રાજ્યમાં ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં જાહેર કરાયેલા રેડ એલર્ટ(Red Alert)ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા (Prafulbhai Pansheriya)ની અધ્યક્ષતામાં આજે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યવ્યાપી આરોગ્ય તૈયારીઓ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓની આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, ઇમરજન્સી વ્યવસ્થા અને વરસાદી મોસમ દરમિયાન સર્જાઈ શકે તેવી આરોગ્ય સંબંધિત પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
Gujarat Monsoon 2026 : વરસાદી મોસમમાં પાણીજન્ય રોગોની સારવાર માટે આગોતરી વ્યવસ્થા
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદી મોસમમાં પાણીજન્ય રોગો તેમજ ઝેરી જીવજંતુ કરડવાના બનાવોમાં વધારો થવાની શક્યતા રહેતી હોવાથી રાજ્યની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉપરાંત કોઈ વિસ્તારમાં દવાઓની અછત સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)માંથી તાત્કાલિક પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે રાજ્યના તમામ PHC, CHC અને અન્ય સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તબીબો તથા પેરામેડિકલ સ્ટાફને 24 કલાક સેવા માટે તૈનાત રાખવામાં આવ્યો છે, જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમરેલી, રાજુલા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના અન્ય રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં આરોગ્ય તંત્રને વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લાઓની આરોગ્ય ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં રાજ્યમાં કોઈ ગંભીર કે ચિંતાજનક આરોગ્ય પરિસ્થિતિ નથી. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા અગમચેતીના ભાગરૂપે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં દરેક જિલ્લાના આરોગ્ય તંત્રની તૈયારીઓની સમીક્ષા કરીને જ્યાં કોઈ કમી જણાય ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : વાપીમાં ધમાકેદાર 8 ઇંચ, નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં!