Gujarat News Today : ગુજરાતમાં આજે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. ગાંધીનગરમાં વિદ્યા સહાયક ભરતીમાં ઓબીસી અનામતને લઈને ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવશે, તો બીજી તરફ બારડોલી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત, સુરતના ચર્ચિત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં તબીબોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા અને શ્રાવણ માસ તથા ગણેશ ઉત્સવને લગતી વિવિધ વિશેષ બાબતો ચર્ચાના કેન્દ્રમાં છે.
ગાંધીનગર: વિદ્યા સહાયક ભરતીમાં 27 % ઓબીસી અનામતની માંગ
ગાંધીનગર ખાતે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ના ઓબીસી સમાજના ઉમેદવારો આજે સવારે 10: 00 વાગ્યે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચીને ઉગ્ર રજૂઆત કરશે.27 % ઓબીસી અનામતનો સાચો અમલ કરવા અને ભરતીમાં ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વ મળે તે માટે આ રજૂઆત કરાશે. ઉમેદવારોનો આક્ષેપ છે કે રોસ્ટર સિસ્ટમના નામે ઓબીસી સમાજના ઉમેદવારોને અનામત મેળવવામાં અન્યાય થઈ રહ્યો છે.
અમદાવાદ: ધોળકાના બદરખા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા
અમદાવાદ જિલ્લામાં વરસાદ બંધ થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં ધોળકા તાલુકાનું બદરખા ગામ હજુ પણ પાણીમાં ગરકાવ થયેલું છે. ગામમાં જવા માટે હાલ માત્ર એક જ મુખ્ય માર્ગ ખુલ્લો છે, જ્યારે બાકીના આંતરિક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સુરત: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં બાકી તબીબોના નિવેદન નોંધાશે
ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આજે બાકી રહેલા બે તબીબોના નિવેદન નોંધવામાં આવી શકે છે. અગાઉ માત્ર ડૉ. અનુજ મહેશ્વરી અને દીક્ષિતા ઘેવારીયાના નિવેદન નોંધાયા હતા, જ્યારે હિના ભૂત સહિતના અન્ય બે તબીબોના નિવેદન હજુ બાકી હતા. આ તબીબોને પણ પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જો તેઓ પોલીસ સમક્ષ હાજર નહીં થાય, તો તેમની અટકાયત પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ખટોદરા પોલીસ મથકમાં રેગિંગ અને દુષ્પ્રેરણાની બે અલગ-અલગ ફરિયાદો નોંધીને ચારેય તબીબો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બારડોલી સુગરમિલની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે
એશિયાની સૌથી મોટી સુગરમિલ એવી બારડોલી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 11 બૂથ પર યોજાયેલી 14 બેઠકો માટે 43.82 ટકા મતદાન નોંધાયું હતું. વ્યવસ્થાપક સમિતિના ભાવિનો ફેસલો આજે આવશે. બારડોલી કન્યા વિદ્યાલય ખાતે સવારે 9:00 કલાકથી 14 બેઠકો માટેની મતગણતરી શરૂ થશે.
નવસારી
ગણેશ ઉત્સવ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ અનેક લોકો માટે રોજગારીની મોટી તક બને છે. ગણપતિ બાપાના આગમનથી વિસર્જન સુધી ફૂલ વિક્રેતાઓ, ડીજે કે બેન્ડ સંચાલકો, મંડપ ધારકો અને લાઇટ શો સાથે સંકળાયેલા વ્યવસાયિકોને લાખો રૂપિયાની આવક થાય છે. આ તહેવારથી કરોડોનો વેપાર થતાં અનેક વેપારીઓની આર્થિક સ્થિતિ સુધરે છે.
કચ્છ (ભુજ)
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે સાંજે 5:00 વાગ્યે ભુજમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત યોજાનાર પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેશે.
વલસાડ: ઉજ્જૈન જેવી દિવ્ય ભસ્મ આરતીના દર્શન
શ્રાાવણ માસ દરમિયાન ઉજ્જૈનનું પ્રસિદ્ધ મહાકાલ મંદિર યાદ આવે, પરંતુ હવે વલસાડ નજીક આવેલા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસ નિમિત્તે વિશેષ 'ભસ્મ આરતી'નું આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય શિવાલય માત્ર 4 મહિલાઓના અતૂટ વિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી આકાર પામ્યું છે, જે આજે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે.
ખેડા
ખેડા જિલ્લાના નવનિયુક્ત ફાગવેલ તાલુકામાં દરેક ગ્રામ પંચાયતને સરકારની ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ 140 વર્ષ જૂનું અને રાજાશાહી વખતના ફુલેશ્વર મહાદેવ મંદિરે દર સોમવારે વિશેષ શણગાર અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાય છે, જે મોટી સંખ્યામાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગીર સોમનાથ
વેરાવળ શહેરમાં આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર એવા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેઓ કેદારનાથ નથી જઈ શકતા.
જુનાગઢ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભવ્ય રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અવનવી રાખડીઓ, હાથશાળ, હસ્તકલા, માટીકામ અને કચ્છ ભરતકામની વસ્તુઓ ઉપલબ્ધ છે.
હવામાન આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી યથાવત છે. વાતાવરણમાં સક્રિય થયેલી વિવિધ સિસ્ટમોને કારણે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહેવાની સંભાવના છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Rashifal 18 August 2026 : ગ્રહોના સંયોગથી આજે ચમકશે આ 5 રાશિનું નસીબ, જાણો તમારુ રાશિફળ