ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને તૈયારીઓ તેજ! 5 નવા વિધેયક રજૂ થશે
- Gujarat Assembly Monsoon Session ને લઈને તૈયારી તેજ
- ગાંધીનગરમાં મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક
- ત્રણ દિવસ સત્રમાં થનારી કામગીરી પર બેઠકમાં થશે ચર્ચા
- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આગેવાનીમાં બેઠક
- CM ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહેશે
- કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો હાજર રહેશે
- ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું મળશે ચોમાસું સત્ર
- ચોમાસું સત્રમાં કુલ 5 સુધારા વિધેયક કરવામાં આવશે રજુ
Gujarat Assembly Monsoon Session : ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, અને તેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સત્રને સુચારુ રૂપથી ચલાવવા માટે, આજે બપોરે 12 વાગ્યે વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સત્ર દરમિયાન થનારી કાર્યવાહી અને કાર્યોને આખરી ઓપ આપવામાં આવશે.
કામકાજ સલાહકાર સમિતિની બેઠક : એક મહત્વપૂર્ણ ચર્ચા
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, તેમજ કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો હાજર રહેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ 3 દિવસના સત્ર દરમિયાન કયા વિષયો પર ચર્ચા કરવી, કયા બિલો રજૂ કરવા અને કયા પ્રસ્તાવ પસાર કરવા તે નક્કી કરવાનો છે. આ બેઠક સત્રની સફળતા માટે એક રોડમેપ તૈયાર કરશે.
આ Monsoon Session માં 5 મહત્વપૂર્ણ સુધારા વિધેયક
આ 3 દિવસીય ચોમાસુ સત્રમાં કુલ 5 મહત્વપૂર્ણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આ વિધેયકોનો હેતુ વર્તમાન કાયદાઓમાં સુધારા કરીને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ લાવવાનો છે. રજૂ થનારા આ 5 બિલો નીચે મુજબ છે:
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’
- નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’
- ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક, 2025’
- ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025
- ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025
સત્રની શરૂઆત અને મુખ્ય પ્રસ્તાવો
8મી તારીખથી શરૂ થનાર આ Monsoon Session સત્રની શરૂઆત પ્રશ્નોતરી કાળથી થશે. ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં તાજેતરમાં અવસાન પામેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની સફળતાને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે.
આ સત્ર દરમિયાન 9 અને 10 તારીખે પ્રશ્નોતરી અને અન્ય કામગીરીઓ ઉપરાંત આ પાંચેય વિધેયકો પર ચર્ચા થશે અને તેમને પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિવસને બનાવ્યો યાદગાર