Gujarat : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળીયું ઘી વેચતા વેપારીઓ સામે કરી કાર્યવાહી
- નવકાર ડેરી પ્રોડક્ટસ ડીસા અને પાલનપુરમાં દરોડા
- દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 11 નમૂના લીધા
- રૂપિયા 17.50 લાખનો ચાર હજાર કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો
Gujarat : ભેળસેળીયું ઘી વેચતા વ્યાપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળીયું ઘી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. તેમાં નવકાર ડેરી પ્રોડક્ટસ ડીસા અને પાલનપુરમાં દરોડા પાડ્યા છે જેમાં દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 11 નમૂના લીધા છે. તથા રૂપિયા 17.50 લાખનો ચાર હજાર કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. જપ્ત થયેલો જથ્થો રાજસ્થાનમાં વેચાણ અર્થે મોકલવાનો હતો. વેપારી સામે અગાઉ ખાદ્ય તેલમાં ભેળસેળ માટે દંડ થઈ ચૂક્યો છે.
તંત્ર દ્વારા પેઢીને નોટિસ આપવામાં આવેલ હતી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ (લાયસન્સીંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, 2011ની જોગવાઇઓનું ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરવામાં આવેલ હતું.
તમામ 11 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે
તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ હોવા છતાં ઘીનું ઉત્પાદન કરતી માલૂમ પડેલ. આથી, પેઢીના તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા જતા તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતા સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘીની અલગ-અલગ બ્રાંડ અને વજનના કુલ અગિયાર નમુના લેવામાં આવેલ હતા. ઉક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો જે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. 17.50 લાખ અને વજન આશરે 4000 કિગ્રા થવા જાય છે.
મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. 25,000 નો દંડ
લીધેલ તમામ 11 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઉક્ત વેપારી પર ખાદ્યતેલમાં ભેળસેળ માટેના એડજ્યુડીકેશન કેસમાં રુ. 1.25 લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. 25,000 નો દંડ અગાઉ પણ થઇ ચૂકેલ છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.
આ પણ વાંચો: Gujarat : લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં નવો વળાંક


