'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે રાજ્યના પોલીસ વડાની ઓચિંતી મુલાકાત
ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એ પોલીસ વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા બની ચૂકી છે. ગાંધીનગર ખાતે કાર્યરત આધુનિક 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' નાગરિકોના નાણાકીય અને ડિજિટલ અધિકારોનું રક્ષણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. આજે સવારે રાજ્યના DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ સેન્ટરની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન તેમણે સાયબર ગુનાઓની તપાસ પ્રક્રિયા, ટેક્નિકલ વિશ્લેષણ તથા સેન્ટરની વિવિધ શાખાઓની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ડિજિટલ પુરાવાઓની વૈજ્ઞાનિક તપાસ અને તપાસની પારદર્શકતા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
1930 હેલ્પલાઈનનું એક્સટેન્શન અને તાત્કાલિક પ્રતિસાદની સમીક્ષા
ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં પીડિતોને ત્વરિત સહાય મળે તે અત્યંત જરૂરી હોય છે. અહેવાલો અનુસાર, DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સાયબર ફ્રોડ અંગે મળતી ફરિયાદોના સ્વીકાર, તાત્કાલિક પ્રતિસાદ અને પીડિતોના નાણા ફ્રીઝ કરવાની પ્રક્રિયા ચકાસી હતી.
નાગરિકોની સુવિધા માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 નું હજુ વધુ એક્સ્ટેન્શન કરવા બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી. 1930 ની કેપેસિટી અને સ્ટાફ વધારવાથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને 'ગોલ્ડન અવર' માં નાણાકીય રકમ પરત અપાવવામાં વધુ સફળતા મળશે.
ફોરેન્સિક્સ, ડેટા રિકવરી અને કોર્ટમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા પર ભાર
રાજ્યના પોલીસ વડાએ જટિલ સાયબર ગુનાઓના ઉકેલ માટે આધુનિક ટેક્નોલોજી અને ઇન્ટેલિજન્સ વિશ્લેષણના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કમ્પ્યુટર તથા મોબાઇલ ફોરેન્સિક્સ અને ડેટા રિકવરી સિસ્ટમની સમીક્ષા કરી હતી.
જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સૂચન કર્યું હતું કે સાયબર તપાસની ગુણવત્તા સુધારીને કોર્ટમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા જોઈએ. તેનાથી ગુનેગારોને સખત સજા અપાવાશે અને સાયબર ક્રાઇમ પર વહેલી તકે લગામ કસી શકાશે.
"નાગરિકો માટે સુગમ અને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઊભું કરવું એ અમારી પ્રાથમિકતા છે. 1930 હેલ્પલાઇન અને ફોરેન્સિક તપાસને વધુ મજબૂત કરવામાં આવશે." - શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (DGP, ગુજરાત)
મહિલા-બાળકોની સાયબર સુરક્ષા, સોશિયલ મીડિયા ગુના અટકાવવાની રણનીતિ
તપાસ ઉપરાંત, ઓનલાઇન સાયબર બુલિંગ, સોશિયલ મીડિયાના ગુનાઓ તેમજ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશોની પણ માહિતી મેળવવામાં આવી હતી. ભવિષ્યમાં રાજ્યના તમામ જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનોનું સેન્ટ્રલ મોનિટરિંગ વધુ મજબૂત બનશે.
પોલીસ સ્ટાફ માટે આધુનિક સાયબર ટ્રેનિંગ અને અદ્યતન ટૂલ્સ ઉપલબ્ધ કરાવીને ગુજરાત પોલીસને દેશમાં સાયબર સુરક્ષા ક્ષેત્રે મોડેલ બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Passport Police Verification Rules : પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, DGPનો મોટા આદેશ