પોલીસ કસ્ટડીમાં ઉંદરોની 'ડ્રગ્સ પાર્ટી'? 2300 કિલો ડ્રગ્સ મૂષકરાજ આરોગી ગયા: CAG Report
વિધાનસભામાં રજૂ થયેલા CAG Report માં ચોંકાવનારો ખુલાસો
પોલીસે જપ્ત કરેલા માદક પદાર્થોને ઉંદરો દ્વારા નુકસાન થયું
પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ!
ઓક્ટોબર-22થી જુલાઈ-23 સુધી જપ્ત કરાયેલા માદક પદાર્થોનો આંકડો
6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો
4177.86 કિલો. માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો
પકડાયેલા અને નાશ કરાયેલા જથ્થામાં 2332.68 કિલોનો તફાવત
CAG Report: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં રજૂ કરવામાં આવેલા કેગ (CAG) ના તાજેતરના અહેવાલે રાજ્યના પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ (Home Department) ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રિપોર્ટ મુજબ, પોલીસે જપ્ત કરેલા માદક પદાર્થો (Narcotics) ના જથ્થામાં અધધ 2332.68 કિલોનો તફાવત જોવા મળ્યો છે. આ આંકડો ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 સુધીના ગાળાનો છે.
35 ટકા જથ્થો રજિસ્ટરમાંથી ગાયબ
CAG ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન કુલ 6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત (Seized) કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ આ જથ્થાનો નાશ કરવાનો હોય છે, પરંતુ જ્યારે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે માત્ર 4177.86 કિલો જથ્થો જ ઉપલબ્ધ હતો. આમ, પકડાયેલા અને નાશ કરાયેલા જથ્થા વચ્ચે 2332.68 કિલોનો મોટો તફાવત (Difference) સામે આવ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો જપ્ત કરાયેલા કુલ માદક પદાર્થોમાંથી 35 ટકા જથ્થો પોલીસની કસ્ટડીમાંથી ગાયબ થઈ ગયો છે.
ગૃહ વિભાગના અજીબ તર્ક: ઉંદરો અને ભેજ જવાબદાર!
જ્યારે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અને ગાંજો (Cannabis) ગાયબ થવા અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે ગૃહ વિભાગે જે ખુલાસા આપ્યા તે આશ્ચર્યજનક છે. વિભાગે મુખ્ય ત્રણ કારણો રજૂ કર્યા છે. જેમાં સૌથી પ્રથમ કારણ હતું કે પોલીસ સ્ટેશનોમાં માદક પદાર્થો સાચવવા માટે યોગ્ય સ્ટોરેજ (Storage facilities) ન હોવાથી ઉંદરો (Rats) દ્વારા જથ્થાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ગૃહ વિભાગના મતે, જ્યારે લીલા છોડ (Green plants) જપ્ત કરવામાં આવે છે, ત્યારે સમય જતાં તેનો ભેજ સુકાઈ જાય છે, જેના કારણે વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ ઉપરાંત વિભાગે કબૂલાત કરી છે કે અંદાજિત 144.180 કિલો ગાંજાની ચોરી (Theft) પણ થઈ છે.
વહીવટી તંત્રની બેદરકારી સામે સવાલ
CAG એ આ બાબતે ગંભીર નોંધ લેતા જણાવ્યું છે કે માદક પદાર્થો જેવા સંવેદનશીલ મુદ્દે આટલી મોટી બેદરકારી ચલાવી શકાય નહીં. કરોડોની કિંમતનો મુદ્દામાલ ઉંદરો ખાઈ જાય અથવા ચોરી થઈ જાય તે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
આ પણ વાંચો: ખોટી માહિતી રજૂ કરવા બદલ Gopal Italia એ ગૃહમાં માફી માંગી; સસ્પેન્શનની દરખાસ્ત બાદ નમતું જોખ્યું


