે વડાપ્રધાનના શાસનમાં પારદર્શિતા એવી છે કે દિલ્હીથી 1 રૂપિયો મોકલવામાં આવે તો પૂરેપૂરા પૈસા ગરીબોના ખાતામાં સીધા જમા થાય છે. દેશમાં 15 કરોડ શૌચાલયોનું નિર્માણ કરીને ગત 5 પેઢીઓના સપનાઓ માત્ર 12 વર્ષમાં પૂર્ણ કર્યા છે. આ પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટનો પ્રારંભ પ્રાયોગિક ધોરણે ગાંધીનગર લોકસભા વિસ્તારથી કરવામાં આવ્યો છે. આ ટ્રેકર એટલું સચોટ છે કે જો કોઈ બાળક પોલિયોના ટીપાં લેવાનું ભૂલી જશે કે શિક્ષણ વિભાગમાં કોઈ દીકરી શાળાએ જવાનું બંધ કરશે, તો તુરંત જ સિસ્ટમ દ્વારા તેની ખબર પડી જશે. રિસર્ચ અને ડેટાના આધારે આધુનિક ટેકનોલોજી દ્વારા માત્ર એક જ કોમ્પ્યુટર સ્ક્રીન પર સમગ્ર ટ્રેકિંગ વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. આ યોજના સાથે જોડાયેલા તમામ વિભાગો અને અધિકારીઓને ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Latest News: ગાંધીનગરમાં અમિતભાઈ શાહે કરાવ્યો 'PM ફેમિલી કેર ટ્રેકર'નો પ્રારંભ, બાળકોને મળશે ડિજિટલ ઓળખ