Gujarat Cabinet Decisions :નિયમો સરળ, કામ ઝડપી અને ગુજરાત હરિયાળું: મંત્રીમંડળની બેઠકમાં લેવાયા જનહિતના નિર્ણયો
Gujarat Cabinet Decisions: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. જેમાં વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા માટે નવી SOP બનાવવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગુણવત્તાની કડક ચકાસણી કરવી, તેમજ સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે ખાસ ફંડ ફાળવવા સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
રાજ્યના નાગરિકોની સુખાકારી અને સરકારી વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર સરકારી પ્રોજેક્ટ્સની સમીક્ષા જ નથી થઈ, પરંતુ સામાન્ય જનતાને સ્પર્શતા પ્રશ્નો જેવા કે ચોમાસાની તૈયારીઓ, પર્યાવરણ અને સ્વચ્છતા અંગે પણ પાયાના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ મીડિયા સમક્ષ સરકારના આ લોકાભિમુખ નિર્ણયોની વિગતો રજૂ કરી હતી.
Gujarat Cabinet Decisions: સરકારી પ્રોજેક્ટ્સમાં વિલંબ રોકવા બનશે નવી SOP
ઘણીવાર સરકારી કામો મંજૂર થઈ ગયા પછી પણ વન વિભાગની પરવાનગી (NOC) કે જમીન સંપાદન જેવા સરકારી કાગળિયાઓમાં અટવાઈ પડતા હોય છે. મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના મુખ્ય સચિવને એક નવી SOP (Standard Operating Procedure) બનાવવાનો આદેશ આપ્યો છે. આનાથી વિવિધ સરકારી વિભાગો વચ્ચેનો તાલમેલ વધશે અને વિકાસના કામો સમયસર પૂરા થશે.
Gujarat Cabinet Decisions: રોડ-રસ્તા અને બિલ્ડિંગના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં
મુખ્યમંત્રીએ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગુણવત્તા બાબતે સહેજ પણ બેદરકારી ચલાવી લેવાશે નહીં. બિલ્ડિંગના લાઇન-લેવલ અને ફ્લોરિંગ જેવી નાની-નાની બાબતો પર પણ ઝીણવટભરી નજર રાખવા અને જ્યાં પણ ખામી જણાય ત્યાં તરત જ સુધારો કરવા આદેશ અપાયા છે.
ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: ખાલી તળાવો પાણીથી ભરાશે
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે નાગરિકોને પાણી ભરાવા કે અન્ય કોઈ મુશ્કેલી ન નડે તે માટે પ્રી-મોન્સૂન(pre-monsoon) કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારો અને નગરપાલિકાઓમાં જે તળાવો અત્યારે ખાલી પડ્યા છે, તેને ચોમાસા પહેલાં જ પાણીના સ્થાનિક સ્ત્રોત શોધીને સત્વરે ભરી દેવા માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે.
'સ્વચ્છતા હી સેવા' માટે પંચાયતોમાં બનશે અલગ 'બજેટ હેડ'
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સપનાને ગામડાઓ સુધી સાકાર કરવા માટે એક મોટો વહીવટી ફેરફાર સૂચવાયો છે. હવેથી ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા(Swachhata Hi Seva)ની પ્રવૃત્તિઓ માટે એક અલગ 'હેડ' (Separate budget head) ઊભું કરવામાં આવશે, જેથી ફંડના અભાવે ગામડાઓમાં સ્વચ્છતાનું કામ અટકે નહીં.
શહેરોને હરિયાળા બનાવવા નગરપાલિકાઓને મળશે સ્પેશિયલ ફંડ
ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગને ખાસ તાકીદ કરી છે. હવેથી નગરપાલિકા વિસ્તારોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ થાય તે માટે સરકાર દ્વારા અલગથી ખાસ ફંડ (ગ્રાન્ટ) ફાળવવામાં આવશે.
રાજ્ય મંત્રીમંડળની આ બેઠકના નિર્ણયો પરથી સ્પષ્ટ થાય છે કે વર્તમાન સરકાર માત્ર મોટા પ્રોજેક્ટ્સની જાહેરાતો કરવા પૂરતી સીમિત નથી, પરંતુ સરકારી કામોની નાની-નાની ગુણવત્તા, સમયસરતા અને પર્યાવરણ જેવા પાયાના વિષયો પ્રત્યે પણ એટલી જ સંવેદનશીલ છે.
નવી SOP અને પંચાયતોમાં સ્વચ્છતા માટે અલગ ફંડની વ્યવસ્થા જેવા નિર્ણયો આગામી સમયમાં વહીવટી ક્ષેત્રે મોટા અને હકારાત્મક પરિવર્તનો લાવશે, જેનો સીધો લાભ ગુજરાતની જનતાને મળશે.
આ પણ વાંચો : Banaskantha ના આ ખેડૂતને સલામ: રખડતી ગાયો માટે 5 વીઘાનો લીલીછમ બાજરીનો પાક ખુલ્લો મૂક્યો


