Gujarat News Today: ગુજરાત (Gujarat) માં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એકતરફ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે, તો બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યસભાની 4 બેઠકો માટે માત્ર ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેના ફોર્મની ચકાસણી આજે થવાની છે. આ સાથે જ અમરેલીમાં રાજ્યના ઉર્જામંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ લોકહિતના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગરમી વચ્ચે વરસાદી માહોલની એન્ટ્રી
ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. જો કે, આ તૈયારીઓ વચ્ચે પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૧૫ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ગરમીના આ માહોલ વચ્ચે વરસાદી એન્ટ્રી થવાથી લોકોને ટૂંક સમયમાં જ અસહ્ય બફારા અને ગરમીમાંથી રાહત મળવાની આશા છે. પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદ અને ચોમાસાના સત્તાવાર આગમનની સ્થિતિ અંગે પોતાના મહત્વના અનુમાનો વ્યક્ત કર્યા છે.
ભાવનગર
ભાવનગર 41.4 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર નોંધાયું છે.
અમદાવાદ
રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં પણ ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચતા નાગરિકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે.
રાજકોટ
સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ શહેરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.
રાજ્યસભા ચૂંટણી માટે આજે ફોર્મની ચકાસણી
ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. આ 4 બેઠકો માટે માત્ર સત્તાધારી પક્ષ ભાજપના જ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.
આજે 9 જૂનના રોજ આ તમામ ઉમેદવારી ફોર્મની સત્તાવાર ચકાસણી (સ્ક્રુટીની) હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અનુસાર, આગામી 11 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી, 11 જૂને ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
અમરેલીમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના જન્મદિવસની ઉજવણી
અમરેલી શહેરમાં આજે રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના જન્મદિવસ નિમિત્તે વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસરને યાદગાર બનાવવા અને જનકલ્યાણના હેતુથી શહેરમાં વિવિધ લોકહિતકારી અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : હિરાસર એરપોર્ટ મોટી દુર્ઘટના ટળી, બર્ડ હિટ થતા દિલ્હીની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ