Gujarat News Today : રાજ્યમાં આજે રાજકીય હલચલ, ધાર્મિક આસ્થાઓના મહાપર્વ અને વિવિધ જિલ્લાઓમાંથી મહત્વપૂર્ણ બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજરોજ ત્રીજો અને અંતિમ દિવસ છે, જ્યાં રાજ્યના અપૂરતા વરસાદવાળા વિસ્તારો અને દુષ્કાળના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. આ સાથે જ ભાદરવી અમાસ નિમિત્તે રાજ્યના પવિત્ર સ્થળોએ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.
ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજરોજ સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી સાથે ત્રીજો અને અંતિમ દિવસ શરૂ થશે. સત્રના અંતિમ દિવસના કામકાજની શરૂઆત એક કલાકના પ્રશ્નોત્તરી કાળથી થશે. આ દરમિયાન રાજ્યના અપૂરતા વરસાદ વાળા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના મુદ્દે વિપક્ષ દ્વારા નિયમ 116 અંતર્ગત તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ ગૃહમાં ચર્ચા ઉઠાવવામાં આવશે, જેનો રાજ્ય સરકાર જવાબ આપશે. આજના દિવસે ગૃહમાં ચર્ચા માટે ત્રણ મહત્વના સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે, જેમાં (1) ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક, (2) ગુજરાત ભાડા વિધેયક, અને (3) ગુજરાત ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ બાબતનું સુધારા વિધેયક સામેલ છે. છેલ્લા દિવસનો પ્રસ્તાવ ભાજપ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા રજૂ કરવામાં આવશે. તેમજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી ઉપસ્થિત રહેશે.
Advertisement ![Navratri Banner]()
અમદાવાદ
આગામી ગણપતિ મહોત્સવ દરમિયાન ગણપતિ પંડાલોમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને જાહેર સલામતી અંગે અમદાવાદ શહેર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને એએમસીની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ વચ્ચે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે ફાયર ટીમ દ્વારા વિશેષ તૈયારીઓ કરાઈ છે. આ ઉપરાંત, ગુજરાત યુનિવર્સિટી ખાતે 11 અને 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન "Coastal Ecology, Security and Sustainability" વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે ઉદ્ઘાટન થયેલી આ પરિષદમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહી દરિયાકાંઠાના પર્યાવરણ સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને ટકાઉ વિકાસ અંગે મંથન કરશે.
રાજકોટ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક વિવાદ અને ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાર્ટીના જ ચાર આગેવાનો વિરુદ્ધ માત્ર વિરોધી કૃત્ય કરવા બદલ પ્રદેશ પ્રમુખને લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.
જામનગર
જામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખામાં મિલકતના નામ ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોવા છતાં, હજુ પણ જૂના અરજી ફોર્મનું 10 રૂપિયા લઈને વિતરણ ચાલુ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. ઓનલાઈન સિસ્ટમ કાર્યરત હોવા છતાં નાગરિકો પાસેથી ફોર્મના નામે નાણાં વસૂલવા સામે સવાલો ખડા થયા છે.
ભાવનગર
ભાવનગરથી ૩૦ કિમી દૂર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો દ્વારા સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજરોજ ભાદરવી અમાસ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભાવિકો કોળીયાકના દરિયામાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને પાંચ શિવલિંગના દર્શન કરી રહ્યા છે, જેને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
કચ્છ
ભુજ ખાતે દબાણ હટાવવાની કામગીરી બાદ ઘરવિહોણા બનેલા અંદાજે 300 પરિવારો દ્વારા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને પુનર્વસનની માંગ સાથે કલેક્ટર કચેરી બહાર શરૂ કરાયેલા ધરણા આજરોજ પણ યથાવત છે. લાંબા સમયથી રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ નક્કર ઉકેલ ન મળતા અસરગ્રસ્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જુનાગઢ
પવિત્ર ભાદરવી અમાસ નિમિત્તે આજરોજ દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. શાસ્ત્રોમાં પિતૃ તર્પણ અને મોક્ષ માટે આ દિવસનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ દામોદર કુંડમાં ડૂબકી લગાવી પવિત્ર પારસ પીપળે પાણી ચડાવી બ્રાહ્મણો પાસે વિધિ કરાવી પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ખેડા
શ્રાવણ માસની અમાસને લઈને જિલ્લાના તમામ મુખ્ય શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વાત્રક નદી કિનારે આવેલ પરાશર મહાદેવ હલધરવાસ ખાતે ભવ્ય મેળો ભરાયો છે. ખાસ કરીને અહીં વાત્રક નદી ઉગમની દિશામાં વહેતી હોવાથી તેને 'ઉગમણી નદી' તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ધાર્મિક મહાત્મ્ય ખૂબ મોટું છે.
સુરેન્દ્રનગર
થાન તાલુકામાં સિરામિક ઉદ્યોગને પૂરા પાડવામાં આવતા ઔદ્યોગિક ગેસના ભાવમાં તાજેતરમાં 14 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની અસરોને કારણે નિકાસ ઘટી છે અને બીજી તરફ ગેસ મોંઘો થતા પડતર કિંમતમાં વધારો થયો છે, જેથી સિરામિક એસોસિએશને ગેસ કંપનીને ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે.
સાબરકાંઠા
ગ્રામ સેવકો હડતાળ પર ઉતરીને કામગીરીથી અલિપ્ત રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદ ખેંચાવાની સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે મહત્વની ગ્રામ્ય સ્તરની કામગીરીઓ પણ ટલ્લે ચડી જવાની દહેશત ઊભી થઈ છે.
છોટાઉદેપુર
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચુગ સહિતના પ્રદેશ નેતાઓ આજરોજ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે.
ગીર સોમનાથ
શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાવસ્યાના પવિત્ર અવસરે પ્રભાસ તીર્થ ખાતે પિતૃ તર્પણ કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણને પણ ૩૩ કોટી યાદવોના મોક્ષ અર્થે પ્રભાસ તીર્થમાં પિતૃ તર્પણ કર્યું હતું, જેને લઈને આજે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.
સુરત
કામરેજ સુગર ફેક્ટરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સત્તાવાર વરણી કરવામાં આવશે. અગાઉ આંતરિક વિવાદો અને કારણોસર ચૂંટણી બે વખત મુલતવી રાખવામાં આવી હતી.
પાટણ
પાટણ જિલ્લામાં વરસાદ ઓછો વરસવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને આશા સાથે કરેલી વાવણી સામે વરસાદ ન ખેંચાતા કપાસ, એરંડા, મગ, મઠ અને પશુઓ માટેનો ઘાસચારો સુકાઈ રહ્યો છે, જેને લઈને આજરોજ ખેડૂતો સાથે ખાસ ચૌપાલ યોજીને ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Assembly: વિધાનસભાના ચોમાસું સત્રના ત્રીજા દિવસે 3 મહત્વના બિલ પસાર, GST થી જમીન સુધી મોટા સુધારા, જાણો