GETCO STATCOM project: ગુજરાતની વીજ ક્ષેત્રે નવી ક્રાંતિ
GETCO STATCOM project: ગુજરાતમાં વીજ અસ્થિરતા દૂર કરવા ગીર સોમનાથ બાદ વધુ 7 સબસ્ટેશનો (થરાદ, દિયોદર, ધોલેરા વગેરે) પર અદ્યતન STATCOM ટેક્નોલોજી સ્થાપવામાં આવશે. ખેડૂતોને મળશે સતત અને સ્થિર વીજ પુરવઠો ગીર સોમનાથ બાદ વધુ 7 સ્થળોએ સ્થપાશે અદ્યતન ‘STATCOM’ સિસ્ટમ
એક સમયે વીજળીની અછતનો સામનો કરનાર ગુજરાત આજે ઊર્જા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર અને આત્મનિર્ભર બન્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra )ના નેતૃત્વમાં શરૂ થયેલી ‘જ્યોતિગ્રામ યોજના’ અને વીજ સુધારાઓને કારણે આજે રાજ્યમાં 24 કલાક અવિરત વીજ પુરવઠો મળી રહ્યો છે. આ જ પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર હવે પાવર ગ્રીડને વધુ આધુનિક અને મજબૂત બનાવવા જઈ રહી છે. ગીર સોમનાથમાં મળેલી ભવ્ય સફળતા બાદ, રાજ્યમાં વધુ 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે અદ્યતન STATCOM (સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર) સિસ્ટમ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
GETCO STATCOM project: શું છે STATCOM ટેક્નોલોજી?
STATCOM એ વાસ્તવમાં પાવર ગ્રીડ માટેનું એક ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ છે. આ સિસ્ટમ ગ્રીડની સ્થિતિ પર રિયલ-ટાઇમમાં (સતત) નજર રાખે છે અને વીજ પ્રવાહમાં થતી વધઘટ સામે તાત્કાલિક પ્રતિસાદ આપે છે. તે જરૂરિયાત મુજબ રિએક્ટિવ પાવર આપીને અથવા શોષીને વોલ્ટેજને સ્થિર રાખે છે.
GETCO ની ઐતિહાસિક સિદ્ધિ: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) આ અદ્યતન STATCOM ટેક્નોલોજીનો ઉપયોગ કરનારી ભારતની પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની છે.
GETCO STATCOM project: ગીર સોમનાથના ટીંબડી ખાતે પ્રથમ પ્રયોગ સફળ
રાજ્યનું સૌપ્રથમ ±120 MVAR ક્ષમતા ધરાવતું STATCOM 5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ સિસ્ટમની જરૂરિયાત શા માટે પડી?
વોલ્ટેજમાં ભારે ઉતાર-ચઢાવ: ટીંબડી સબસ્ટેશન નજીક કોઈ વીજ ઉત્પાદન સ્ત્રોત ન હોવાથી અને સિંગલ-સર્કિટ લિંક હોવાના કારણે ત્યાં વોલ્ટેજ ભારે અસ્થિર રહેતો હતો.
કૃષિ ક્ષેત્રની માંગ: ખેતીવાડીમાં વીજળીની માંગ વધતા પીક સમયમાં વોલ્ટેજ ઘટીને 190-200 kV થઈ જતો, જ્યારે ચોમાસામાં માંગ ઘટતા તે વધીને 235-245 kV સુધી પહોંચી જતો હતો.
પરંપરાગત સાધનોની મર્યાદા: જૂના કેપેસિટર અને રિએક્ટર આ ઝડપી ફેરફારોને પહોંચી વળવામાં સક્ષમ નહોતા.
STATCOM થી થયેલા ફાયદા:
STATCOM કાર્યરત થતાં જ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોને મોટી રાહત થઈ છે. તેનાથી:
વોલ્ટેજ સંપૂર્ણપણે સ્થિર થયો છે અને સાધનોની સુરક્ષા વધી છે.
ટ્રાન્સમિશન લાઇન પરનો ભાર ઘટ્યો છે અને વીજળીનો બગાડ (લોસ) ઓછો થયો છે.
ખેડૂતોને ખેતી માટે ગુણવત્તાયુક્ત અને સતત વીજ પુરવઠો મળતો થયો છે.
હવે પછી કયા 7 સ્થળોએ સ્થાપના થશે?
ટીંબડી ખાતેની સફળતાને જોતા ગુજરાત સરકારે રાજ્યના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે વધુ 7 સબસ્ટેશનોમાં ±125 MVAR ક્ષમતાવાળા STATCOM સ્થાપવાનું આયોજન કર્યું છે:
| ક્રમ | સબસ્ટેશનનું નામ | ક્ષમતા (kV) |
| 1 | થરાદ | 220 kV |
| 2 | દિયોદર | 220 kV |
| 3 | સાગપરા | 220 kV |
| 4 | ખેરાલુ | 220 kV |
| 5 | કુકમા | 220 kV |
| 6 | ધ્રાંગધ્રા | 220 kV |
| 7 | ધોલેરા-2 (આવનારું) | 400 kV |
ગુજરાત સરકારનું આ પગલું રાજ્યના ઊર્જા ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આગામી સમયમાં આ 7 નવા પ્રસ્તાવિત STATCOM કાર્યરત થવાથી સમગ્ર ગુજરાતમાં ગ્રીડ મેનેજમેન્ટ વધુ મજબૂત બનશે અને ઉદ્યોગોથી લઈને અંતરિયાળ ગામડાના ખેડૂતો સુધી દરેક નાગરિકને વધુ વિશ્વસનીય, ક્ષતિરહિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીજળી મળી રહેશે.
આ પણ વાંચો : Digital Gujarat :તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે


