Gujarat News Today: ગુજરાતમાં આજે રાજકીય અને સામાજિક ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે, જેમાં એક તરફ ખેડૂતોના પ્રશ્નોને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસાના આગમન અને વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.
ખેડૂત આંદોલન અને રાજકીય હલચલ
બાજરીની ટેકાના ભાવે ખરીદીની મર્યાદાના મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો આ મર્યાદામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે અને જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આકરા પાણીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ગંભીર મુદ્દે કિસાન સંઘ દ્વારા આજે સવારે 11 વાગ્યે પત્રકાર પરિષદ યોજવામાં આવશે. બીજી તરફ, 15 જૂને ગાંધીનગરમાં યોજાનારા 'ખેડૂત સત્યાગ્રહ'ની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા આજે રાજીવ ભવન ખાતે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, કિસાન સંઘના આગેવાનો અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે.
રાજ્ય મંત્રી મંડળની બેઠક રદ
રાજ્ય મંત્રી મંડળની આજે કોઈ બેઠક મળશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના દિલ્લી પ્રવાસના કારણે કેબિનેટની બેઠક રદ્દ કરવામાં આવી છે, જોકે રાજ્ય સરકારના અધિકારીઓની ઉપસ્થિતિમાં COS (Committee of Secretaries) ની બેઠક યોજાશે.
મહેસાણા અને વડનગર
વડાપ્રધાનના કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહેસાણા ભાજપ દ્વારા વડનગરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન, ધૂન અને સાંજે 7:00 કલાકે મહાઆરતી યોજાશે. આ નિમિત્તે આજે સાંજે 4:30 કલાકે ઝોન મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને સાંજે 7:30 કલાકે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પત્રકાર પરિષદને સંબોધન કરશે.
નર્મદા
પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ આજે નર્મદા જિલ્લાની મુલાકાતે રહેશે. તેઓ બપોરે 3 વાગ્યે સાગબારા સ્થિત દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરશે અને સાંજે 6:30 વાગ્યે આરતીમાં જોડાશે, ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.
પંચમહાલ
પંચમહાલમાં પણ વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા અને પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ સાંજે 7 કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીની મહાઆરતીમાં સહભાગી થશે.
રાજ્યવ્યાપી ઉજવણી
વડાપ્રધાન મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યના વિવિધ મંદિરોમાં તેમના દીર્ઘાયુ માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં જોડાયા હતા.
હવામાનની આગાહી
રાજ્યમાં ગરમી બાદ હવે વરસાદનું આગમન થવાની શક્યતા છે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ચોમાસુ આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે, સાથે જ 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : ચોમાસું 12 રાજયોમાં પહોંચ્યું, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના