Gujarat Rains News: ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થતા જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર અને મનમૂકીને વરસતું સ્વરૂપ ધારણ કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના તાજેતરના અહેવાલ મુજબ, ગત 24 કલાકમાં રાજ્યના 34 જિલ્લાઓના 225 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 8 ઈંચથી વધુ નોંધાયો છે. આ ઉપરાંત, વલસાડના પારડી અને ઉમરગામ તાલુકામાં 6-6 ઈંચથી વધુ, સુરતના કામરેજમાં 6 ઈંચથી વધુ અને ભાવનગરના ઘોઘા તાલુકામાં પણ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 7 જુલાઈ, 2026ની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
જળાશયોની સ્થિતિ અને હાઈ એલર્ટ
વરસાદને પગલે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 65 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયો પણ કુલ ક્ષમતાના 40.01 ટકા જેટલા ભરાઈ ગયા છે. હાલની સ્થિતિએ 11 ડેમ હાઈ એલર્ટ પર, 4 ડેમ એલર્ટ પર અને 7 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
તંત્રની તૈયારીઓ અને રાહત કામગીરી
રાજ્યમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. 1 જૂન, 2026થી અત્યાર સુધીમાં 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 134 નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, NDRF અને SDRFની કુલ 36 ટીમોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ પણ વાંચો: Saputara Tour Package Fraud: સાપુતારા ટુર પેકેજના નામે પ્રવાસી સાથે રૂ. 76 હજારની છેતરપિંડી, બે ઠગ ઝડપાયા