Gujarat News Today: ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન અને પાટનગરના બિસ્માર રોડની સમસ્યા ચર્ચામાં છે, તો બીજી તરફ સુરતમાં રાહત કામગીરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, રાજકોટમાં નરેશ પટેલના જન્મદિવસની સેવાકીય ઉજવણી, ઉત્તર ગુજરાતમાં વિકાસના કાર્યો અને ખેડૂતોના પ્રશ્નો વચ્ચે રાજ્યભરમાં આજે રાજકીય અને સામાજિક ગતિવિધિઓનો ધમધમાટ રહેશે.
ગાંંધીનગર
વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે શિક્ષક યોગ્યતા કસોટી (TAT) ફરજિયાત કરવાના વિરોધમાં રાજ્યભરના શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. કેન્દ્ર સરકાર આ નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી શિક્ષકો વિવિધ રીતે વિરોધ નોંધાવશે. બીજી તરફ, રાજ્યના પાટનગરમાં ચોમાસાની શરૂઆત છતાં સેક્ટર-૫ સહિતના વિસ્તારોમાં અધૂરા રોડ-રસ્તા અને ખાડાઓને કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગેની આગાહી પણ મહત્વની રહેશે.
અમદાવાદ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રાને લઈને આજે વિવિધ તૈયારીઓ તેજ બની છે. અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાના રૂટ અને આયોજન અંગે મહત્વપૂર્ણ પ્રેસ બ્રિફિંગ યોજાશે, જેમાં સાંસદ નરહરિ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સાથે જ, રથયાત્રા માટે ફાયર વિભાગની સજ્જતા અને ભક્તો દ્વારા ભગવાનના પ્રસાદ માટે મગ સાફ કરવાની સેવાકીય પ્રવૃત્તિઓ થશે.
અવકાશયાત્રી કેપ્ટન સુધાંશુ શુક્લા આજે 'અમેઝિંગ સ્પેસ મ્યુઝિયમ'ની મુલાકાત લેશે
આ ઉપરાંત, અવકાશયાત્રી કેપ્ટન સુધાંશુ શુક્લા આજે 'અમેઝિંગ સ્પેસ મ્યુઝિયમ'ની મુલાકાત લેશે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા અશોક ગેહલોત આજે ગુજરાત આવી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
સુરત
સુરતમાં પૂર અને ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને ઝડપી બનાવવા રાજ્ય સરકાર સક્રિય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ફરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરશે અને અસરગ્રસ્તો સાથે સીધી વાતચીત કરશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગમાં સહાય વિતરણ અને સર્વેની કામગીરી પર ચર્ચા કરવામાં આવશે.
રાજકોટ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના આજે જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને ચેન્નાઈમાં 74 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, જેમાં અનેક ધારાસભ્યો હાજરી આપશે.
ભાવનગર
ગારિયાધાર નગરપાલિકામાં ફાયર વિભાગની સ્થિતિ ગંભીર છે. વિભાગમાં એકપણ કાયમી સ્ટાફ નથી. બે ફાયર ફાઇટર વાહનોમાંથી મોટું વાહન એક વર્ષથી રિપેરિંગના અભાવે બંધ છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સમયે અન્ય તાલુકા પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કચ્છ
ભુજમાં નર્મદાની પાણીની લાઈન બંધ હોવાની સ્થિતિમાં લેર ડેમમાંથી પાણી રિઝર્વ રાખવાની મંજૂરી મળતા, આ અંગે નગરપાલિકાના જવાબદારોની પ્રતિક્રિયા સામે આવશે.
મહેસાણા
વિજાપુરના માઢી ગામના ખેડૂતો નવી કેડી કંડારી રહ્યા છે. પરંપરાગત ખેતીને બદલે ૫૦ ટકાથી વધુ ખેડૂતો શાકભાજીના રોપા ઉછેરના વ્યવસાય તરફ વળ્યા છે, જેનાથી આ ગામ વાર્ષિક 80 લાખનું ટર્નઓવર કરી રહ્યું છે અને ગામના ગરીબ પરિવારોને રોજગારી પણ મળી રહી છે.
નવસારી
ગણદેવીના બીલીમોરામાં આવેલી મેંગુશી હોસ્પિટલ અત્યંત જર્જરીત હાલતમાં છે. આધુનિક મશીનો અને નિષ્ણાત તબીબોના અભાવે લોકો પરેશાન છે. જિલ્લા કલેક્ટરની તપાસ દરમિયાન પણ હોસ્પિટલના નવા મકાનની માંગણી મુખ્ય મુદ્દો બની હતી.
બનાસકાંઠા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે વડગામના ધારેવાડા ખાતે નવી હોસ્પિટલના ભૂમિપૂજન અને પાલનપુરના બનાસ કમલમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પાટડી
રણકાંઠાના અગરિયાઓ માટે નશાબંધી રામાપીર યુવક મંડળ દ્વારા 56 વર્ષથી આખ્યાન પરંપરા જીવંત રાખવામાં આવી છે. ત્રણ પેઢીથી અગરિયાઓ વ્યસનમુક્તિના સંદેશ સાથે ભક્તિ અને મનોરંજન મેળવે છે.
અંબાજી
શક્તિપીઠ અંબાજી નજીક ગબ્બર પર્વત પર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધજા અને ગરબા કરવા માટે ચાર્જ લેવાના નિર્ણયથી માઈભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
વલસાડ
દમણમાં હવે સત્તાવાર રીતે 'કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન' (CZMP) નો અમલ શરૂ થયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી બાંધકામ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને નગરરચના તથા અન્ય સામૂહિક સુવિધાઓમાં સરળતા રહેશે.
પાટણ
રાધનપુરમાં આજે બનાસ બેંકના માર્કેટયાર્ડ શાખા, નવા કાર્યાલય અને ખેડૂત આરામ ભવનનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરવામાં આવશે.
ભરૂચ
જિલ્લામાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ રૂંધાતા ખેડૂતોના ખેતરો સરોવર બન્યા છે, જેના કારણે ચાર મહિના સુધી ખેતી કરવી મુશ્કેલ બની છે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : GSTના તમાકુના વેપારીઓના ત્યાં ગુજરાતભરમાં દરોડા