Gujarat News Today:ગાંધીનગર સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ટેટ પરીક્ષાના વિરોધ વચ્ચે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા આંદોલનકારી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે આજે સવારે પત્રકાર પરિષદ યોજીને સંઘ દ્વારા આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનને લઈને કોન્ફરન્સ
ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનને લઈને એક મહત્વની કોન્ફરન્સ આજે યોજાઈ રહી છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી તથા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં વર્તમાન યુદ્ધની સ્થિતિના કારણે ખોરવાયેલી સપ્લાય ચેઈન અંગે વિગતો આપવામાં આવશે.
પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 12 જૂન, 2025 ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ પર ક્રેશ થઈ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત270 થી વધુ લોકોના મોત થયા હતા. પીડિત પરિવારો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગો તોડીને નવા બાંધકામની જાહેરાત કરી છે, જ્યારે સ્થાનિક લોકો ત્યાં મૃતકોના સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે. આ દુર્ઘટના બાબતે AAIBનો અંતરિમ રિપોર્ટ જાહેર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજાનું આયોજન
ગીર સોમનાથમાં સોમનાથ ખાતે પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ડોગરેજી મહારાજ અન્ન ક્ષેત્ર ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરી મહાપ્રસાદ લેવામાં આવશે.
NEET પરીક્ષામાં પેપર લીક મુદ્દે ધરણા યોજાશે
બીજી તરફ વેરાવળ ટાવર ચોક ખાતે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા નીટ (NEET) પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દે જન આક્રોશ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ધારાસભ્ય ભગવાન બારડના વતનમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ નવનિયુક્ત રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાશે.
નકલી ડિમોલિશન મામલે કોંગ્રેસના ધરણા
સુરતમાં નાસીર નગરના કથિત નકલી ડિમોલિશન મામલે કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ નેતા તુષાર ચૌધરી અને અનંત પટેલ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાત લઈને કસૂરવાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરશે. જોકે, પોલીસ દ્વારા ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાના કારણોસર કાર્યક્રમની સંપૂર્ણ મંજૂરી ન મળતા માત્ર એક કલાકના પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.
હવામાનની આગાહી
હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજથી બે દિવસ વરસાદની શક્યતા છે, જે બાદ વરસાદ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધશે. ચોમાસુ મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી પહોંચ્યું છે. દરમિયાન અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત છે અને તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે, જેમાં ગત રોજ સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : દિલ્હીના તુગલકાબાદમાં આગનો કહેર, બિલ્ડીંગમાં ફસાયેલા 3 લોકોના મોત